Category Archives: સંજય વિ. શાહનાં કાવ્યો

Read my poems and do let me know whether it touched your heart or not…

મેં લખેલાં કાવ્યો અહીં માણવા મળશે. તમને ગમે તો બીજાને જણાવજો અને ના ગમે તો મને…

રણકાર * Rankaar 26 08 2010


(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

Advertisements

મ્યુઝિક રિવ્યુ – શાયર: પ્રેમમાં પડી જશો

ગઝલકારઃ દાગ દહેલવી

ગાયકઃ પંકજ ઉધાસ

સંગીતઃ અબ્બાસ-બાજવા

મોટા ગજાના શાયર દાગ દહેલવીને અંજલિ આપતું ગઝલ આલબમ શાયર રિલીઝ કરવાનો આનાથી ઉચિત સમય કદાચ બીજો કોઈ હોઈ શકત નહીં. વરસાદની મોસમ પૂરબહારમાં ખીલી છે. ફિલ્મી સંગીત ઘણા સમયથી ટાઢુંબોળ છે અને શ્રોતાઓ ખાસ્સા તલપાપડ થયા છે કશુંક અદભુત અને સુખદ સાંભળવાને. એટલે અત્યારે પંકજ ઉધાસના ગઝલ આલબમથી વધુ રસપ્રદ આલબમ બીજું કોઈ કદાચ હોઈ જ શકત નહીં.પંકજ ઉધાસ એ ગાયક છે જેમણે એકલે હાથે ગઝલ કાવ્ય પ્રકારને ત્રણ દાયકાથી વધુ સમય સુધી આમ આદમી સુધી પહોંચાડવાનું મોટું કામ સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. શાયર આલબમ ખરીદી લો, સારા સંગીતમાંની તમારી શ્રદ્ધા આ આલબમ જરૂર જીવંત રાખશે.

આલબમની બધી જ ગઝલો ધીમી ધૂન ધરાવતી હોવી છતાં બધી પોતપોતાની આગવી ઓળખ સર્જી જાય છે. આમ પણ, ગઝલ હોય છે મૂળે જ આવા જ મિજાજમાં સંગીતબદ્ધ થવાને અને લોકો સુધી પહોંચવાને.

પહેલી ગઝલ ‘ગઝબ કિયા’ પીડા, પ્રેમ અને ઊંડા મનોભાવથી છલકતા શબ્દોથી સભર છે. એની ગાયકી અને એનું કૉમ્પોઝિશન બેઉ ધીમાં છે, કશાય બિનજરૂરી મ્યુઝિકના ઘોંઘાટ વિના. એની સાદગી એનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ પુરવાર થાય છે. માત્ર એક જ વાર સાંભળતાંવેંત આ ગઝલ મન અને હ્રદયમાં નિશ્ચિત સ્થાન જમાવવામાં સફળ થાય છે.

આલબમની સૌથી સારી ગઝલમાં સ્થાન પામે તેવી ગઝલ છે, ‘આપકા ઐતબાર કૌન કરેં? રોઝ કા ઇંતઝાર કૌન કરેં?’ એનો ઉપાડ જ એકદમ અસ્ર્થપૂર્ણ અને સ્પર્શી જાય તેવો છે. ફરી એકવાર, સાવ ઓછાં વાદ્યોનો ઉપયોગ અને અસરકારક કંઠ આ ગઝલને અનોખી આભા બક્ષે છે. કર્ણપ્રિય અને યાદ રહી જાય તેવી ગઝલ. એના પછીની ગઝલ, ‘ખાતિર સે યા લિહાઝ સે’ હળવા તાલ સાથે એક ખાલીપાની અસર સર્જતી શરૂ થાય છે. સંબંધોમાં થતા ખેલ અને અંતરાત્મા વિશેની વાતો એના શબ્દોમાં નિરુપાય છે. સારા શેર સાંભળવાને ટેવાયેલા લોકોને આના શેર ગમવાના.

