બેધ્યાન છે તો ધ્યાન છે

(Sunday Rankaar ~ weekly column published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper * (સન્ડે રણકાર ~ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં દર રવિવારે પ્રસિદ્ધ થતી કટાર)

સંજય વિ. શાહ

મગજનું ભલું પૂછવું. પૂછ્યાગાછ્યા વિના એ કશેક રફૂચક્કર થઈ જાય. ધ્યાન અને બેધ્યાનપણા વચ્ચેની લડાઈ દુનિયાની ઑલ્ડેસ્ટ લડાઈ છે. પહેલાં ઇંડું કે પહેલાં મરઘી એનો જવાબ મળ્યો તો પણ શું? પહેલાં ધ્યાન કે પહેલાં બેધ્યાન એનો જવાબ શોધો. થિન્કિંગ?

શ્રાવણમાં કેટલાય જુગારી જરાક હારીને પત્તાં પર ધ્યાન રાખવાને બદલે હારી ગયેલી રકમના વિચારમાં બેધ્યાન થયા હશે. એમાં વધુ હાર થાય. રમવામાં ધ્યાન હોત તો મોજ અને મની બેઉ મળત. નવું નવું ડૅટિંગ હોય અને ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ ફિલ્મ જોવા જાય પછી ધ્યાન ફિલ્મ કરતાં કમ્પૅનિયન સાથે રૉમાન્ટિક પળો વિતાવવામાં જ રહે. ફિલ્મ સારી કે ખરાબ, કોના ફાધરનું શું જાય? ઑફિસે જવામાં લૅટમલૅટ થાય, રસ્તે મંદિર આવે અને ઊભા ઊભા જ ચંપલ નીકળે, ફાસ્ટ ફૉરવર્ડમાં માથું નમાવી ચાલતી પકડાય એવા દર્શનમાં કરનાર તો ઠીક, જેના થયાં એ દેવનેય શાનો રસ પડી જાય?

પ્રણયત્રિકોણની જેમ વિચારત્રિકોણ પણ ડેન્જરસ. પૈસા કે જુગાર રમવાનો આનંદ? ઑફિસ કે ઇશ્વર? નક્કી કરી લેવાનું. એવું ડૅટિંગની બાબતમાં નહીં કહીએ જો કે, યુ નૉ વ્હાય. મુદ્દે, ધ્યાન એક જ જગ્યાએ ખપે, ઑલવેઝ. બમણા વિચારો લમણાની નસો ખેંચવાથી વધુ કશું જ કરતા નથી. પણ એનો અર્થ એ નથી કે બેધ્યાનપણું બકવાસ છે, બંડલ છે. બેધ્યાનપણું તો ધ્યાન ખરેખર ક્યાં જઈ રહ્યું છે એ દર્શાવે છે. શોરબકોરવાળી બજારમાંથી પસાર થતા દૂર વાગતું કિશોરકુમારનું ગીત બધું જ ધ્યાન ખેંચી લે છે કે નહીં? હા, કેમ કે એ બધી પળોજણથી બેધ્યાન કરી નાખવા માટે ઇનફ થતો ઇલમ છે. રસ જ્યાં હશે ત્યાં મગજને કસ દેખાશે. કસ દેખાશે તો કસબ ખીલશે અને કિસ્મત પણ. ધ્યાન રાખીને સિન્ડ્રેલાની જેમ મોજડી ભૂલી જવાતી નથી અને ધ્યાન રાખીને બાટલી મળે તો, “ખોલું કે નહીં?” કરીને જિન સાથે ભટકાવાતું નથી.

