Tag Archives: bombay samachar

રણકાર * Rankaar (11 09 2010)

મિચ્છામિ દુક્કડમ * Michchhami Dukkadam

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

– શર્મિલ

મિચ્છામિ દુક્કડમ. આખા વરસની બધી ભૂલોને ભૂલી જઈને નવેસરથી સંબંધોને મીઠા અને માણવાલાયક બનાવવાની જાદુઈ ચાવી છે આ. વધુ તો શું કહેવું આ વિશે, સૌ જ્ઞાની છે, સમજદાર છે. સ્કૂલમાં ભણતા ત્યારે પાટી આપણે વાપરતા. પાટીનો અર્થ જ એ થતો કે ભૂલો કરી તો ડરવું નહીં, એને સુધારીને ફરી લખવું. આપણા સ્વજનો સાથે પણ બિલકુલ આવી રીતે વર્તવામાં તો પછી શાની શરમ? એક આખું વરસ વીતે એમાં અનેકવાર જાણ્યે-અજાણ્યે એવું વર્તન તો સહુથી થઈ જ જાય જે પહેલી જ ક્ષણે સામેવાળાને અજુગતું લાગે અને મોડું કે વહેલું પોતાને પણ ખોટું લાગે. પછી ગુમાન અને જિદ આડાં આવે, વાતને વાળી લેવામાં. “હું શા માટે નમું? “થઈ ગયું એ થઈ ગયું.” આવા ભાવમાં ભવિષ્યમાં જે સોહામણું સુખ બે જણ વચ્ચે શક્ય બનતું હોય છે એ માણવાથી ચૂકી જવાય છે. હૈયું કહેતું હોય કે જવા દે, ગઈ-ગુજરી ભૂલી જા પણ સ્વભાવ અને મન સ્પીડબ્રૅકર બને. એને વટાવી જવાનો અવસર આજે આવ્યો છે. જેની સાથે બગડ્યું કે બગાડ્યું છે એમને મળો, ફૉન કરો, વાત કરો અને સાચા હ્રદયથી કહી દો, “મિચ્છામિ દુક્કડમ.” ખૂબ સારું લાગશે. સાચે શાતા અનુભવશો. ઓછામાં પૂરું, એ એક જ પળ પછી જેને ખોઈ બેઠા હશો એ સ્વજનો સાથે ફરીવાર સુંદર પળો માણવાનો મોકો મળશે. સૌથી સારી વાત એ થશે કે હૈયા પરથી એક બોજ કાયમ માટે ઊતરી જશે. આજના આ પાવન પ્રસંગનો હેતુ આવું થાય તો પાર પડે. હવે શાના વિચાર કરો છો, કહી સો સૌને મિચ્છામિ દુક્કડમ.

– કલ્પના જોશી

Advertisements

બેધ્યાન છે તો ધ્યાન છે

(Sunday Rankaar ~ weekly column published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper * (સન્ડે રણકાર ~ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં દર રવિવારે પ્રસિદ્ધ થતી કટાર)

સંજય વિ. શાહ

મગજનું ભલું પૂછવું. પૂછ્યાગાછ્યા વિના એ કશેક રફૂચક્કર થઈ જાય. ધ્યાન અને બેધ્યાનપણા વચ્ચેની લડાઈ દુનિયાની ઑલ્ડેસ્ટ લડાઈ છે. પહેલાં ઇંડું કે પહેલાં મરઘી એનો જવાબ મળ્યો તો પણ શું? પહેલાં ધ્યાન કે પહેલાં બેધ્યાન એનો જવાબ શોધો. થિન્કિંગ?

શ્રાવણમાં કેટલાય જુગારી જરાક હારીને પત્તાં પર ધ્યાન રાખવાને બદલે હારી ગયેલી રકમના વિચારમાં બેધ્યાન થયા હશે. એમાં વધુ હાર થાય. રમવામાં ધ્યાન હોત તો મોજ અને મની બેઉ મળત. નવું નવું ડૅટિંગ હોય અને ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ ફિલ્મ જોવા જાય પછી ધ્યાન ફિલ્મ કરતાં કમ્પૅનિયન સાથે રૉમાન્ટિક પળો વિતાવવામાં જ રહે. ફિલ્મ સારી કે ખરાબ, કોના ફાધરનું શું જાય? ઑફિસે જવામાં લૅટમલૅટ થાય, રસ્તે મંદિર આવે અને ઊભા ઊભા જ ચંપલ નીકળે, ફાસ્ટ ફૉરવર્ડમાં માથું નમાવી ચાલતી પકડાય એવા દર્શનમાં કરનાર તો ઠીક, જેના થયાં એ દેવનેય શાનો રસ પડી જાય?

