Category Archives: My Ghazals * મારી ગઝલો

Read ghazals written by me… hope you would love them…

મેં લખેલી ગઝલો અહીં પ્રસ્તુત છે. વાચો, માણો, સૌને જણાવજો…

પ્રેમની સૌથી વરવી શિક્ષા

પ્રેમની સૌથી વરવી શિક્ષા કહો જોઈએ કંઈ?

તૂટે તો પણ હ્રદય સનમને ભૂલે કોઈ દી’ નઈ!

એક ચહેરાને ચાહી ચાહી આંખો છીપલું થાય

તોય જીવનભર ખરા પ્રેમનું મળતું મોતી નઈ

કાચી-કૂમળી ઉંમરમાં લાગે પાકો પહેલો પ્રેમ

સમજણ-સુધબુધ, જ્ઞાનનું સામે નહીં આવતું કંઈ

રમતવાત છે ઈશ્વર માટે માણસ સાથે રમવું

બધું હાથમાં લખી નાખતો ઉકલાવે ના કંઈ

દરિયામાં ડૂબ્યા છો પર્વત ને પર્વત પર જળ

જીવન શમણું નથી કે શમણું જીવન જેવું નઈ

પેઢી પાછળ પેઢી આવી સર્જે પ્રેમની ગાથા

તવારીખનું જ્ઞાન પડ્યું રહે પોથી પોકળ થઈ

સાજન સાજન જાપ કરી જે ખાલીપો સર્જાતો

ક્યાંક ભરાશે શર્મિલ એ તો બસ માટીમાં જઈ

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

Advertisements

આપણે સૌને ગમીએ!

ચાલ ફૂલોની ખુશ્બુ થઈને હવાને ખોળે રમીએ,

કોઈ આપણને ચાહે ના છો આપણે સૌને ગમીએ!

તૂટ્યાફૂટ્યા શબ્દો લાવી ઝાંખી પાંખી વાતો,

તોય કરીને ગમતું એનું ગીત અહીં ગણગણીએ!

દુનિયા પથ્થર બીજ આપણે બહુ લાંબી છે વાટ,

કૂંપળ થાવું ધરમ આપણો પથ્થર ફોડી દઈએ!

દુનિયા થઈ છે રૂદન ભુવન જો સુખની પાછળ દોડી,

આપણને દુ:ખ સાચાં એનો હરખ આવ કરી લઈએ!

દીવાને શું ઉપર-નીચે ઓજસ કે અંધારાં?

બળવાનું છે બળીને રોશન થતું હોય એ કરીએ!

શર્મિલ ઝરણું પર્વત છોડી રોક્યું ના રોકાય,

જીવનના દરિયામાં ડૂબી પડતી ઓળખ મૂકીએ!

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

તમે મને પોકારો છો જ્યાં…

તમે મને પોકારો છો જ્યાં જરા અમસ્તું લાગે છે

એ જ ઘડીએ જીવન મારું નીંદરમાંથી જાગે છે!

સપનું તો આ સપનું છે પણ સાચાથી પણ સાચું છે

રોજ હવે આ સપનું આવે હ્રદય એટલું માગે છે!

કદાચ ખુલ્લી આંખે આજે સાચું એ પડવાનું છે

નીંદરમાં ઝબકોળી છે તોય આંખો કેવી જાગે છે!

ટિકટિક, કલરવ, સુસવાટો ને સુર શ્વાસના ચાલે છે

સંભળાતા સૌ નાદ તમારા પગરવ જેવા લાગે છે!

આમ તો મારાં કહેવાતાં પણ મારાથી બહુ આઘાં છે

શર્મિલ આ સપનાંઓ મારાં સખા તમારાં લાગે છે!

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

(૩૦ જુન ૧૯૯૨એ લખાયેલી એક કૄતિ)

વાતવાતમાં કેમ ભરાતાં…

વાતવાતમાં કેમ ભરાતાં અશ્રુ આમ નયનમાં?

વહ્યું નથી કે વહેવાનું નહીં દુ:ખ ક્યારેય રૂદનમાં!

સૌને દુ:ખ છે તેમ છતાં સૌ કોઈ તો નથી રડતા,

હસીને સહેશો? રડી રડીને? ખૂબી છૂપી ચયનમાં!

બધી વ્યથાઓ ભૂલી જઈને ચહેરો હસતો રાખો,

કે ના બગડે દશા કોઈની જોઈ તમારા વદનમાં!

રહે નહીં જો દુ:ખ સખણું થઈ હ્રદયમાં ટૂંટિયું વાળી,

બહાર એને ફેંકો સાચા-ખોટા કારણ કે પ્રહસનમાં!

સમજો તો હવે સમજો કે આ સીધીસાદી વાત છે,

હસતા રહેશો ઘણું જણાશે જીવવાસમ જીવનમાં!

શર્મિલ અમે તકલીફો પણ હસતાં હસતાં સહેશું,

જન્મારાનો સાર શોધીશું જઈને અમે કફનમાં!

– સંજય વિ. શાહ ‘શર્મિલ’