જેમાં ધ્યાન પરોવવું પડે એ સબજેક્ટ ખાવા છતાં નહીં પચતું ધાન. જેમાં ધ્યાન પરોવાય અને દુનિયા આપણને બેધ્યાન અને ધૂની કહી દે એ સબજેક્ટ સાચો ખાનપાન. જિંદગી એન્જૉય કરવા નહીં ત્યાં બહુ ધ્યાન આપ્યું. ગળામાં જવાબદારીનો પટ્ટો પહેર્યો છે તો ફરજના પાળતું ડૉગીની જેમ આપતાય રહેશો. ડૉન્ટ વરી, નિયમોને ખાડામાં નાખી નિયમિતપણે થોડો સમય બેધ્યાન થતા રહો. લિવ (એલઆઈવીઈ) યૉર લાઇફ, ડૉન્ટ લીવ (એલઈએવીઈ) ઇટ બિકૉઝ ઇટ્સ બ્લડી અન્વૉન્ટૅડ લાઇફ. બેધ્યાન થશો તો ધ્યાન કેળવાશે, પરોવાશે અને ફળશે ધ્યાન રાખીને તપ કરો તો ભગવાન પણ પ્રસન્ન થઈને, “માગ માગ, માગે તે આપું…” કહેવાની અપૉઇન્ટમેન્ટ નથી આપતા. બીમારીથી શરીરનો કડદો બહાર ફેંકાય છે અને બેધ્યાન થઈને મનનો મલીદો કસદાર થાય છે. રાબ એનું કામ કરે છે તો શરાબ એનું કામ કરે જ છે. ધ્યાન જો રાબ છે તો બેધ્યાનપણું શરાબ છે. યોગ્ય સમયે, યોગ્ય ડૉઝમાં યોગ્ય પૅગ ભરશો તો બેધ્યાનપણાથી ધ્યાન બમણું જ થવાનું. ટ્રાય કરી જોવાનું.

ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

Advertisements

વી આર ફેમિલી: બે મમ્માઝની લવ સ્ટોરી

વી આર ફેમિલી * We Are Family

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper * (એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલો રિવ્યુ)

નિર્માતા: હીરુ અને કરણ જોહર

દિગ્દર્શકઃ સિદ્ધાર્થ પી. મલ્હોત્રા

કલાકારો: કાજોલ, કરીના કપુર, અર્જુન રામપાલ, આંચલ મુંજાલ, નોમીનાથ ગિન્સબર્ગ, દિયા સોનેચા

સંજય વિ. શાહ

રૅટિંગઃ * * ૧/૨

“મરને કે બાદ લોગ તારેં બન જાતે હૈ… મમ્મા ભી સ્ટાર બનને વાલી હૈ?” આ સાંભળૉ એતલે વળી કન્ફર્મ થાય, “આ ધર્મા પ્રૉડક્શન્સની જ ફિલ્મ,” ભલેને ડિરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા હોય, છેવટે તો એ કરણનો જ ચેલો.

વી આર ફેમિલીમાં કાજોલ, આંચલ, નોમીનાથ, દિયા Kajol, Aamchal, Nominath, Diya in We Are Family

ગાજેલી ફિલ્મ સ્ટૅપમોમની અધિકૃત ઇન્ડિયન આવૃત્તિ વી આર ફેમિલી એટલે લાગણીઓના લોટામાં રમૂજને રમાડવામાં રોળાઈ ગયેલી મજા. માયા (કાજોલ) અને અમન (અર્જુન) ડિવોર્સી છે. એમનાં ત્રણ બાળકો આલિયા (આંચલ), અંકુશ (નોમીનાથ) અને અંજલિ (દિયા) મમ્મા સાથે રહે છે. પૉપ્સ જો કે ત્યાં રહેતા નથી એવું ઝટ સમજાતું નથી. પૉપ્સ શ્રેયા (કરીના) સાથે લવમાં છે. બેઉ પૈણવાનાંય છે. એવું થાય એની પહેલાં ડૉક્ટર બાઈ ડિક્લેર કરે છે, માયાને ગળાનું કૅન્સર છે, એની જિંદગી ટૂંકી છે. ખલ્લાસ, માયા માંદી છે જાણીને અમન અદ્દલ (આજકાલના) ઇન્ડિયન બેટ્સમેનની જેમ પૅવેલિયનભેગો, ઊપ્સ, ઘરભેગો થાય છે. ડિવોર્સની ઐસીતૈસી. શ્રેયા કૌન હૈ ઔર હૈ વો કૈસી? પછી શ્રેયાને હડહડ કરતી માયાને જ ઓલી માટે માયા થાય છે. ઇ એને ઘરે લાવે છે જેથી જીવતેજીવત એ શ્રેયાને એના બચ્ચાંવની મૉમ બનતા શીખવી દે. છોગામાં એ શ્રેયાને ટિપ ઑફ ધ લાઇફ પણ આપી દે છે, “હર ઔરત મેં માં બનને કા ફૉર્મ્યુલા છુપા હી હોતા હૈ.” તાલીયાં.