‘દિલ ગયા તુમને લિયા’ આ લખનારની વધુ એક ફૅવરિટ ગઝલ છે આ આલબમની. સુખદ આશ્ચર્ય એ વાતનું પણ છે કે લગભગ બધી જ ગઝલો ધીમી હોવા છતાં કેવી રીતે આલબમની સંગીતકાર બેલડી અને ગાયક ભેગા મળીને આટલી સચોટ ઇફૅક્ટ ઊભી કરી શક્યા છે. એ પણ સંગીતનો મર્યાદિત પણ કલ્પનાશીલ ઉપયોગ કરીને! આ ગઝલમાં જેવો વાંસળીનો ઉપયોગ થયો છે તે નોંધપાત્ર છે.

‘રંજ કી જબ ગુફ્તગુ હોને લગી’ અત્યાર સુધીની ધીમી ગતિથી જરા જુદું તરી આવતી ગઝલ છે. એ પણ સારા માટે જ. જરાક વધુ ગતિનું સંગીત, થોડા જુદાં વાદ્યો અને ગાયકીની પણ થોડી નોખી છટા ગઝલને મજાની બનાવે છે. એનું સંગીત અમુક અંશે કોઇક જૂનાં ગીતોની યાદ તાજી કરાવતું ભલે લાગે પણ હકીકત એ છે કે સંગીત તાજગીસભર અને પોતાની રીતે અલગ છે. આ ગઝલમાં લોકોમાં ઇન્સ્ટન્ટલી હિટ થવાની તાકાત છે તેવું જરૂર કહી શકાય.

‘ક્યૂં ચુરાતે હો’ ગઝલમાં કેન્દ્રસ્થાને છે આંખો. આ ગઝલ પણ ધીમી, સૉફ્ટ અને સ્વીટ છે. જો કે એના શબ્દો ખૂબ અસરકારક નથી. જો આ ગઝલ એકવારમાં ગમી જતી નથી તો એને સ્કિપ કરવાની પણ ઇચ્છા થતી નથી. પછી આવે છે એવરગ્રીન વિષય જામની ગઝલ, જેના શબ્દો છે, ‘ વાયીઝ બડા મઝા હો.’ જામ અને માશૂક વિશેની અનેક લોકપ્રિય ગઝલોની પંગતમાં બેસે તેવી છે આ ગઝલ. શબ્દો સરસ મજાના અને કદાચ આ ગઝલ સાંભળવાની વધુ મજા આવે આછી રોશનીમાં બેઠા બેઠા, જ્યારે હૈયું ભારે થઈ ગયું હોય ત્યારે.

‘ઝબાન હિલાઓ તો’ છેલ્લી ગઝલ છે. આલબમના ઑવરઑલ મિજાનને અનુરૂપ આ ગઝલ પણ ધીમી છે અને કર્ણપટલ પર સહેલાઈથી સચવાઈ જાય છે. એમાં જે દર્દ છે તે આ ગઝલની તાકાત છે.

પંકજ ઉધાસ શાયરમાં એમના શ્રેષ્ઠ ફૉર્મમાં છે એ વાત પાકી. આ લખનારને આ રિવ્યુનું સમાપન કરતી વખતે એમનું જ બીજું એક આલબમ રૂબાઈ યાદ આવે છે, જેમાં એમણે ઉમર ખય્યામની અમર રચનાઓને વધુ અમરત્વ આપ્યું હતું. શાયરથી પંકજભાઈએ હવે લોકો સુધી દાગને દમામદાર રીતે પહોંચાડ્યા છે. સાંભળો દિલથી.

એક છોકરી રૅઇનબો જેવી…

એક છોકરી રૅઇનબો જેવી, એની હાલત થઈ ગઈ કેવી!

એ હસતી ‘તી ને રમતી ‘તી હવે રહી ના રોવા જેવી!

