Tag Archives: સ્વાનંદ કિરકિરે

રૉબોટ: રહેમાનના ચાહકો માટે જ

મ્યુઝિક રિવ્યુ

રૉબોટ: રહેમાનના ચાહકો માટે જ

નિર્માતા: કલાનિધિ મારન

દિગ્દર્શકઃ શંકર

સંગીતકારઃ એ. આર. રહેમાન

ગીતકારઃ સ્વાનંદ કિરકિરે

ગાયકો: શ્રીનિવાસ, ખતીજા રહેમાન, મોહિત ચૌહાણ, શ્રેયા ઘોશાલ, રહેમાન, સુઝન, કૅશ-એન-ક્રિસી, પ્રદીપ, વિજય, પ્રવીણ મણી, યોગી બી., જાવેદ અલી, ચિન્મયી, હરિહરન, સાધના સરગમ, રૅગ્સ, યોગી બી., મધુશ્રી, કીર્તિ સંગીતા અને તન્વી શાહ

કંપની: વીનસ

રૅટિંગઃ * *

સંજય વિ. શાહ

ઘણા દિવસથી ઇચ્છા હતી હે ચાલો, ફરી એકવાર હિન્દી ફિલ્મોના મ્યુઝિક રિવ્યુ લખવાની શરૂઆત કરીએ. માળું, સંગીત વિના જિંદગી શાની? આ લક્ષ્યપૂર્તિ માટે એક ખૂબ ગાજેલી ફિલ્મના આલબમના આગમનની રાહ જોઈ રહ્યો હતો. અને સદનસીબે, રૉબોટનું સંગીત રિલીઝ થયું. ઓહો, આહા, સ્વાનંદ કિરકિરે ગીતકાર હોય, એ. આર. રહેમાન સંગીતકાર હોય, રજનીકાંત અને ઐશ્વર્યા રાયને ચમકાવતી બસો કરોડની, શંકર દિગ્દર્શિત ફિલ્મ હોય, ઔર લિખને કો ક્યા ચાહિયે? એટલે કરું છું આ શરૂઆત… લૅટસ ચૅક ધ મ્યુઝિક ઑફ રૉબોટ.

સૌથી પહેલું ગીત છે ‘ઓ નયે ઇન્સાન,’ જેને કંઠ આપ્યો છે શ્રીનિવાસ અને ખતીજા રહેમાને. છ મિનિટ પ્લસનું આ ગીત ફિલ્મના ટાઇટલને છાજે એમ આલબમનો પ્રારંભ કરે છે. એનું ઑર્કેસ્ટ્રેશન પણ અદ્દલ રહેમાન સ્ટાઇલનું છે. ગાયકી અને સંગીત બન્ને રસપ્રદ હોવા છતાં ગીત એવું નથી આ જે હૈયા સોંસરવું ઉતરી જાય. મૂળે એટલા માટે કે એમાં કૉમ્પોઝિશનના પૉઇન્ટ ઑફ વ્યુથી કશું જ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી. શક્ય છે કે આ ગીત આપનને એનું પિક્ચરાઇઝેશન જોયા પછી ગમવા માંડે. એનો સીધો સંબંધ ફિલ્મના કથાપ્રવાહ સાથે હોય એવું ગીત સાંભળીને લાગે છે.

એના પછીનું ગીત છે ‘પાગલ અનુકન,’ જેને કંઠ આપ્યો છે મોહિત ચૌહાણ અને શ્રેયા ઘોશાલે. પહેલા ગીતથી જુદાં જ વાદ્યો સાથે આ ગીતના સંગીતનો ઉપાડ થાય છે. હિન્દી અને અંગ્રેજી શબ્દોના મિશ્રણવાળું એનું લખાણ છે. ગીત સાંભળતા થઈએ કે એ દિવસો યાદ આવી જાય છે જ્યારે રહેમાને દક્ષિણ ભારતની ફિલ્મો માટે બનાવેલાં ગીતો હિન્દી શબ્દોના ઢોળ સાથે ગૂંજતાં થયાં હતાં. બીજું ગીત સાંભળતાંની સાથે મનમાં એ સ્પષ્ટતા પણ થવા માંડે છે કે રૉબોટ આખું આલબમ તૈયાર જ થયું છે ફિલ્મની દક્ષિણ ભારતીય આવૃત્તિને ધ્યાનમાં રાખીને. હિન્દી વર્ઝનના દર્શકોએ ફિલ્મનાં ગીતોને ત્યાંના સંગીત પર ભરવામાં આવેલા હિન્દી શબ્દો સાથે સાંભળવાં રહ્યાં. મોહિત અને શ્રેયાએ એમના કંઠથી ગીતને જીવંત બનાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે એ પાક્કું.