વી આર ફેમિલીમાં કાજોલ, અર્જુન રામપાલ આંચલ, નોમીનાથ, દિયા * Kajol, Arjun Rampal, Aanchal, Nominath, Diya in We Are Family

અસલની બેરોકટોક નકલ કરવા મળે ત્યારે દિગ્દર્શક ખીલવો જોઈએ, વધુ સારું કરી બતાવવા સર્જનાત્મક રીતે ખુલવો જોઈએ. ‘કરણાઇઝડ’ સિદ્ધાર્થ એની બદલે બૅનરની રીતરસમો અદા કરે છે. વિદેશી લૉકાલ્સ અને અપમાર્કેટ મેકિંગ સાથે. ડિઝાઇનર ક્લોધ્સ અને ડલ મ્યુઝિક સાથે. ફિલ્મની શરૂઆત કન્ફ્યુઝિંગ છે. પછી કૉમેડી કરીકરીને ઇન્ટરવલ સુધી બાજી સાચવી લેવાય છે. પછી જે લસરપટ્ટી પર લબડે છે બધું… આહાહા. સેકન્ડ હાફમાં પહેલા તો એમ જ શંકા જાય કે ક્યાંક વાર્તા સાવ ખૂટી નથી પડીને? ડાહી માની દીકી આલિયા એકાએક ટૂંકાં વસ્ત્રો પહેરી પાર્ટીમાં જઈને દારુ ઢીંચે અને પાછી એની માને કહે, “તું તો હોવાની બી નહીં તો પછી… હૂ કેર્સ?” લો બોલો! પછી શંકા જાય કે કૉમેડી અને ઇમૉશન્સ વચ્ચે જુગલબંદી કરાવવામાં આ યશરાજ-ધર્મા ટચ દાટ તો નહીં વાળેને? અને સીટ છોડવાનું થાય ત્યારે શંકા ખાતરીમાં ફેરવાઈ જાય કે હા લે, આ તો એવું જ થયું! બાળકો અને શ્રેયા વચ્ચેના ટ્યુનિંગને બદલે સેન્ટરસ્ટેજમાં શ્રેયા-માયા વચ્ચેનું ટ્યુનિંગ હોય પછી શું થાય? તોય ઘણી મહિલાઓને અમુક અંશે આ ફેમિલી જોવા જેવું લાગશે, થૅન્ક્સ ટુ કાજોલ.

વી આર ફેમિલીમાં કરીના કપુરઆંચલ, નોમીનાથ, દિયા * Kareena Kapoor, Aanchal, Nominath, Diya in We Are Family

બાકીના વિચારશે. આ છોકરાવ તોફાની કહેવાય કે તોછડા? શ્રેયા કરિયર વુમન ખરેખર છે કે નથી? અમન રિયલી કોને લવ કરે છે, માયાને કે શ્રેયાને? માયાના અંતિમ દિવસોનું દર્દ દેખાડ્યા વિના કેમ ફિલ્મ સીધી આલિયાના લગ્નના માંડવા સુધી ઊડાડવામાં આવી? આલિયા અને શ્રેયાની ફાઇટિંગ એક સેકન્ડમાં સુરસુરિયું કેમ કરી નખાઈ?