પ્રણયત્રિકોણની જેમ વિચારત્રિકોણ પણ ડેન્જરસ. પૈસા કે જુગાર રમવાનો આનંદ? ઑફિસ કે ઇશ્વર? નક્કી કરી લેવાનું. એવું ડૅટિંગની બાબતમાં નહીં કહીએ જો કે, યુ નૉ વ્હાય. મુદ્દે, ધ્યાન એક જ જગ્યાએ ખપે, ઑલવેઝ. બમણા વિચારો લમણાની નસો ખેંચવાથી વધુ કશું જ કરતા નથી. પણ એનો અર્થ એ નથી કે બેધ્યાનપણું બકવાસ છે, બંડલ છે. બેધ્યાનપણું તો ધ્યાન ખરેખર ક્યાં જઈ રહ્યું છે એ દર્શાવે છે. શોરબકોરવાળી બજારમાંથી પસાર થતા દૂર વાગતું કિશોરકુમારનું ગીત બધું જ ધ્યાન ખેંચી લે છે કે નહીં? હા, કેમ કે એ બધી પળોજણથી બેધ્યાન કરી નાખવા માટે ઇનફ થતો ઇલમ છે. રસ જ્યાં હશે ત્યાં મગજને કસ દેખાશે. કસ દેખાશે તો કસબ ખીલશે અને કિસ્મત પણ. ધ્યાન રાખીને સિન્ડ્રેલાની જેમ મોજડી ભૂલી જવાતી નથી અને ધ્યાન રાખીને બાટલી મળે તો, “ખોલું કે નહીં?” કરીને જિન સાથે ભટકાવાતું નથી.

જેમાં ધ્યાન પરોવવું પડે એ સબજેક્ટ ખાવા છતાં નહીં પચતું ધાન. જેમાં ધ્યાન પરોવાય અને દુનિયા આપણને બેધ્યાન અને ધૂની કહી દે એ સબજેક્ટ સાચો ખાનપાન. જિંદગી એન્જૉય કરવા નહીં ત્યાં બહુ ધ્યાન આપ્યું. ગળામાં જવાબદારીનો પટ્ટો પહેર્યો છે તો ફરજના પાળતું ડૉગીની જેમ આપતાય રહેશો. ડૉન્ટ વરી, નિયમોને ખાડામાં નાખી નિયમિતપણે થોડો સમય બેધ્યાન થતા રહો. લિવ (એલઆઈવીઈ) યૉર લાઇફ, ડૉન્ટ લીવ (એલઈએવીઈ) ઇટ બિકૉઝ ઇટ્સ બ્લડી અન્વૉન્ટૅડ લાઇફ. બેધ્યાન થશો તો ધ્યાન કેળવાશે, પરોવાશે અને ફળશે ધ્યાન રાખીને તપ કરો તો ભગવાન પણ પ્રસન્ન થઈને, “માગ માગ, માગે તે આપું…” કહેવાની અપૉઇન્ટમેન્ટ નથી આપતા. બીમારીથી શરીરનો કડદો બહાર ફેંકાય છે અને બેધ્યાન થઈને મનનો મલીદો કસદાર થાય છે. રાબ એનું કામ કરે છે તો શરાબ એનું કામ કરે જ છે. ધ્યાન જો રાબ છે તો બેધ્યાનપણું શરાબ છે. યોગ્ય સમયે, યોગ્ય ડૉઝમાં યોગ્ય પૅગ ભરશો તો બેધ્યાનપણાથી ધ્યાન બમણું જ થવાનું. ટ્રાય કરી જોવાનું.

ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

રણકાર * Rankaar (02 09 2010)

“આજે જરાક મહેમાન આવવાના છે ઘરે… એક કલાક વહેલા ઘરે જવા મળે તો…” મહિનામાં બે-ત્રણ વખત જો વજુભાઈ વહેલા ઘરે જાય નહીં તો જ નવાઈ. એમના બૉસ વળી એવા કે એ આવી ફૅવરની ના પાડતા ખચકાય, એમ વિચારીને કે બધાએ કામકાજની સાથે ઘર અને વહેવાર પણ સાચવવાનાં હોય. બધી ઑફિસમાં ભલે આવા બૉસ ના હોય પણ બધી ઑફિસમાં આવા વજુભાઈ તો ચોક્કસ હોય છે. એમનું કામ હોય છે પોતાનું કામ અને પોતાની જરૂરિયાતો પહેલાં સંતોષવાનું. બીજાનું કામ પછી અને વ્યવસાયિક જવાબદારી છેલ્લે.

