Category Archives: સન્ડે રણકાર * Sunday Rankaar

બેધ્યાન છે તો ધ્યાન છે

(Sunday Rankaar ~ weekly column published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper * (સન્ડે રણકાર ~ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં દર રવિવારે પ્રસિદ્ધ થતી કટાર)

સંજય વિ. શાહ

મગજનું ભલું પૂછવું. પૂછ્યાગાછ્યા વિના એ કશેક રફૂચક્કર થઈ જાય. ધ્યાન અને બેધ્યાનપણા વચ્ચેની લડાઈ દુનિયાની ઑલ્ડેસ્ટ લડાઈ છે. પહેલાં ઇંડું કે પહેલાં મરઘી એનો જવાબ મળ્યો તો પણ શું? પહેલાં ધ્યાન કે પહેલાં બેધ્યાન એનો જવાબ શોધો. થિન્કિંગ?

શ્રાવણમાં કેટલાય જુગારી જરાક હારીને પત્તાં પર ધ્યાન રાખવાને બદલે હારી ગયેલી રકમના વિચારમાં બેધ્યાન થયા હશે. એમાં વધુ હાર થાય. રમવામાં ધ્યાન હોત તો મોજ અને મની બેઉ મળત. નવું નવું ડૅટિંગ હોય અને ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ ફિલ્મ જોવા જાય પછી ધ્યાન ફિલ્મ કરતાં કમ્પૅનિયન સાથે રૉમાન્ટિક પળો વિતાવવામાં જ રહે. ફિલ્મ સારી કે ખરાબ, કોના ફાધરનું શું જાય? ઑફિસે જવામાં લૅટમલૅટ થાય, રસ્તે મંદિર આવે અને ઊભા ઊભા જ ચંપલ નીકળે, ફાસ્ટ ફૉરવર્ડમાં માથું નમાવી ચાલતી પકડાય એવા દર્શનમાં કરનાર તો ઠીક, જેના થયાં એ દેવનેય શાનો રસ પડી જાય?

પ્રણયત્રિકોણની જેમ વિચારત્રિકોણ પણ ડેન્જરસ. પૈસા કે જુગાર રમવાનો આનંદ? ઑફિસ કે ઇશ્વર? નક્કી કરી લેવાનું. એવું ડૅટિંગની બાબતમાં નહીં કહીએ જો કે, યુ નૉ વ્હાય. મુદ્દે, ધ્યાન એક જ જગ્યાએ ખપે, ઑલવેઝ. બમણા વિચારો લમણાની નસો ખેંચવાથી વધુ કશું જ કરતા નથી. પણ એનો અર્થ એ નથી કે બેધ્યાનપણું બકવાસ છે, બંડલ છે. બેધ્યાનપણું તો ધ્યાન ખરેખર ક્યાં જઈ રહ્યું છે એ દર્શાવે છે. શોરબકોરવાળી બજારમાંથી પસાર થતા દૂર વાગતું કિશોરકુમારનું ગીત બધું જ ધ્યાન ખેંચી લે છે કે નહીં? હા, કેમ કે એ બધી પળોજણથી બેધ્યાન કરી નાખવા માટે ઇનફ થતો ઇલમ છે. રસ જ્યાં હશે ત્યાં મગજને કસ દેખાશે. કસ દેખાશે તો કસબ ખીલશે અને કિસ્મત પણ. ધ્યાન રાખીને સિન્ડ્રેલાની જેમ મોજડી ભૂલી જવાતી નથી અને ધ્યાન રાખીને બાટલી મળે તો, “ખોલું કે નહીં?” કરીને જિન સાથે ભટકાવાતું નથી.