તૈયાર ભાણે મળેલી વાર્તા અને પટકથામાં જાદુ ઇન્ડિયન જાદુ ઉમેરવાને બદલે ફેમિલીની પટકથામાં (વિનિતા કોહેલો) જે મોણ ઉમેરાયું એનાથી બધું મોળું પડ્યું છે. પાત્રલેખન સહિત કથન પણ. નિરંજન આયંગરના સંવાદોમાં ડૂમો ભરાય તેવો દમ નથી. રમૂજ પણ બધુધા એક્શનની છે, અક્ષરોની નથી. ગીત-સંગીત (ઇરશાદ કામીલ, અન્વિતા દત્ત ગુપ્તાં, શંકર-એહસાન-લૉય) પણ જરૂર વિનાનાં. લૅટ્સ રૉક ગીત જરા સહ્ય પણ એનો ઉપયોગ વિચિત્ર. મોહનનની સિનેમેટોગ્રાફી અને દીપા ભાટિયાનું એડિટિંગ ધર્માની ફિલ્મો જેવું જ અને મૅજિક વિનાનું. કાજોલ એના પાત્રમાં ખીલે છે અને રંગ પણ રાખે છે. એક એના પાત્ર વિશે જ આ ફિલ્મ બનાવતી વખતે સ્પષ્ટતા રહી હશે. કરીનાએ ઘણા સીન્સમાં ચહેરો હસતો જ કેમ રાખ્યો હશે કોને ખબર. જો કે પાત્રને એ પૂરો ન્યાય આપે છે. અર્જુનની તો દયા આવે કે એના તરફ લેખકો-દિગ્દર્શકે જોયું હશે ખરું? છતાં, એ ખૂબ જ સંતુલિત અભિનયથી પોતાની અસર સર્જે છે એ એની ખૂબી. બચ્ચાંઓમાં દિયા એના ફૅસને લીધે માર્ક્સ લઈ જાય છે. મીઠડી છે એ, રિયલી. આંચલ ઑકે છે તો નોમીનાથ ઑકેથી ઓછો ઑકે.

વી આર ફેમિલીમાં કાજોલ, કરીના કપુર * Kajol, Kareena Kapoor in We Are Family

ડિરેક્ટર તરીકે સિદ્ધાર્થે બ્રાન્ડેડ પદાર્પણ કર્યું છે. સેફ અને સિક્યોર્ડ ફિલ્મ બનાવવાની એની નેમ વી આર ફેમિલી સાથે સફળ થાય છે. સાથે જ, ક્યા કેમિલી હૈ એવું તો નથી જ ફીલ કરાવતી એની પહેલવહેલી પડદાકથા. બેઝિકલી એણે ફેમિલીને બદલે બે મમ્માની લવ સ્ટોરી (સારા અર્થમાં, શું તમે પણ યાર!) બનાવી છે અને એમાં એને જીત મળે એની કાળજી કાજોલ અને કરીનાએ રાખી છે. દેખોગે?

oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo


More Reading, More Fun

ધ ફિલ્મ ઇમૉશનલ અત્યાચાર: ખરેખર યાર!

