Tag Archives: dimple kapadia

દબંગ: વૉન્ટૅડ ખાનના ચાહકો સીટીયું મારશે

ફિલ્મ રિવ્યુ

નિર્માતા: અરબાઝ ખાન, મલાઇકા અરોરા ખાન, ધીલીન મહેતા

દિગ્દર્શકઃ અભિનવ સિંહ કશ્યપ

કલાકારો: સલમાન ખાન, અરબાઝ ખાન, સોનાક્ષી સિંહા, વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા, સોનુ સુદ

રૅટિંગઃ * * *

સંજય વિ. શાહ

સલમાન અને સોનાક્ષી દબંગમાં * Salman Khan and Sonakshi Sinha in DABANGG

મહાન નહીં જ હોવા છતાં અમુક ફિલ્મો રિલીઝ પહેલાં જ મહાન બની જાય છે. થૅન્ક્સ ટુ પબ્લિસિટી. સલમાનની દબંગને અફાટ ઉત્કંઠા, બેફામ પ્રમોશન અને મસ્ત મસ્ત ગીતોનો પાવર મળ્યો છે. મુન્ની સરખાઈની બદનામ થઈ છે અને સલમાન જેમની ડાર્લિંગ છે એ બધા ફિલ્મ જોવાને કે’દુંના કૂદી રહ્યા છે. સૉ, આ રહ્યો દબાંગનો હીસાબકીતાબ.

ચુલબુલ પાંડે (સલમાન) અને મખ્ખી (અરબાઝ) સાવકા ભાઈઓ છે. મા નૈની (ડિમ્પલ) છે અને પિતા પ્રજાપતિ (વિનોદ ખન્ના) છે. ચુલબુલ ઇન્સ્પૅક્ટર છે, મખ્ખી માખી પણ મારતો નથી, આળસુ છે, નકામો છે. સમસ્તીપુર ગામ છે, લાલગંજ વિસ્તાર છે. ત્યાં લોકલ ગુંડો કમ પોલિટિશિયન છેદી સિંહ (સોનુ સુદ) છે. એનો બૉસ દયાલ બાબુ (અનુપમ ખેર) છે. ગામમાં બેવડો હરિયા (મહેશ માંજરેકર) અને એની દીકરી રાજો (સોનાક્ષી સિંહા) છે. ચુલબુલને સાવકા બાપ સાથે બાપે માર્યા વેર છે. વરદી પહેરીને એ બેધડક રૂપિયા ઉસેડી રહ્યો છે. ઘડીકમાં ગુંડાઓને પીટીને લૂંટના પૈસા ઓકાવી પોતે જ ઓહિયા કરી જાય છે, ઘડીકમાં રાજોને જોઈને એને પ્રેમ કરવા માંડે અને ગીતો ગાવા માંડે છે. ચુલબુલ અને છેદીને, ચુલબુલ અને મખ્ખીને બનતું નથી. મખ્ખીને ગામન માસ્તરની (ટીનુ આનંદ) દીકરી નિર્મલા (માહી ગિલ) સાથે પ્રેમ છે. પ્રજાપતિ લગ્ન કરાવી દેવા રાજી છે પણ દહેજ લઈને. મખ્ખી ચુલબુલના પૈસા ચોરી માસ્તરને આપે છે, જેથી એ પૈસા એ દહેજમાં પ્રજાપતિને આપે અને લગ્ન શક્ય બને. ત્યાં મખ્ખીને ચોરી કરતાં નૈની જોઈ જાય છે. પછી એ સ્વધામે સીધાવી જાય છે. પછી પ્રજાપતિ ચુલબુલને ઘરમાંથી હકાલી નાખે છે. ચુલબુલ પછી મખ્ખીના માંડવે બેસી રાજો સાથે પરણી જાય છે. પછી છેદી બે ભાઈ વચ્ચેના વૈમનસ્યનો લાભ લઈને મખ્ખીને ખોટાં કામ કરાવે છે. પછી…

