Tag Archives: jainism

રણકાર * Rankaar (11 09 2010)

મિચ્છામિ દુક્કડમ * Michchhami Dukkadam

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

– શર્મિલ

મિચ્છામિ દુક્કડમ. આખા વરસની બધી ભૂલોને ભૂલી જઈને નવેસરથી સંબંધોને મીઠા અને માણવાલાયક બનાવવાની જાદુઈ ચાવી છે આ. વધુ તો શું કહેવું આ વિશે, સૌ જ્ઞાની છે, સમજદાર છે. સ્કૂલમાં ભણતા ત્યારે પાટી આપણે વાપરતા. પાટીનો અર્થ જ એ થતો કે ભૂલો કરી તો ડરવું નહીં, એને સુધારીને ફરી લખવું. આપણા સ્વજનો સાથે પણ બિલકુલ આવી રીતે વર્તવામાં તો પછી શાની શરમ? એક આખું વરસ વીતે એમાં અનેકવાર જાણ્યે-અજાણ્યે એવું વર્તન તો સહુથી થઈ જ જાય જે પહેલી જ ક્ષણે સામેવાળાને અજુગતું લાગે અને મોડું કે વહેલું પોતાને પણ ખોટું લાગે. પછી ગુમાન અને જિદ આડાં આવે, વાતને વાળી લેવામાં. “હું શા માટે નમું? “થઈ ગયું એ થઈ ગયું.” આવા ભાવમાં ભવિષ્યમાં જે સોહામણું સુખ બે જણ વચ્ચે શક્ય બનતું હોય છે એ માણવાથી ચૂકી જવાય છે. હૈયું કહેતું હોય કે જવા દે, ગઈ-ગુજરી ભૂલી જા પણ સ્વભાવ અને મન સ્પીડબ્રૅકર બને. એને વટાવી જવાનો અવસર આજે આવ્યો છે. જેની સાથે બગડ્યું કે બગાડ્યું છે એમને મળો, ફૉન કરો, વાત કરો અને સાચા હ્રદયથી કહી દો, “મિચ્છામિ દુક્કડમ.” ખૂબ સારું લાગશે. સાચે શાતા અનુભવશો. ઓછામાં પૂરું, એ એક જ પળ પછી જેને ખોઈ બેઠા હશો એ સ્વજનો સાથે ફરીવાર સુંદર પળો માણવાનો મોકો મળશે. સૌથી સારી વાત એ થશે કે હૈયા પરથી એક બોજ કાયમ માટે ઊતરી જશે. આજના આ પાવન પ્રસંગનો હેતુ આવું થાય તો પાર પડે. હવે શાના વિચાર કરો છો, કહી સો સૌને મિચ્છામિ દુક્કડમ.

– કલ્પના જોશી

Advertisements

સહુને મિચ્છામિ દુક્કડમ…

આ બધાં મનદુ:ખ અને આ આપસના મતભેદ,

એક જ પળમાં ચાલો કરીએ બધી ભૂલોનો છેદ,

અંતરમનથી શાતા રાખી, કહીએ ચોગરદમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

મહામંત્ર નવકારની સંગે મળ્યો અહિંસા બોધ,

જીવ જીવને સુખ આપીને જીવમાં ઈશ્વર શોધ,

વેર નહીં કોઈ દ્વેષ નહીં ને મનમાં કરુણાભાવ,

જગ આખું જિન શાસનનું હો ગીત સુખેથી ગાવ,

સત્ય, ધર્મ ને પ્રેમની બારેમાસ રહે મોસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

રણકાર 26 08 2009

રાતના હો જીવ જેનો તાર તારમાં,

એને મળે ન કંઈ કશું કોઈ સવારમાં

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

જેટલું મહત્ત્વનું સવારે તાજામાજા અને આશાવાદી રહેવું છે એટલું જ અગત્યનું છે રાત પડ્યે નિશ્ચિંત થઈ જવું. રાતનું સર્જન માત્ર ઊંઘવા માટે થયું નથી. રાત ખરેખર તો બધી ચિંતાની ગાડી પર કુદરતની બ્રેક છે. રાત ખરેખર તો આવતીકાલને ઉત્કૄષ્ટ બનાવવા માટે જે પૂર્વતૈયારી કરવી પડે એ માટેનું મોકળું મેદાન છે. હાયવોય, દોડાદોડ, કામકાજ અને કટકટ… એ બધા પર હંગામી સ્ટૉપ મારવા માટે સર્જાઈ છે રાત. દરેક ખેલાડીએ મેદાનમાં જેટલી વખત રમવા માટે ઉતરવાનું હોય છે એનાથી અનેકગણી વખત એણે પ્રૅક્ટિસ માટે ઉતરવું પડે છે. જીવન જો કે સૌથી મોટી, સૌથી વધુ દમ કાઢતી રમત છે. એમાં રોજેરોજ રમવાનું હોય છે. રમવું જ પડે છે. સારા ખેલાડી રહેવા માટે અને જીવનને સાર્થક કરવા માટે રાત એક અકસીર સાધન છે. નીંદર ના થાય, થાય તો ભળતા વિચારોને ઓશીકું બનાવીને થાય એ ના ચાલે. બધાં કાર્યને ન્યાય આપ્યા પછી રાત પડ્યે એક જ કામ કરવાનું હોય. એ છે ખાલીખમ થઈ જવાનું. ફરજ નિભાવવા માટે વળી સવાર આવશે. વળી કામકાજની બટાલિયન પીછો કરશે. એ પહેલાં મગજને એના ભાગની મોકળાશ તો આપવી જ પડે. રાતને દિલથી માણવાનું કલ્ચર શહેરમાં રહ્યું નથી. અહીં તો રાત્ને રંગીન અને રઢિયાળી કરવાના કારસા રચાય છે. પણ યાદ રહે કે અંદરથી જે શાંત નથી એ સંપૂર્ણ માણસ નથી. સંપૂર્ણ માણસ બનવા માટે અમુક કલાક સાવ હળવાફુલ થવું જ પડે. જેને અજવાળું વહાલું છે એ અંધારાનો આદર કરીને રાત પડ્યે સાવ મુક્ત થઈ જાય છે. આવી જ શારીરિક, માનસિક, કદાચ આધ્યાત્મિક મુક્તતા માટે હવે સજ્જ થઈ જાવ તો ઠીક. કારણ કે પોતાના સુખ માટે પોતાનાથી વધારે કોઈએ ચિંતા કરવાની હોય નહીં.

– કલ્પના જોશી