ધ ફિલ્મ ઇમૉશનલ અત્યાચાર

(Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper ~ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલો રિવ્યુ))

નિર્માતા: વિનય ગુટ્ટે

દિગ્દર્શક: અક્ષય શેરે

કલાકારો: વિનય પાઠક, રણવીર શોરી, કલ્કી કોચલીન, મોહિત અહલાવત, રવિ કિશન

રૅટિંગઃ * *

સંજય વિ. શાહ

રસ્તાની વાત કરતી અને રસ્તે જ રમતી જતી ફિલ્મો વિદેશમાં ખાસ્સી બને છે. આપણે ત્યાં નહીં. રામુની એક ફિલ્મ રૉડ હતી, ડિરેક્ટર જો કે રજત મુખરજી હતા. ધ ફિલ્મ ઇમૉશન અત્યાચાર રૉડ વત્તા રાડા વત્તા ગાળો (હવે તો દર બીજી ફિલ્મમાં ગાળો ને લિપલૉકની ફૅશન ખમવા તૈયાર રહેજો), ગુંડા, ગરબડ… બધું છે.

ધ ફિલ્મ ઇમૉશનલ અત્યાચારમાં કલ્કી કોચલીન

અનેક પાત્રોવાળી ફિલ્મમાં લગભગ બધાં જ પાત્રો સ્વતંત્ર પણ એકતાંતણે જોડાઈ જનારાં. જોડીમાં છે જૉ (વિનય) અને લૅસ્લી (રણવીર), સોફી (કલ્કી) અને બૉસ્કો (અભિમન્યુ શેખર સિંહ). ગોવામાં કૅસિનો ચલાવતા બૉસ્કો પાસેથી જૉ-બૉસ્કોએ નાણાં વસૂલવાનાં છે. દૂર ક્યાંક વિક્રમ (મોહિત અહલાવત) છે, જુનિયર ભાઈ (રવિ કિશન) છે, ગોટી (સ્નેહલ દાભી) છે… લાંબુ લિસ્ટ છે, ટૂંકમાં બધા છે. બધા વચ્ચે મુંબઈ-ગોવા હાઇવે છે. કોઈક ગોવાથી મુંબઈ તો કોઈક મુંબઈથી ગોવા આવે-જાય છે. બધાને સાંકળતી એક રાતની વાત છે. એ રાતે રૂપિયા અને લફરાં કેવા ખેલ પાડે છે અને કેટલાનાં ઢીમ ઢળે છે એ બધું અત્યાચારમાં છે.

ધ ફિલ્મ ઇમૉશનલ અત્યાચારમાં વિનય પાઠક

લોચા પણ છે. પ્રશ્નો પણ છે. એક તો એ કે આટલા બધા જણ ક્યાંથી, શું કામ, શાના માટે નાસભાગ કરે છે એની ખબર પડે ત્યાં અડધી ફિલ્મ પતી જાય છે. પાત્રો પાછાં અનકનૅક્ટૅડ એટલે મૂંઝવણમાં વધારો. પટકથામાં (સ્ટોરી ભાવિની ભેદાની) આડાઅવળા ચીતરામણ તેથી વાત સમજવામાં લાગે વાર. હા, એકવાર રૂપિયા ભરેલી બૅગ કેન્દ્રમાં કંડારાઈ જાય છે પછી મજો પડે છે. અને છેવટે? એકદમ ફીસ્સો ધી એન્ડ.

આખી ફિલ્મના બેસ્ટ પાર્ટમાં આવે રવિ કિશનનો અભિનય અને રણવીર-વિનયનો ટ્રૅક. એ બેઉ વચ્ચેનાં થોડાં દ્રશ્યો, જેમ કે બૉસ્કો પાસેથી બેઉ સોફીને ઊઠાવી જાય, લૅસ્લીએ જૉને ગોળી મારવાની વગેરે, રમૂજી છે. રવિ કિશનથી ફિલ્મ જાનદાર લાગે છે. સ્નેહલ દાભી પણ મોજ કરાવે છે, ખાસ કરીને ઘાયલ થયા પછી. મોહિતના સથવારા તરીકે આનંદ તિવારી ધ્યાન ખેંચે છે.