મહેનતથી ખીલે છે નસીબ

એની સામે દરેક ઑફિસમાં એવા જણ પણ સાવ ઓછા જેઓ કામનો બોજ વધી જાય તો સામે ચાલીને વધુ કલાક કામ કરી નાખે. માન, સન્માન અને સફળતા આ ઓછા લોકોને ઝટ મળે છે અને પછી, વજુભાઈ જેવા લોકોને એમની ઇર્ષ્યા પણ થાય કે જો, પેલાને બધું મળે છે પણ મારા ભાગે તો… કરોને એવી મહેનત કે તમને ઓછું આપતા નસીબ તો નસીબ, માણસોને પણ ક્ષોભ થાય. જવાબદારીનું ગાડું આવક કે પગારના પોટલાના વજન પ્રમાણે જ હાંઅક્શો તો છેવટે યાદ રાખજો, ગાડું તમારું પોતાનું છે અને એ મોડું પડશે એમાં ખોવાનું તમારે જ છે. ક્રિકેટમાં પહેલી અને છેલ્લી ઓવરમાં એકસરખા છ બૉલ જ રમવાના હોય છે. જેમાં જેટલા રન થાય એટલા કરવાના. જિંદગીની મેચમાં પણ ઓછા પગારે વધુ બોજ ઉઠાવી લેવાના ચોકા-છગ્ગા ફટકારશો તો સ્કૉર તમારો જ વધશે અને ફાયદો પણ તમારો જ થશે. એટલે દિલથી રમો, ભરપૂર રમો તો જીતી જશો.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/9O9Nms)

રણકાર * Rankaar (31 08 2010)

મહિનાની છેલ્લી તારીખે ઘણાના મનમાં પહેલો વિચાર એ આવે કે હવે પગાર મળશે ત્યાં સુધી દિવસો કેવી રીતે નીકળશે. સાત કે દસ તારીખે પગાર મળ્યા પછી શહેનશાહ જેવું ફીલ કરનારા પગારદાર લોકો માટે આખર તારીખ અને નવા પગાર વચ્ચેના દિવસો રાંક થઈ ગયાની લાગણી કરાવનારા હોય છે. ખર્ચા ઓછા કરો કે વધારે કરો પણ પૈસાની તો તાસીર જ એવી છે કે એ હાથમાંથી સરી જાય. ક્યારેક તહેવારનો ખર્ચ આવી પડે તો ક્યારેક આવી ચડે અણધાર્યા મહેમાન. શું થાય, પ્રસંગ અને સમયની નજાકત જાળવવા ખર્ચા તો કરવા જ પડે. બચત કરો, પૈસા બચાવો, ભવિષ્યની ચિંતા કરો એવું બધું તો શું કહેવાનું, કેમ કે એ બધું સહેલાઈથી અમલમાં મૂકી શકાતું હોત તો જોઈએ શું?

પૈસા ઓછા, તોય સંતોષ વધારે!

એટલું જો કે કહી શકાય કે માથે પડેલી આ હાલતને એન્જૉય કરો. દિલથી માણો જે સમય છે અને રાહ જુઓ આવનારા પગારની. પૈસા હોય તો માણવા માટે જ હોય છે અને નથી હોતા તો એનો મીઠો ઇંતજાર કરવો એ શ્રેષ્ઠ રસ્તો હોય છે. પગાર ઓછો કે વધારે નથી હોતો પણ હાથમાં આવતો પૈસો ચોક્કસ ઓછો જ હોય છે. અને એ ઓછો રહે ત્યારે એને માણવાની મજા પણ સાવ નોખી હોય છે. પગાર આવે ત્યારે પરિવાર સાથે હૉટેલમાં ઇટિંગ આઉટની મજા છે તો પગારની રાહ જોતી વખતે કટિંગ ચા માણીને ગાડું ગબડાવવું એની પણ આગવી ખુશી છે. પીડાવાનું ચા માટે? ચાલો ચાલો, મોજ કરો ભાઈ. ઓછા પૈસામાં દુનિયાના બહુમતી માણસોની જિંદગી નભે જ છે તો આપણી પણ નભી જશે. જય રામજી!

કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
Photo courtesy – http://forex-trading-strategies.info/index.php?itemid=6)