દબંગમાં સલમાન ખાન * Salman Khan in DABANGG

દબંગમાં સલમાન ખાન * Salman Khan in DABANGG

આ તો વાર્તા કરી. બાકી દબંગ જોતી વખતે જો ભૂલેચૂકેય વાર્તામાં પડ્યા તો પૈસા પડી જશે. આ ફિલ્મ આખી જ સલમાનની છે. એની એક્શન જુઓ, એની સલમાનગીરી અર્થાત એની સ્ટાઇલ અને એનાં ડાન્સ જુઓ, બસ. અસલ જૂની ફિલ્મો જેવી શરૂઆત (પહેલાં બાળપણ, પછી સીધું, “એક્કીસ સાલ બાદ!”) કર્યા પછી દબંગ ક્યાંય સિસ્ટમેટિક વાર્તા કહેવાની કે જે દેખાડાય છે એને જસ્ટિફાય કરવાની ઝંઝટમાં પડતી જ નથી. સાઉથને ફિલ્મોમાં સ્ટારડમ વેચવાનો ધારો છે. રજનીકાંતથી લઈને અનેક સ્ટાર્સના નામે ત્યાં બધું ચાલી પડે છે. દબંગ એ સ્ટાઇલને બોલિવુડના દંડવત્ પ્રણામ છે.

એક્શન અને સલમાન ખાન દબંગનો પાવર છે * Salman Khan and action make DABANGG powerful

એક્શન અને સલમાન ખાન દબંગનો પાવર છે * Salman Khan and action make DABANGG powerful

જો કે દિગ્દર્શક બે છે એમ કહેવાય, એક તો કશ્યપ પોતે અને બીજા એક્શન ડિરેક્ટર વિજયન. વૉન્ટૅડમાં પ્રભુ દેવાએ સલમાન પાસે જે કરાવ્યું એ બધું અહીં નવી અદામાં થાય છે. આખી ફિલ્મ જ એ પ્રકારને વળગીને વહે છે. જો કે ત્યાં સુપર વાર્તા હતી. અહીં નથી. ત્યાં જે કેરેક્ટર આર્ટિસ્ટ હતા એમાંના અમુક અહીં રિપિટ કરાયા છે. ફાઇનલ પ્રૉડક્ટ એવી છે જે અનેક ખામીઓ છતાં, સરપ્રાઇઝિંગલી, આંખોને પરાણે સ્ક્રીન પર ચોંટાડી રાખે છે. અનેક ખામીઓ! ચુલબુલ કેવી રીતે મનફાવે તેમ પોલીસગીરી કરે છે? માસ્તર એકાએક માંડવે કેમ મખ્ખી-નિર્મલાનાં લગ્નની ના પાડે છે? ચુલબુલ કેમ મખ્ખીના માંડવે જ પરણવા જાય છે? બધે એકલો લડતો ચુલબુલ ક્લાઇમેક્સમાં જ કેમ ફોજ લઈને જાય છે? અને હા, પેલી રાજોના મૂંગા રહેવા પાછળ કોઈક રાઝ છે એમ કહેવાય છે પણ એ રાઝ શું? જવા દો, કી ફરક પૈંદા હૈ?

સલમાન અને સોનાક્ષી દબંગમાં * Salman Khan and Sonakshi Sinha in DABANGG

સાજિદ-વાજિદ અને લલિત પંડિતના સંગીતમાં આવતાં ગીતો જબરાં છે. મુન્ની બદનામ થઈને મોજ કરાવે છે તો મસ્ત મસ્ત નૈન માદક છે. ટાઇટલ સૉન્ગ પણ સાંભળવા જેવું છે. એક્શન અવ્વલ છે. એમાં લૉજિક નથી, ઑન્લી સલ્લુભાઈ છે. ઉસકો દેખને કા, બાકી સબ ભૂલ જાને કા. કૉરિયોગ્રાફી (ફરાહ ખાન, રાજુ ખાન અને બીજા ઘણા) પણ વ્યવસ્થિત છે. દિલીપ શુક્લા અને ડિરેક્ટરે ભેગા મળીને લખેલી આ ફિલ્મમાં સંવાદોમાં સારો એવો ચમકારો છે ઘણી જગ્યાએ. આગળની સીટ પર બેસનારા તો સીસોટા પાડે અને તાળીઓ પાડે તેવા. મહેશ લિમયેને સિનેમેટોગ્રાફી, વાસિક ખાનની કળા અને પ્રણવ ધીવરનું એડિંટિંગ, ત્રણેય સરેરાશ. સંદીપ શિરોડકરનું બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક ઘણાં સાધારણ દ્રશ્યોમાં દમ ભરે છે. કૉમેડી અને ઇમૉશન્સ બેઉમાં એ અસર ઊભી કરી ફિલ્મને દબંગમાંથી ધબાંગ થતી બચાવે છે. ફર્સ્ટ હાફ જેટલી ઝડપથી પતે છે એટલી ઝડપથી સેકન્ડ હાફ પતતો નથી કેમ કે એમાં ત્રુટિઓ ઝાઝી છે.