ધ ફિલ્મ ઇમૉશનલ અત્યાચારમાં રણવીર શોરી

અત્યાચાર મહદઅંશે પ્રયોગશાળી છે. ટપોરી ભાષા, રમૂ઼જનાં પર્યાપ્ત છાંટણાં અને ટૂંકીટચ લંબાઈથી એ સહ્ય બને છે. પાછું, ગોસમોટાળા બહુ હોવાથી નાછૂટકે આંખોને પડદે ખોડાયેલી રાખવી પડે છે. પણ મુદ્દાની વાત પર આવતાં આવતાં ફિલ્મનો દમ નીકળે છે અને સાથે નીકળે છે દર્શકનો. બધા તાણાવાણા ચુસ્તપણે એકમેકમાં ઝટ એકરસ થતા નથી એટલે ઘડીક ઇન્ટરેસ્ટ જાગે તો ઘડીક ભાગે છે.

ટેક્નિકલ પાસાં ઠીકઠાક છે ફિલ્મનાં. ત્રિભુવન બાબુની સિનેમેટોગ્રાફી એવરેજ છે તો પ્રણવ ધીવરના એડિંટિંગમાં કચાશ છે. ભાવિની અને કાર્તિક કૃષ્ણનના સંવાદ ઑકે. ગીત-સંગીત (મંગેશ ધાડકે, બપ્પી લાહિરી, અમિતાભ ભટ્ટાચાર્ય અને વિરાગ મિશ્રા) કોઈ ખપનાં નથી. ધાડકેનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક જો કે ઠીકઠાક. અભિનયમાં જેમનો ઉલ્લેખ રહી ગયો એમાં કલ્કી નબળી અને બાકીના પાત્રોચિત. અમસ્તા અમસ્તા, થોડા બૉર થતા થતા, થોડાક રાજી થઈ ચાલતું હોય તો અત્યાચાર કરજો, એટલે જોજો. બાકીના રાહ જોજો, બીજી ફિલ્મો માટે.

oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

બે કલાકનું નિર્મમ ખૂન: મલ્લિકા

Movie Review: Mallika બે કલાકનું નિર્મમ ખૂન: મલ્લિકા

મલ્લિકામાં શીના નય્યર * Sheena Nayyar in MALLIKA


બૅનરઃ પરસૅપ્ટ પિક્ચર કંપની, ગ્લૉરિયસ, પીપીસી હૉરરટેઇનમેન્ટ

દિગ્દર્શકઃ વિલ્સન લુઇસ

કલાકારો: શીના નય્યર, સમીર દત્તાણી, હિમાંશુ મલિક, પૂજા બલુટિયા, સુરેશ મેનન

રૅટિંગઃ ૧/૨

સંજય વિ. શાહ

એક તો આખી ફિલ્મ જોવાની. પછી એની વાર્તા શી હતી એ જોવા માટે ફિલ્મની વૅબસાઇટ પણ જોવાની! કમાલ છે! મલ્લિકા નામને જ કદાચ વરદાન છે.

વિલ્સન લુઇસ ડિરેક્ટેડ મલ્લિકા એટલે પ્રશ્નાર્થ ચિહનોનું ચીડિયાઘર. આ વિલ્સન લુઇસ કોણ છે એ પણ ઇન્ટરનેટ પર જોવાનું. અમે જોયું. માસ કમ્યુનિકેશન કરનાર વિલ્સને હો સકતા હૈ, મુસ્લિમ – બટ નૉટ અ ટૅરરિસ્ટ, જેવી ફિલ્મો (મૂળે ફેસ્ટિવલની) બનાવી છે. મલ્લિકાને લઈને એ માસ અર્થાત સામાન્ય દર્શકોની દુનિયામાં પધાર્યા છે. શાને પણ?