એક છોકરી રૅઇનબો જેવી…

એના હાથે થઈ ગ્યો લોચો, માથે લીધો ઘરનો બોજો,

એની પિદ્દુડી જે કાઢે છે એવી સાસુને કોઈ રોકો,

એના સેલ્સમેન છે વેરી, એને કચડે કિચન ક્વૅરી,

તોય થાકે કે હાર કબૂલે નથી પોચકી એવી!

એક છોકરી રૅઇનબો જેવી…

એનો પતિ છે ડાહ્યોડમરો, ને એડમાઇરૅબલ સસરો,

બેઉ સામે જો થઈ જાતા જો, તો કરે શાંતિનો કચરો,

એની થતી પરીક્ષા હૅવી, તોયે હિંમત રાખે કેવી,

હાઉસવાઇફનો રૉલ બજાવે રાત-દિવસ આ બૅબી!

એક છોકરી રૅઇનબો જેવી…

એક સાંજે બજાર જઈને, એની જોવા જેવી થઈને,

કોઈ સૂઝ નહીં ને સૅન્સ નહીં તોય લાવી શાક ભરીને,

એને વાલોળ ગુવાર જેવી, કોથમીર ફુદીના જેવી,

ટામેટાં પર મૂક્યાં બટેટા થેલીમાં થઈ ગ્રૅવી!

એક છોકરી રૅઇનબો જેવી…

એના રંગ થઈ ગયા નોખા, ઝાંખા તોય ચોખ્ખા ચોખ્ખા,

ભોળા દિલની ભૂલ કરે તોય વીંધી નાખે કોઠા,

એને મળશે મંઝિલ જે દી’, એ ખીલશે પાછી તે દી’,

ડાઉન થશે પણ આઉટ નહીં એ હિંમતવાળી એવી!

એક છોકરી રૅઇનબો જેવી…

(મારા લખેલા અતિસફળ ગુજરાતી નાટક તારે મન હું મારે મન તું માટે આ ગીત લખાયું હતું. એમાં સંગીત સચીન સંઘવીનું હતું અને જેના પર ગીત દર્શાવાયું હતું તે કલાકારો હતાં સુજાતા મહેતા, નીતિન વખારિયા, મેઘના રૉય, હેમંત ઝા, પ્રણવ ત્રિપાઠી અને અમીષ તન્ના)

(Photo courtesy – http://i39.photobucket.com/albums/e190/Kamo215/rainbowgirl.jpg)

sunday rankaar

સન્ડે રણકાર

સંજય વિ. શાહ

એકાદ કલાકની મીટિંગ પછી જેવા છુટા પડવાનું થયું કે એક જણ બોલી ઊઠ્યું, “સૉરી, મને તો નથી લાગતું કે આની સાથે બિઝનેસ થાય. આમ ભલે એ સ્માર્ટ લાગે છે પણ આમ સાવ કનફ્યુઝ્ડ છે. હી જસ્ટ કૅનનૉટ ડિલિવર એનીથિંગ…” બૉઇંગ કે એરબસ તો નથી જ માણસો છતાં દુનિયાની તાસીર એવી થઈ ગઈ છે કે દરેક જણને ઇનસ્ટન્ટ રિઝલ્ટ આપવાની કડવી ફરજ પાડવામાં આવી રહી છે. માણસે મશીનનાં પ્રૉગ્રામિંગ કર્યા પછી એ માણસ પાસે પણ પ્રૉગ્રામ્ડ રિઝલ્ટની અપેક્ષા સેવે છે. સારું છે કે ઉમર ખૈય્યામ કે નરસિંહ મહેતા પાસે આવી ડિમાન્ડ કરનારા કોઈ નહોતા બાકી આપણને કોઈ દિવસ રૂબાઈઓ કે પદ મળ્યા હોત ખરા?