સલમાન, સોએ સો ટકા ફિલ્મનો પ્રાણ છે. એના ચાહકો માટે આ રિયલ ફૅસ્ટિવલ ગિફ્ટ છે. સોનાક્ષી સરસ અને આશાસ્પદ આગમન કરે છે. અરબાઝ ઠીક છે. ડિમ્પલ, સોનુ સારો સાથ નિભાવે છે તો બાકીના કલાકારો પૂરક છે. ભલે એકવાર જોઈ શકાય છે દબંગ પણ દયા કહો તો દયા અને વિચાર કહો તો વિચાર એ આવે છે કે સોનાની તાસકમાં જે સ્ટાર્સને સારી ફિલ્મ બનાવવા બધી સગવડ મળે (છે તો સલમાનની ઘરની જ ફિલ્મને?) એ સ્ટાર જો ચુસ્ત પટકથા સાથે નિર્ભય (એટલે દબંગ) બનીને ફિલ્મ સર્જે તો જે હિટ થવા સર્જાઈ એ દબંગ હજી કેટલી મોટી હિટ થઈ શકે? સલમાન એના આજકાલ બહુ ક્લોઝ થઈ ગયેલા મિત્ર આમિર પાસે ટિપ લઈ શકે છે આ વિશે. તો પણ દબંગ માટે એટલું કહેવું રહ્યું, એકવાર જોઈ શકાય છે.

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

ગમ્યું… તો સૌને જણાવો!! SocialTwist Tell-a-Friend

Advertisements

Movie review: KRANTIVEER THE REVOLUTION * ક્રાંતિવીરઃ કંચન બન્યું કથીર

ફિલ્મ રિવ્યુ

સંજય વિ. શાહ

“સોળ વરસે મેહુલ કુમારની ક્રાંતિવીર સોળે કળાએ ખીલીને પાછી પાવર બતાવવા આવી છે, કદાચ હોં…” એવું બે-ચાર મિત્રો બહુ આશા સાથે બોલી રહ્યા હતા થોડા દિવસ પહેલાં. હકીકતમાં, સોળ વરસે ઑરિજિનલમાંથી સિક્વલરૂપે આવેલી આ ફિલ્મને કોઈકે બરાબર ધીબેડીને સોળ ઊઠાવી દીધા છે. ક્રાંતિવીર ધ રિવૉલ્ય્યુશન, જે એનું નવું નામ છે, એમાં રિવૉલ્યુશન સિવાયનું બધું જ છે. એકદમ શૉર્ટકટમાં કહીએ તો, અત્યંત સાધારણ અને સાથે જ કંટાળાજનક!

ઑરિજિનલના નાના-ડિમ્પલની જોડીની દીકરી રોશની (જહાન બ્લોચ કે જેહાન બ્લોચ) જુવાનજોધ થઈ ગઈ છે. બોલવાની છટા, સ્પષ્ટવક્તાપણું અને રફટફ સ્ટાઇલ એણે એના બાપુ પાસેથી વારસામાં મેળવ્યાં છે. ગ્રૅજ્યુએટ થયા પછી એને નોકરી મળતી નથી. પછી મળી જાય છે, ન્યુઝ ચૅનલમાં. બધી સંયોગની વાત છે. પછી સ્ટિંગ ઑપરેશન, હિડન કૅમેરા, હલકા પૉલિટિશિયન્સ અને નબળી પબ્લિક. પછી ફ્લૅશબેક. પછી ક્રાંતિનું રણશિંગું અને છેલ્લે… ચાલો સરસ, સમજી ગયા તમે.