જેમાં ધ્યાન પરોવવું પડે એ સબજેક્ટ ખાવા છતાં નહીં પચતું ધાન. જેમાં ધ્યાન પરોવાય અને દુનિયા આપણને બેધ્યાન અને ધૂની કહી દે એ સબજેક્ટ સાચો ખાનપાન. જિંદગી એન્જૉય કરવા નહીં ત્યાં બહુ ધ્યાન આપ્યું. ગળામાં જવાબદારીનો પટ્ટો પહેર્યો છે તો ફરજના પાળતું ડૉગીની જેમ આપતાય રહેશો. ડૉન્ટ વરી, નિયમોને ખાડામાં નાખી નિયમિતપણે થોડો સમય બેધ્યાન થતા રહો. લિવ (એલઆઈવીઈ) યૉર લાઇફ, ડૉન્ટ લીવ (એલઈએવીઈ) ઇટ બિકૉઝ ઇટ્સ બ્લડી અન્વૉન્ટૅડ લાઇફ. બેધ્યાન થશો તો ધ્યાન કેળવાશે, પરોવાશે અને ફળશે ધ્યાન રાખીને તપ કરો તો ભગવાન પણ પ્રસન્ન થઈને, “માગ માગ, માગે તે આપું…” કહેવાની અપૉઇન્ટમેન્ટ નથી આપતા. બીમારીથી શરીરનો કડદો બહાર ફેંકાય છે અને બેધ્યાન થઈને મનનો મલીદો કસદાર થાય છે. રાબ એનું કામ કરે છે તો શરાબ એનું કામ કરે જ છે. ધ્યાન જો રાબ છે તો બેધ્યાનપણું શરાબ છે. યોગ્ય સમયે, યોગ્ય ડૉઝમાં યોગ્ય પૅગ ભરશો તો બેધ્યાનપણાથી ધ્યાન બમણું જ થવાનું. ટ્રાય કરી જોવાનું.

ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

Advertisements

સુંદર કોણ છે, કેટલું છે? (સન્ડે રણકાર * Sunday Rankaar 22 08 2010)

સંજય વિ. શાહ

મહેમૂદની ૧૯૭૧ની ફિલ્મનું ટાઇટલ હતું, મૈં સુંદર હૂં. એમાં મહેમૂદને મસ્ત કદરૂપો બતાવાયો હતો. છતાં એ સુંદર હતો અને પછી દેખાવડો થાય છે. બહ્હુ ફરક છે સુંદર હોવામાં અને દેખાવડા હોવામાં. રૂપની સમજણ જિંદગી પર જુવાનીની ધૂપ ચડે પછી આવે. બાળપણમાં રૂપ વિશે બેફિકરાઈ હોય એટલે દરેક બાળક રૂપાળું હોય છે. કિશોરાવસ્થામાં કુતૂહલ હોય એટલે રૂપાળામાંથી દેખાવડા થવાના ધખારા શરૂ થાય. જુવાની આવે કે અસ્તિત્વ અને અપીરિયન્સ વચ્ચે રૅસ શરૂ થઈ જાય. એના પછી શૃંગારસુખ અને અરીસાવેડા આદત બનતી જાય.

રૂપનું એક ઔર રહસ્ય છે. વધતી ઉંમરે એમાં ઝાંખપ આવે તો પણ પોતાને તો એમ જ લાગ્યા કરે કે હું હજી સરસ દેખાઉં છું. ચાલીસીથી આ દોર શરૂ થતો હોય છે. વીસી-ત્રીસીમાં રૂપાળા દેખાવાને ધમપછાડા થાય, ચાલીસીથી દેખાવડા થવાના પ્રયત્નો થવા માંડે. રૂપ આખરે છે શું? દસ ટકા રૂપ અને નેવું ટકા એ રોફ જે હ્રદયમાંથી જન્મે અને આખી પર્સનાલિટી પર લેપની જેમ ફરી વળે. સુંદર દેખાવા માટે સુંદર હોવું જરૂરી નથી, સુંદર ફીલ કરવું જરૂરી છે. ફિલ્મી પડદે દેખાતા દરેક જણ હૅન્ડસમ કે ગૉર્જિયસ કે બ્યુટીફુલ હોતા નથી. એક તો મૅક-અપ અને બીજો આત્મવિશ્વાસ એમને ગમતીલા બનાવે છે. બાકી અમિતાભ બચ્ચન તાડમાં ખપી જ ગયો હતો અને શાહરુખ ખાનના કેશ શાહુડીના કાંટા જેવા કહેવાઈ જ ગયા હતા.

