Tag Archives: gujarat crocket association

ગુજરાતને મોદી કેમ ગમે છે?

– સંજય વિ. શાહ

પેટા ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. ગુજરાત ક્રિકૅટ ઍસોસિયેશનની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે. મોદીરક્ષિત ભારતીય જનતા પક્ષે બેઉ મોરચે સફળતાના ધ્વજ લહેરાવ્યા છે. જુનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને રોળી નાખ્યા પછી પંજાને આ વળતી થપ્પડ પડવાની જરાય આશા નહોતી. નવી દિલ્હીમાં આપસની મારામારીમાં ભાજપ મલિન છે. ગાંધીનગરના ગઢમાં ભાજપ સહિત મોદીનો ચોપડો ક્લીન છે. સવાલ એ છે કે ગુજરાતને મોદી કેમ ગમે છે? સવાલ એ છે કે આ માણસ એકલે હાથે, વૅલ, ઑલમોસ્ટ એકલે હાથે, પાંચેક કરોડ ગુજરાતીઓનાં હૈયાં પર રાજ કેવી રીતે કરે છે? છણાવટ કરીએ…

પ્રજા મુખ્યત્ત્વે ભોળી હોય છે. આપણા દેશમાં તો ખરી જ. એટલે જ કેટલાય લલ્લુ-પંજુઓ સફળ નેતા બને છે આપણે ત્યાં. મોદી એમાં અપવાદ સાબિત થયા. ઑક્ટોબર ૨૦૦૧માં લક બાય ચાન્સ ગુજરાતનું સુકાન એમના હાથમાં આવ્યું. એ ગુજરાતીઓનાં ગુડ લક હતાં. મોદીએ ગુજરાતને સશક્ત નેતૄત્ત્વ આપ્યું. નેતાઓ આરામ કરે છે એ તો આ દેશે સ્વીકારી જ લીધું છે પણ નેતાઓ કામ કરે ત્યારે પ્રજા એની સફાળી બેસીને ચોક્કસ નોંધ લે છે. મોદીનાં કાર્યોની પ્રજાએ નોંધ લીધી. દુશ્મનોએ નોંધ લીધી એમનાં કરતૂતોની. દાખલા તરીકે ઈશરત જહાંનો મામલો. દાખલા તરીકે ગોધરાકાંડ.

બેશક, કોઈપણ પ્રકારની અમાનુષી હરકત કોઈને પણ માફ નથી પણ પ્રજાને મોટી અવઢવ કાયમ એ રહેવાની કે મોદી સાચા છે કે એમના વિરોધી? એમની ઝળહળતી કારકિર્દી પર બટ્ટો બનેલી આ બે ઘટનાઓમાં સાચું શું છે? બીજા બધા નેતાઓની જેમ મોદીને પણ અવશ્ય બૅનિફિટ ઑફ ડાઉટ મળવો જોઈએ. પ્રજાએ એ બૅનિફિટ આપ્યો અને મોદી સામે શંકાની નજરે જોવાની બદલે સન્માનની નજરે જોવાની ટેવ પાડી લીધી. પરિણામઃ લાગલગાટ બબ્બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત.

ચીફ મિનિસ્ટરના નામે આ દેશમાં રાજ્યોને મોટેભાગે થીફ મિનિસ્ટર મળતા રહ્યા છે. ભારતના માલેતુજારોની સાચી, સ્વિત્ઝર્લૅન્ડની વિગતો આયાત કરીને તૈયાર કરેલી યાદી બનાવાય તો એ યાદીમાં ઘણા થીફ મિનિસ્ટરનાં નામ મળશે. વત્તા, એમના ગુંડા મિનિસ્ટર્સ, ચોર મિનિસ્ટર્સ, ડાકુ મિનિસ્ટર્સ વગેરે વગેરેનાં મળશેપણ ખરા જ.  રાજકારણ એટલે કારણ વિના, આવડત વિના પૈસા કમાવા માટેનું ક્ષેત્ર. એક પ્રશ્ન થાય છે: નરેન્દ્ર મોદીએ કેટલા બનાવ્યા?