ના ના, વાર્તા વિશે નથી જ લખવું એવું આ લખનારની કોઈ જિદ નથી. લખવું શું એની મૂંઝવણ છે. પાત્રો, દ્રશ્યો, પ્રવાહ અને આહ, અને પછી વાહ વાહ, એ બધું જ રિવાઇન્ડ થતી બાબતો છે અહીં. એક ટ્રાય હજી, બસ? રોશનીનો એક મિત્ર બિલ્ડરનો દીકરો છે, બીજો નેતાનો, ત્રીજો શહીદ પોલીસ અધિકારીનો. એ સૌ ભેગા મળીને અન્યાય, ભ્રષ્ટાચાર, અરાજકતા વગેરે વગેરે સામે ચળવળ ઉપાડે છે. અને એમાં છેવટે સત્યની, અવામની, અમનની જીત થાય છે. રાજી હવે?

ક્રાંતિવીર ધ રિવૉલ્યુશન ફિલ્મશાસ્ત્રનાં લગભગ બધા ડિપાર્ટમૅન્ટમાં ઓછી ઉતરતી ફિલ્મ છે. શરૂઆતમાં આવતા દેશભક્તિનાં અમર ગીતોના કટકા હોય કે આખરી ફ્રૅમ, આ ફિલ્મ સતત એવી લાગણી આપે છે કે ઘણું બધું ખૂટે છે. કથા અને પટકથા સ્વયં મેહુલભાઈની છે અને એમાં ખાસ્સું ખમીર ખૂટે છે. ડાયલોગમાં એમને અમિત ખાનનો સાથ મળ્યો છે અને આપણને ડાયલોગ સાંભળીને થાય કે આ વખતેય કે. કે. સિંહે ડાયલોગ લખ્યા હોત તો સારું થાત. સચીન-જિગરનું સંગીત જરાપણ કર્ણપ્રિય નથી, યુવાનોને કદાચ, ‘છોટે તેરા બર્થડે…’ તાત્પૂરતું ગમે ખરું. ફુવડ ખાનની છબિકલા, અંદલીપ પઠાનના સ્ટન્ટસ, લીલાધર સાવંતની કલા, સમર સિંઘનું સંકલન… બધું જ એવું છે ઑરિજિનલ ક્રાંતિવીર સાથે, ત્યારની ટૅક્નોલોજી પ્રમાણે કરી-કારવીને રખાયું અને અત્યારે વપરાયું છે.

કલાકારો વિશેય લખવાનું છે? ઑકે, જેટલા જાણીતા ચહેરા છે એ બધા એકસામટા વેડફાયા છે. જેટલા નવોદિતો છે બધા નબળા છે અને એમને નબળાં પાત્રો મળ્યાથી વધુ નબળા લાગે છે. મેહુલભાઈની દીકરી જહાન માટે અભી દિલ્હી બહૂત દૂર હૈ. આખી ફિલ્મમાં જો ઘડીકવાર માટે ક્યાંક મેહુલભાઈનો ટચ (એ પણ ટચ એન્ડ ગૉની સ્પીડવાળો ટચ) દેખાય છે તો ઇન્ટરવલ પછીના એસીપી રાઠોડવાળા (રામ રહીમ નગરના) દ્રશ્યમાં. બીજી કોઈ પૉઝિટિવ વાત કહેવી હોય તો એટલી કે મૂળ ફિલ્મની શાખ એટલી ઊંચી છે કે ઘણા લોકો એના નામે લાલચમાં ફસાઈને આ ફિલ્મ જોવાનો વિચાર કરી બેસે ખરા. અને કદાચ, પૉઇન્ટ ઝીરો ઝીરો વન પર સૅન્ટ, પરચૂરણ સૅન્ટર્સમાં હજીયે આવી ફિલ્મના દર્શકો હોય પણ ખરા.

બધું કહી દીધું. હવે એટલું જ કહેવું રહ્યું કે ક્રાંતિવીર નહીં જોવાય તો જરાય વાંધો નહીં. એના કરતાં નાના-ડેનીના ભડાકાવાળી જૂની ને જાણીતી ક્રાંતિવીરની વીસીડી, ડીવીડી લાવીને ફરી એકવાર એનો મજો લઈ લો.

રૅટિંગઃ * ૧/૨