અરીસો જોઈને પોતાના રૂપનું મૂંલ્યાંકન કરવાની ભદ્દી ટેવનો શિકાર બની ગયા છો તમે? એવું હોય તો ચેતી જજો. રાધર, ચૅન્જ થઈ જજો. સૌંદર્યનું સર્જન એ પણ એક કળા છે. પોતાના ચહેરા પ્રત્યે સારો ભાવ હશે તો ક્યાંય કોઈ અભાવ નહીં વર્તાય. પોતાને સુંદર ફીલ કરવું એ સુખી થવાની માસ્ટર કી છે. શરીરે સુંદર દેખાવાનું માત્ર હોય છે પણ એને સુંદર કરવાનું કામ તો હ્રદયે કરવાનું હોય છે. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે એવું રૂપ કે વ્યક્તિત્વની બાબતમાં ચાલે જ નહીં. પોતાની પર્સનાલિટી વિશે જ ઓછું ધારનાર પોતાની જિંદગી વિશે ઝાઝું કાંઈ સારું કરી શકતા નથી. સુંદર છું હું, એ વાત અરીસાના કે દોસ્ત-યારના સર્ટિફિકેટ વિના સાચી છે એ મનમાં ઠસાવી દો. દુનિયામાં કોઈ કદરૂપું નથી હોતું, બસ થોડા ખુશનસીબ લોકોને બીજા લોકો રૂપાળા ગણવા માંડે છે.

સુંદર દેખાવા માટે વર્ક કરવું જ હોય તો એટિટ્યુડ પર કરો. કેમ બોલશો, કેમ ઊભા રહેશો અને કેમ વર્તશો એ નક્કી કરો. દૂધમાં લીંબુના રસનું એક ટીપું પણ ગરબડ કરી શકે છે અને સુંદર હોવા વિશેની લેશમાત્ર શંકા તમને કદરૂપા બનાવી શકે છે. જોનારની આંખમાં સૌંદર્યનું બૅરોમીટર છે તો દેખાનારના હાથમાં સુંદર જ દેખાવાને જિદનું રિમોટ કંટ્રોલ છે. એનો રાઇટ ઉપયોગ કરવાથી રાઉન્ડ ધ ક્લૉક રૂપાળા રહી શકાય છે. તો પછી પ્રૉબ્લેમ ક્યા છે?

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

દેશ તેવી ઠેસ (સન્ડે રણકાર * Sunday Rankaar 15 08 2010)

સંજય વિ. શાહ

દર પંદરમી ઓગસ્ટે આમ છાતી બાકી ગજગજ ફુલાઈ જ જાય છે હોં. જાદુ કાં દેશનો છે, કાં એક દિવસ માટે છત્રીસ ઇંચની થતી છાતીનો છે. આપણી આઝાદી રિયલ સેન્સમાં સેન્સિબલ આઝાદી છે ખરી? આઝાદી સાથે શું શું વધ્યું છે આ દેશમાં? આબાદી વધી છે. બચ્ચા લોગની ભાષામાં કહીએ તો બાધાબાધી વધી છે. જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ એવું પુછાય તો જવાબ એક જ હોય, “સારું થયું બાપડા હૌ હાલ્યા ગયા, બાકી…”

જન ગન મન ગાતાં ગાતાં ઝંડાને સલામી આપવી બહુ સહેલી છે. આખું ઇન્ડિયા વારંવાર આપે છે ફિલ્લમ જોવા જાય ત્યારે પણ. અને દેશની ફિલ્લમ ઉતરતી બંધ થાય તે માટે કંઈક કરી બતાવવું એ અલગ વાત છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને લડવૈયાઓએ આઝાદી અપાવી આ દેશને. હવે ભૂલ નહીં તો ભૂલની ગાંસડી આપીને સૌ પિદ્દુડી કાઢી રહ્યા છે આ દેશની. જબ ઝીરો દિયા મેરે ભારતને તબ દેને વાલે કો કહાં પતા થા કિ એક દિન દેશપ્રેમ હી વૅરી બિગ ઝીરો હો જાયેગા? તિરંગામાં આમ તો દરેક બાબત કોઈક સારી વાતનું પ્રતીક છે પણ આજના ઇન્ડિયાના રૅફરેન્સમાં એ પ્રતીકના અર્થ શા નીકળી શકે? કેસરી કલર? હડહડતું હિંદુત્ત્વ? વ્હાઇટ કલર? પૉલિટિકલ દેવાળું ઝિંદાબાદ? અને ગ્રીન કલર? ઇસ્લામી કટ્ટરવાદ? વૅઇટ વેઇટ, ચક્ર શું છે? કૅઓસ અને કકળાટની કુલડી? અને પેલા ચોવીસ ચાકા? રાઉન્ડ ધ ક્લૉક પરેશાની? ચૅન્જ, ઑહ ગૉડ પ્લીઝ ચૅન્જ ધીસ નેશન. કે પછી આપણે જ કંઈક કરવું છે હવે?