મલ્લિકાનું એક દ્રશ્ય * A Still from MALLIKA


સંજનાને (શીના નય્યર) ગેબી શક્તિ પ્રાપ્ત છે. એ જ્યાં રહે એ જગ્યાનો ભૂતકાળ એને દેખાય. એવું મલ્લિકાધફિલ્મડૉટકોમ વેબસાઇટ પર વાચ્યું. ફિલ્મમાં નહીં દેખાયું બરાબર એટલે. પોતાની આ ગેબી શક્તિથી એની જિંદગી હેરાન છે. વૅબસાઇટ પર વાચ્યું. કંટાળીને એ છુટકારો મેળવવા વેકેશન પર જાય છે (એ ફિલ્મમાં દેખાયું) ખેજારતા કિલ્લા પર. રસ્તામાં એને સાહિલ (સમીર દત્તાણી) ભટકાય છે. એય ફિલ્મમાં દેખાયું, ખોટું નહીં બોલું. બેઉ ખેજારતા પહોંચે છે. પછી ખૂનાખૂની, લાશાલાશી, લોહાલોહી, બાથાબાથી (એટલે બધી હિરોઇનોનું એક પછી એક બાથટબમાં પડીને ટુ-પીસમાં નહાવું), ચીસાચીસી, લોચાલોચી, ફેંકાફેંકી… કાયકો દેખી, મલ્લિકા? 😦

મલ્લિકાનું એક પાણીદાર દ્રશ્ય * Another still from MALLIKA


પચ્ચીસ ટકા ડાયલોગ અને પંચોતેર ટકા મૌનવ્રત સાથે ફિલ્માવાયેલી મલ્લિકાને સપ્ટેમ્બર સુધીમાં આવેલી સૌથી બંડલ ફિલ્મનો એવોર્ડ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે એનાયત કરી દઈએ. તોસ્તાન ખર્ચ પછી ફિલ્મ આટલી મોળી, અસ્પષ્ટ અને બિનઅસરકારક બને એ નવાઈ જ. નિર્માતાઓ છતાં કેવા મુસ્તાક કે મલ્લિકાના પ્રમોશનમાં કરોડો રૂપિયાનું ખૂન કરી નાખ્યું. સ્પેશિયલ ઇફૅક્ટ્સ અને અચાનક આવતી ચીસોથી દર્શકો ડરી જશે એવું એમણે ધાર્યું હશે? કે સુરેશ મેનનનો ધડમાથા વિનાનો, નાના પાટેકરના અવાજમાં બોલતા ઇન્સપેક્ટર ગિરપડેનો ટ્રેક ગલીપચી કરાવશે એવું એમણે માન્યું હશે?

મલ્લિકામાં શીના નય્યર * Sheena Nayyar in MALLIKA


બધાં એક્ટર્સ, શીના હોય કે સમીર, સુરેશ હોય કે હિમાંશુ… પૂરેપૂરી નિષ્ઠા અને ઇમાનદારી સાથે ફિલ્મની વાર્તા અને એના દિગ્દર્શનની બધી કન્ફ્યુઝનને નિભાવી જાય છે. થમ્બ્સ ડાઉન ટુ ધૅમ ઑલ. ગીત, સંગીત પણ એટલું જ આઉટ ઑફ પ્લૅસ. સિનેમેટોગ્રાફી એની જગ્યાએ ઠીકઠાક પણ અર્થ શો? એડિટિંગ થકી પ્રવાહ સર્જાયો છે કે થીગડાં મરાયાં છે, રિયલી ખબર નથી. વિલ્સન માટે એટલું જ કહીશું: બૅટર લક નૅક્સ્ટ ટાઇમ. પણ મલ્લિકા માટે ચોખ્ખુંચટ કહી દેવું પડે: જિંદગીના કીમતી બે કલાકનું ખૂન કરવું પોસાય તો… વૅલ, જાવ, મલ્લિકા રાહ જુએ છે.

(વી આર ફેમિલીનો રિવ્યુ રવિવારે દિવસ ઉઘડતા મુંબઈ સમાચારમાં વાચો અને પછી આ જગ્યાએ)

(Read We Are Family review in MUMBAI SAMACHAR on Sunday and then at this place)