એમની લાઈફ સ્ટાઈલ, ખુલ્લી કીતાબ જેવી એમની જિંદગીએ પ્રજાને ઊંડે ઊંડે એવો સધિયારો આપ્યો છે કે ના ના, આ માણસ ભ્રષ્ટ નથી, સરકારી પૈસાનો કડદો કરનારો નથી. એટલું જ નહીં, મોદીએ લીધેલાં પગલાં થકી ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ઘટ્યો છે એની પ્રતીતિ ઉદ્યોગપતિઓથી માંડી ઉપલેટાના દુકાનદારને પણ થઈ છે. દુનિયામાં ધરતી હશે ત્યાં સુધી જેમ રંગભેદ, હિંસા કે લાલચ નામશેષ નહીં થાય તેમ ભ્રષ્ટાચાર પણ ખતમ નહીં થાય. ગુજરાતમાં ભ્રષ્ટાચાર કંટ્રૉલમાં આવ્યો, સરકારી પૈસાનો સારો એવો હિસ્સો વિકાસકાર્યમાં વપરાવા માંડ્યો એવી ફીલિંગ મોદીએ લોકોને કરાવી. એક નહીં, પૂરાં આઠ વરસથી આ ફીલિંગની ફોરમ ચારેકોર પ્રસરી છે ગાંધીની ધરા પર. આ સત્યને છાશવારે ટેકો આપ્યો મહાનુભવોએ. ક્યારેક રતન ટાટાએ તો ક્યારેક બિલ ક્લિન્ટને. એમ થાય પછી ગુજરાતને મોદીમય થવા-રહેવામાં પ્રૉબ્લેમ શો હોય?

ગુજરાતે મોદીરાજમાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે એ વાતને તો કોંગ્રેસે પણ કેટલીયે વખત સ્વીકારી છે. છૂટકો પણ ક્યાં હતો કોંગ્રેસનો એવું કર્યા વિના? વૈશ્વિક મંદી, ચાઈનીઝ સ્પર્ધા, મોંઘવારી, નવા ઉદ્યોગ આકર્ષવા માટે વધેલી આંતરદેશીય રસાકસી… મોદીનીતિએ દરેકને કુનેહપૂર્વક ધોબીપછાડ આપી. મોદીને ભલે અમેરિકાની ધરતી પર પગ મૂકવા દેવામાં અંકલ સૅમ ઠાગાઠૈયા કરે, રિટાયર્ડ અંકલ સૅમથી માંડીને સૅન જૉસના બિઝનેસમેનને ગુજરાતમાં બિઝનેસ કરવામાં, ગુજરાતની પ્રગતિમાં ભાગીદારી નોંધાવવામાં ભારે રસ છે. જાપાનથી તાન્ઝાનિયા સુધી બધાને એક વાતની ખાતરી છે, મોદીઈઝમ ઈઝ ગ્રૅટ. એમાં વળી ગુજરાતી માણસને વેપલો ને ગલ્લો ને આવક ને જાવક સૌથી વધારે સમજાય. સડસડાટ આર્થિક પ્રગતિએ ગુજરાતને ખુશખુશાલ કરી દીધું અને ગુજરાતીઓ વળતામાં મોદીને ખોબલે ખોબલે મત આપતા રહ્યા. “બાકી બધું તેલ પીવા જાય, બૉસ, ધંધો ચાલવો જોઈએ, પૈસા આવવા જોઈએ…” કયો ગુજરાતી આ વાક્યને સાચું પાડનાર સીએમને”એમ ના કહે, “તમતમારે બિનધાસ્ત રે’જો હોં, આપણો તમને ફુલ સપૉર્ટ છે…”

મોદી વિચક્ષણ છે. દૂરંદેશીવાળા છે. કડક હાથે કામ કરનારા છે અને હા, લોકોને રાઈટ પ્રસંગે, રાઈટ સ્ટાઈલમાં મળીને પોતાની ઈમૅજ ઉજળી રાખવાની કળા જાણનારા છે. બઁગ્લોર અને હૈદરાબાદ ભલે આઈટીમાં આગળ નીકળી ગયાં, દેશના સૌથી આએટી-સૅવી સીએમ મોદી છે. હા, વાંકદેખ્યાઓ અને વિરોધીઓના મતને ધ્યાનમાં લઈએ તો મોદી હિટલર જેવા છે, પોતાની  જ મનમાની કરનારા છે. હશે, પાંકે કોરો આંય? સાહેબ, એક તરફ બધાને ખુશ રાખી પ્રજાને દુ:ખી કરનારા સીએમ હોય અને બીજી તરફ થોડાકને સીધાદોર કરી પ્રજાને લાભ કરાવનારા સીએમ હોય, પ્રજાએ કોની પસંદગી કરવાની? અફ્ફ્કૉર્સ, વિકલ્પ નંબર બેની. રાજકારણીઓ આપસમાં જે કરવું હોય એ કરે, પ્રજાએ એની ચિંતા શું કામ કરવી? પ્રજાએ ચિંતા કરવાની એક જ વાતની કે રાજકારણીઓનાં કાર્યો, કૄત્યો અને કરતૂતોની એમના જીવન પર કેવીક અસર પડે છે, ધૅટ્સ ઑલ.