પ્રૉડક્ટ પર મૅઇડ ઇન ઇન્ડિયા લખવાથી દેશ બનતો નથી. કે નથી બનતો આંગળી પર વૉટ આપ્યાની નિશાની જેવી શાહી લગાડવાથી. રેશનિંગ કાર્ડ, પૅન કાર્ડ કે પાસપોર્ટથી પણ દેશ નથી બનતો. દેશ તો બને છે માણસોની ખુમારીથી. હૈયામાં ભડકતી ચિનગારીથી. આપણો એટિટ્યુડ જો કે સુરસુરિયા જેવો હોય પછી શું થાય? દેશનું જે થવું હોય તે થાય પણ મારું કલ્યાણ થાય એ છે આપણી ખુમારી, ધૅટ ઈઝ. સો, બદલાઈએ?

બદલાવું જ પડશે. સ્વીડન, ડેન્માર્ક, નેધરલેન્ડસ અને ફિનલેન્ડ જેવા દેશ જો ભારત કરતાં સુખી, સમૃદ્ધ અને પ્રગતિશીલ હોય તો વ્હાય નૉટ ઇન્ડિયા? રહેવા ખાતર દેશમાં રહીએ અને કહેવા ખાતર ઇન્ડિયા ઇઝ ગ્રૅટ એવું કહીએ એ હવે નહીં ચાલે. એક માણસથી દેશ બનતો નથી એ કબૂલ પણ એક માણસથી દેશ ખરેખર દેશ બનવાની શરૂઆત થઈ શકે છે. બધું છે દેશ પાસે, બસ એની પ્રજા નથી અને હવે એને પ્રજા બનીને ઘડવાનો છે. કાશ્મીર સળગે છે, આતંકવાદ સળગે છે, નકસલવાદ સળગે છે તોય હૈયાં કેમ સળગતાં નથી હેં? બળો, દેશ માટે બળો જરા, તો જાતે બળુકા થશો અને દેશનેય બળુકો કરશો. પંદરમી ઓગસ્ટે નક્કી કરો, રોજ ઓછામાં ઓછી પંદર મિનિટ ખરા ભારતીય તરીકે જીવવું છે. જાત, જ્ઞાતિ, ભ્રષ્ટચાર, દ્વેષ, સ્વાર્થ, પરવશતા કે લાચારી વિનાના ભારતીય તરીકે. નકશા પર દેશ ત્યારે જ શોભે જ્યારે એમાં રહેનારાનાં જીવન દેશદાઝથી નભે અને દેશદાઝ માટે ધબકે. ચીન સામે સ્પર્ધાની બીન વાગે તો ઠીક પણ દેશના ચારેય ખૂણે બદલાવની બ્યુગલ તો વાગે. એ ત્યારે જ વાગવાની જ્યારે આપણો માહ્યલો જાગે. નહીંતર ઉમાશંકર જોશી તો બચાળા કે’ ‘દીના લખી જ ગ્યા છે, “દેશ તો આઝાદ થતા થઈ ગયો, તેં શું કર્યું?” બોલો, યૉર ટાઇમ સ્ટાર્ટ્સ નાઉ…

___________________

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/dsn1VM)

વિચાર્યું ખરું કે શું વિચારવું? (સન્ડે રણકાર * Sunday Rankaar for 08 08 2010)

સન્ડે રણકાર

વિચાર્યું ખરું કે શું વિચારવું?

સંજય વિ. શાહ

નાક અને મગજમાં એક અદભુત સામ્યતા છે. બેઉ મૉસ્ટ ઇમ્પૉર્ટન્ટ હોવા છતાં લીસ્ટ મેનેજેબલ છે, રાધર જેને સૌથી ઓછાં મેનેજ કરવાં પડે તેવાં અંગ છે. જાગો કે ઊંઘી જાવ, નાક શ્વાસ લીધે જ રાખશે. ઇચ્છો કે ના ઇચ્છો, મગજ મારું બેટું વિચાર કરે જ રાખશે. વિચારવામાં મગજના બાપનું કાંઈ જતું નથી. જાય છે તો વિચાર કરનારનુ જાય છે.