રહેમાન, સુઝન અને કૅશ-એન-ક્રિસીના કંઠે ગવાયેલું, ‘નૈના મિલે’ એટલે એવું ગીત જે બપ્પીદાના દિવસોની યાદ તાજી કરાવે. ઘણાને વળી મૉડર્ન ટૉકિંગનું યાદગાર ઇંગ્લિશ ગીત, ‘યુ કૅન વિન ઇફ યુ વૉન્ટ’ પણ યાદ આવી જશે. આ ગીતમાં પણ હિન્દી-અંગ્રેજી શબ્દોનું કૉમ્બિનેશન છે. સંગીત લાઉડ છે. સરવાળે, વધુ એક સાધારણ ગીત! નૅક્સ્ટ છે, ‘ચિટ્ટી ડન્સ શૉકેસ.’ પ્રદીપ, વિજય, પ્રવીણ મણી અને યોગી બી.એ આ ઇન્સ્ટ્રુમૅન્ટલ પીસમાં કંઠ આપ્યો છે. કંઠનો ઉપયોગ આમાં મજાની રીતે થયો છે. સંગીતનું વૈવિધ્ય પણ કલ્પનાશીલ છે. ડાન્સ લવર્સને આ નંબર કદાચ વધુ ગમશે કેમ કે એનું સર્જન અમસ્તા સાંભળવા કરતાં નાચવા માટે વિશેષરૂપે થયું છે.

એના પછીનું ગીત, ‘કિલીમાંજરો’ જાવેદ અલી અને ચિન્મયીના સ્વરમાં છે. કિલીમાંજરો નામ છે દુનિયાના ચોથા ક્રમાંકના સૌથી ઊંચા સ્વતંત્ર ઊભેલા પર્વતનું. આ પર્વત તાન્ઝાનિયામાં છે. ફિલ્મની વાર્તા સાથે કિલીમાંજરોને શો સંબંધ છે એની તો જાણ નથી પણ એવી આશા રાખું છું કે બેઉને કશોક તો સંબંધ હશે જ. રૉમાન્ટિક લાગતા આ ગીતની પ્રારંભિક પંક્તિઓ પણ શ્રોતા માટે ખાસ કોઈ અર્થ સર્જતી નથી. કે સર્જે છે? મોહિત અને ચિન્મયીએ જે રીતે ગીત ગાયું છે એ મને તો ગમ્યું. પણ એમની ગાયકી છે દક્ષિણ ભારતીય મિજાનની. એક વાત નક્કી લાગે છે કે આ ગીતમાં પડદે સરસ મજાના સ્ટૅપ્સ જોવા મળવાના. સરવાળે, સંગીતભર્યું આ ગીત અર્થપૂર્ણ શબ્દોવિહોણું સાબિત થાય છે.

હરિહરન અને સાધના સરગમના કંઠે ગવાયેલું ગીત, ‘અરીમા અરીમા’ ફિલ્મની કોઈક મહત્ત્વની સિચ્યુએશન પર આવતું હોય એવી ફીલિંગ આપે છે. એમાં વાત છે ફિલ્મના મુખ્ય પાત્ર રૉબોટની, જેનું હ્રદય લોઢાનું છે અને એના વિશે એક પંક્તિ કહે છે, ‘ મૈં એટલાંટિક મેં ડૂબા જા કે અગ્નિ પર ના બૂઝે…” વાહ! રૉબોટ અને એના હૈયાની પીડા, એનું મન, એની વાત છે આ ગીતમાં. ભારતીય અને પાશ્ચાત્ય બીટસનું બહેતર સંયોજન અહીં થયું છે. દેખતે હૈ, ફિલ્મમાં ગીત જોયા પછી કદાચ એ વધુ ગમતીલું સાબિત થાય.

છેલ્લે આવે છે, ‘બૂમ બૂમ રૉબો દા,’ જેમાં રૅગ્સ, યોગી બી., મધુશ્રી, કીર્તિ સંગીતા અને તન્વી શાહના કંઠ છે. અનેક પ્રકારના સંગીતનો એમાં ઉપયોગ થયો છે એટલે ઘડીકમાં એ વૅસ્ટર્નાઇઝ્ડ લાગે છે તો ઘડીકમાં પંજાબી છાંટ આવે છે તો ઘડીકમાં અરેબિક. આમાં પણ રૉબોટના જીવનનું શબ્દો થકી નિરુપણ થયું છે. બસ, રહેમાન-કિરકિરેની જોડીનું આલબમ પૂરું થયું. એનું સરવૈયું કરીએ તો એમ કહી શકાય કે આલબમ તરીકે એમાં એવું કશું જ અદભુત નથી જે ઇમ્પ્રૅસ કરી જાય. જો કે રૉબોટના સંગીતકાર, ગીતકાર અને ખાસ તો એના ડિરેક્ટર શંકર પર એટલો તો વિશ્વાસ કરી શકાય કે તેઓ જાણે છે કે શું કરી રહ્યા છે અને શું સર્જી રહ્યા છે. હું આશાવાદી છું કે રૉબોટ ફિલ્મ જોયા પછી એનાં ગીતો વધુ કર્ણપ્રિય લાગવાં જોઈએ અને ગણગણવાં પણ ગમવાં જોઈએ. અત્યાર પૂરતી વાત હોય તો કહીશ કે આ ગીતો હું ફરીફરીને નહીં સાંભળું એની મને ખાતરી છે. મુદ્દે, રહેમાનના પાક્કા દીવાનાઓને અને વૅસ્ટર્ન ધૂનના ધૂનીઓને જ ગમશે તેવું આલબમ છે રૉબોટ.