ધીરજ, ભરોસો અને શ્રદ્ધા એ ત્રણ શબ્દો છે બે વ્યક્તિ વચ્ચેના સેતુ. ઘરમાં નવી વહુ આવે અને એના હાથની મહેંદી ઓતરે નહીં ત્યાં સુધી એને કામ ના કરવા દેવાય એ ધીરજ નથી, એ તો દસ્તૂર છે, ધારો છે. પણ નવી વહુ રસોડું સંભાળી લે પછી, “અમારા ઘરે દાળમાં કોકમ નથી નાખતા…” એવું કહી ચીડાવું નહી અને એને ઘરની તાસીરમાં ગોઠવાઈ જવા સમય આપવો એ ધીરજ છે. વફાદાર લાગતા બાર વરસ જૂના ડ્રાઇવરને જોખમ સોંપીને મીટિંગમાં જવું એ ભરોસો નથી પણ એ ડ્રાઇવરની હાજરીમાં કારમાંથી મ્યુઝિક સિસ્ટમ ચોરાઈ જાય પછી પણ સત્ય જાણી એને સાંત્વન આપવું એ ભરોસો છે. મારી અક્કલ પર હું મુસ્તાક છું એટલે પેલાએ કામ કરી જ બતાવવું પડશે એ શ્રદ્ધા નથી પણ પેલાને જેટલું આવડે છે એમાંથી મને જોઈતું શ્રેષ્ઠ હું મેળવી લઈશ એ છે શ્રદ્ધા.


ગણપતિ બાપાની એક મૂર્તિને બનતા કેટલો સમય લાગતો હશે? એને પાંચ કે દસ દિવસ પૂજ્યા પછી એનું વિસર્જન કરતા આપણને કેટલો સમય લાગે છે? બાપાને લાવવા અને પાણીભેગા કરવા એ બેઉ રિવાજ હશે પણ માણસનું આપણા સંપર્કમાં આવવું અને આપણી જિદ કે અપેક્ષા મુજબ, ટુ-મિનિટ-નૂડલ્સની જેમ ચમત્કાર કરી બતાવવું એ અત્યાચાર છે. બધા જો તમારા જેવા જ હોત અને વેર્બાટિમ જીવતા હોત તો ભગવાન કાંઈ ભગવાન નહીં પણ માણસ નામનું મશીન પેદા કરતું મશીન હોત અને દરેક માણસની પીઠ પર એણેય સિક્કો માર્યો હોત, “મેઇડ ઇન હૅવન…”

સમય આપશો તો જ સંબંધમાં સંબંધમય થઈ શકશો. સમય આપશો તો જ દરેક વ્યક્તિને સમજી શકશો અને પોતે જે સમજો છો એ સમજાવી શકશો. સર્કસના જાનવરને પણ નૈસર્ગિક આદતો છોડીને રિંગ માસ્ટરના ઇશારે નાચતું કરવા સમય આપવામાં આવે છે. આપણે કેમ આપણા થનારને પણ સમય નથી આપતા? કેટલાંય લગ્નો હવે આઠ-દસ મહિનામાં તૂટી પડે છે, કેમ, તો કહે વી આર જસ્ટ નૉટ કમ્પાઇટૅબલ વિથ ઇચ અધર.” લૅબર ટર્નઑવર કે કર્મચારીઓની એક નોકરી છોડી બીજી પકડવાની રીત હવે સામાન્ય બની ગઈ છે, કેમ, તો કહે, “બૉસ આઈ નીડ ટુ ગ્રૉ, આઈ વૉન્ટ મોર મની…” આવું જો ગાંધીજી કહેત અને ભારતની આઝાદીને ઐસીતૈસી કરી બીજા દેશમાં ચાલ્યા જાત તો? કે પછી વૈશ્વિક ઉદ્યોગગૄહ ઊભા કરનાર ટાટા, બિરલા કે અંબાણીએ કર્યું હોત તો? ઉતાવળના રિમૉટ કંટ્રોલથી જિંદગી ચલાવશો તો કાંઈ નહીં વળે. થોડા શાંત પડશો તો સાચા રંગ જડશે અને રૂપ જડશે. પણ એના માટે માણસ થઈને વિચારવું, વર્તવું પડશે એ છે એકમાત્ર શરત.

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://www.adwaitjoshi.com/images/ganapati1.jpg)