નાક પાસેથી મગજે ઘણું શીખવા જેવું ખરું. ફર્સ્ટલી, નાકને ક્યાં નાક હોય છે કે એ જગ્યા જોઈને કે હવા ચકાસીને શ્વાસ લે? એ તો એવું મનમોજી કે એયને બેધડક શ્વાસ લીધે જ જાય. હવા ચોખ્ખી હોય કે દૂષિત, ઇન્ડિયન હોય કે પાકિસ્તાની, કિસકો પરવા હૈ? નાક એ પરમ સ્વાર્થનું પ્રતીક છે. એટલે જ એનામાં જિંદગીને મુસ્તાક થઈને, જેની પ્રોપર્ટી હોય એના માટે જ એક્સ્લુઝિવલી કામ કરવાની કેપેસિટી છે. મગજ પણ એવુમ જ હોય તો લાઇફ ડ્રામેટિકલી ડિફરન્ટ થઈ જાય. શું વિચારો છો આ વિચાર વિશે?

મગજ આપણું અને એમાં વિચાર બીજાના. મોટેભાગે ઇર્ષ્યાના, દ્વેષના, ખુન્નસન, ખેપાની હરકતોના અને ખરાબ કરવાના. પ્રેમના, લાગણીના, કરુણાના કે સેવાના વિચાર તો એમાં ઓછા જ. “આપણે પણ એક વરસમાં આયુષ જેવી કાર લેવી છે,” એક ફ્રૅન્ડ બસમાં ટિકિટ લેતા કહે છે. બિઝનેસ કલીગ કૃષ્ણા કહે છે, “યુ નો, સિક્સ મન્થ, ખાલી સિક્સ મન્થમાં માય પીઆર એજન્સી વિલ બી એઝ બિગ એઝ મોનિકા’ઝ.” મગજની બદસલૂકી નહીં તો શું છે આ? મારું વનરાવન છે રુડું, વૈકુંઠ નહીં રે આવું તો આઉટડૅટેડ થયું. લેટેસ્ટ છે, તારું વનરાવન હું લૂંટું ને મારું કંઈ ના આપું. પર્સનલ ગ્રૉથ માટે, ઇનર હૅપીનેસ જો અલ્ટિમેટ લક્ષ્ય હોય તો પારકી પંચાત શા માટે? માછલી ને મગરમચ્છ પાણીમાં જ રહે પણ માછલીએ, “આવતા એક વરસમાં આપણે પણ મગરમચ્છ બની જવું છે,” એવું વિચારીને શું કરવું?

વિચારવાના પૈસા નથી પણ નિરર્થક અને નગુણુ વિચારો તો એની મોટી કિંમત ચૂકવવી પડે છે. એ કિંમત લાઇફથી પથારી ફેરવી નાખે તેવી હોય છે. એટલે જ વિચાર કેવા કરવાના, કેટલા કરવાના અને કોના વિશે કરવાના એ બહુ વિચારવા જેવો મુદ્દો છે. એવરી થિન્કિંગ શુડ હૅવ અ ડિરેક્ટ લિન્કિંગ ટુ લાઇફ. શ્વાસનું કામ ઉંમર વધારવાનું છે તો વિચારનું કામ છે જીવન વધારવાનું. વિચાર સુખની બેન્ક બને, પીડાની ટૅન્ક નહીં એની કાળજી રાખવી જ પડે. નાકને નબળી હવા મળાશે તો એ ઇન્સ્ટન્ટલી રિએક્ટ કરશે. મગજને અવળો વિચાર આવશે તો એ મોડે મોડેથીયે કચકચાવીને ઑવરરિએક્ટ કરશે અને દાટ વાળશે. થિન્ક વ્હૉટ યુ આર થિન્કિંગ.

અરે હા, આ વાતને લાઇટલી લેતા હોવ તો બૉસ, તમે ખાંડ ખાવ છો. માઇન્ડ વૅલ, ડર્ટી, દિશાવિહિન વિચારોનું ડાયાબિટીસ કડવી બીમારી છે. બુદ્ધ અને બુદ્ધુ બેમાંથી જે બનવું હોય એ તમારા વિચાર જ બનાવશે. એને સીધી લાઇન પર ચાલતા કરી દો. કૂવામાં પથરા ફેંકાય તોય કૂવાથી કોઈને પથરા ના દેવાય. એણે પાણી જ દેવું પડે. લાઇફમાં લોચા હોય, સ્પર્ધા હોય અને ટૅન્શન હોય એનાથી મગજ અવળી વિચારે એ ના ચાલે. મગજે તો સચોટ, સારી અને મુદ્દાની વાત જ માંડવી રહી. માંડશે, એને આદત પાડો. વિચારના ભેદ જેવો કોઈ વેદ નથી. એને ઉકેલી લેશો તો ઉન્નતિ પાકી થઈ જશે. ક્યા સોચ રહે હો?

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)