મોદી સફળ છે એવું કહો તો સાથે એ પણ કહેજો કે મોદીના રાજમાં ગુજરાત અતિસફળ છે. ઈન ફૅક્ટ, કોમી દ્રષ્ટિએ ક્યારેક અતિ સંવેદનશીલ ગણાનારા ગુજરાતમાં વિવિધ ધર્મની પ્રજા વચ્ચે હવે વાતેવાતે વિખવાદ નથી થતા. વિકાસના માર્ગ પર દોડવા માટે કોમી વેરઝેર, ટાંટિયાખેંચ અને શંકાકુશંકાઓને દરવાજો બતાવવો જ પડે. યેનકેન રીતે મોદીરાજમાં એ સુખ ગુજરાતને પ્રાપ્ત થયું છે. વધારામાં હવે એ પણ કહેવું જોઈએ કે પોતાના પક્ષમાં જ ચાલતી હુંસાતુસીના છાંટા પણ મોદીએ ગુજરાત પર પડવા દીધા નથી. રાજય અને પક્ષ વચ્ચે એમણે સંતુલન જાળવ્યું એટલે ગુજરાતની બાબતોમાં મન ફાવે ત્યારે દખલગીરી કરવાની ગુસ્તાખી સબળા કે નબળા ભાજપે કરી નથી. આટઆટલું કરનારા મોદીને માથે માછલાં કોણ ધૂએ? ડાહ્યા કે ડોબા?

હા, એક વાતની મોદીએ કદાચ કાળજી લેવી જોઈએ ખરી. સૉરી, બે વાતની. પહેલી વાત: રાજ્યમાં જો ક્યાંક મુસ્લિમોના મનમાં ભય હોય, બિનમુસ્લિમો પ્રત્યે ઉદાસીનતા હોય તો હવે સમય આવી ગયો છે ગુજરાતને કોમી વૈમનસ્યના અંડરકરન્ટ, ઑવરકરન્ટ અને બીજા બધા કરન્ટથી સાચી મુક્તિ અપાવવાનો. એમના કૉમ્પ્યુટર જેવા મગજમાં એ માટે કોઈક ઢાંસુ આઈડિયા હશે જ એ વાતમાં બેમત ન હોય. કદાચ ન હોય તો સૅલ્ફ-પ્રૉગ્રામિંગથી આઈડિયા ક્રિઍટ થઈ જશે. બીજી વાત: મોદીએ ભલે વિધાનસભા ગજવે કરી, એમણે ગુજરાતીઓને સર્વાંગીપણે પોતાના કરવા માટે લોકસભાની ચૂંટણીમાં પણ અકલ્પનીય સપાટો બોલાવી બતાવવો પડશે. ગુજરાતી મતદારો સમજદાર છે, બધા રાજ્યોની પ્રજાની જેમ અલગ અલગ ચૂંટણીમાં જુદી જુદી રીતે મતદાન કરે છે. મોદી માટે પ્રજાને માન ખરું પણ ગુજરાતમાં કોંગ્રેસનો ભો જરૂરી છે એ વાત પણ પ્રજા સુપેરે જાણે છે. મોદી અજેય અને સંપૂર્ણ ગુજરાતનેતા ત્યારે કહેવાશે જ્યારે લોકસભામાં પણ ભાજપ, દાખલા તરીકે, છવ્વીસમાંથી વીસ કે એથી વધુ બેઠકો અંકે કરશે. મોદીની પોતાની એવી ઈચ્છા ગઈ લોકસભા ચૂંટણીમાં હતી. ગુજરાતીઓ સૅન્ટ પર સૅન્ટ મોદીમય થયા છે એ વાતની ખાતરી પણ એ ઈચ્છા ફળીભૂત થાય તો મળે. બાકી ત્યાં સુધી, મોદીસાહેબ, તમે કરેલાં કાર્યો માટે દુનિયાભરના ગુજરાતીઓ વતી: થૅન્ક યુ, વૅરી મચ. અને તમારા નેતૄત્ત્વ હેઠળ ગુજરાત સતત, સરસ, અવિરત વિકાસ સાધતું રહે એવી પ્રભુને પ્રાર્થના.