રણકાર
પોતાનો મૉબાઇલ ફ્રેન્ડને આપતા રાજુલે કહ્યું, “આને કહી દે કે હું ફોન ભૂલી ગઈ છું તારે ત્યાં… અને જે મેસેજ હોય તે લઈ લે.” અને ફ્રેન્ડ બિચારીએ રાજુલના કહેવા પર અમલ કર્યો. મૉબાઇલ જ્યારે વસ્ત્રોની જેમ શરીર સાથે વળગી ગયા છે ત્યારે એ દિવસો યાદ આવે છે જ્યારે કોઈકનો કૉલ રિસિવ કરવા નિયત સમયે રાહ જોતા ઊભા રહેવું પડતું. કે પછી બહારગામ વાત કરવા ટ્રંક કૉલ બૂક કરાવવો પડતો કે પૉસ્ટ ઑફિસ જવું પડતું. હવે માણસો ઑલવેઝ એક્સેસીબલ છે. દસ નંબરની દુનિયાએ દુનિયાના દરેક માણસને સંપર્કેબલ અર્થાત્ ઇચ્છો ત્યારે વાતચીત કરવા ઉપલબ્ધ કરી દીધા છે. પણ મૉબાઇલ લીધા પછી અને હોંશે હોંશે પોતાનો નંબર પ્રસાદીની જેમ બધાને વહેંચતા ફર્યા પછી એવા કૉલ્સ પણ આવે જે રિસિવ કરવાની ઇચ્છા ના થાય. કોઈક માથું ખાતું હોય તો કોઈક એવા સમયે કૉલ કરે જ્યારે મગજ ચોક્ક્સ ધૂનમાં ખોવાયેલું હોય. પણ એનો અર્થ એવો નથી કે કોઈની ઉપેક્ષા કરવી.

મૉબાઇલ વસાવ્યા પછી એનો ઉપયોગ સાચી રીતે કરતાય આવડવો રહ્યો. નિયમ સાદા છે. જેને આપવો ના હોય એને આપણો નંબર ક્યારેય નહીં આપવાનો. ખોટા સમયે ફૉન કરનારને પણ કમ સે કમ એસએમએસ કરીને જવાબ દેવો કે હમણાં વાત કરવી શક્ય નથી. અણગમતા માણસને ટાળવાથી બહેતર છે કહી દેવું, તમે મને ફૉન ના કરો તો શ્રીફળ વધેરીશ. અને સૌથી અગત્યનો નિયમ કે આપણે પણ કોઈને જસ્ટ ટાઇમ પાસ માટે ફૉન કરવો નહીં. જેની પાસે મૉબાઇલ છે એ સૌ આપણી બૈરી કે આપણો બૉયફ્રેન્ડ કે આપણું અંગત માણસ નથી હોં. વાતચીત કરતી વખતે, સિવાય કે વાતચીત થતી જ હોય અમસ્તી, કોઈ દિવસ અમસ્તી વાતો નહીં કરવાની. ખપ પૂરતી વાત એ ખરી કળા છે. અને જે સમયે કામઢા હોઈએ કે ધૂનમાં ખોવાયેલા હોઈએ ત્યારે મૉબાઇલ સ્વિચ ઑફ્ફ કરતા કોણ રો઼એ છે? સાધનને સાધન તરીકે વાપરો તો એ સગવડ છે, બાકી સંતાપ. ચાલો, આ મૉબાઇલ વાગ્યો… હવે કાલે વાત.
- કલ્પના જોશી
(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://symbianv3.com/ways-to-protect-yourself-from-bad-effects-of-phone/)

Comments
How do u manage to get such deep insight of life at such a young age?