Tag Archives: raas garba

નોરતા હવે નોરતા નથી…

નોરતાની રાત હવે રઢિયાળી નથી… નોરતાની રાત હવે દસવાળી છે, ડૅડલાઈનવાળી છે. એક તરફ દાંડિયા છે, જેનો અવાજ કાનમાં પડે ન પડે ત્યાં પોલીસની સીટીનો અવાજ આવી જાય છે, “અબ્બી બંદ કરને કા..ક્યાં? ટૅમ ઈજ ઑવર… ચલો ચલો…” અને પોલીસના ડંડા સામે બચાળા દાંડિયા મિયાંની મિંદડી જેવા થઈ ઘરભેગા થઈ જાય છે…

સંજય વિ. શાહ

દર વરસની જેમ પંચાંગના પાના પર કોતરાયેલા નવલી નવરાત્રિના દિવસો આવી જ ગયા. દુનિયા બદલાતી રહે છે પણ આ પંચાંગ છે જે બદલાતું જ નથી અને કશાયની, કોઈની સાડાબારી રાખ્યા વિના બધા તહેવાર યથાવત મોકલ્યા જ કરે છે આપણા સુધી. પણ એક વાત તો સ્વીકારી જ લો: નોરતા હવે પહેલાં જેવા, જેવા હોવા જોઈએ તેવા નોરતા નથી. જીવનમાં બધું હોય છતાં કશુંક ખૂટ્યા કરે એમ નોરતામાં કદાચ બધું છે છતાં કશુંક ખૂટ્વા માંડ્યું છે હવે. હશે. જીવન છે, ચાલ્યા કરે. જે રીતે ચાલે છે એ રીતે આ નોરતા શું છે? એ જાણવાને જરાક જાતને ફંફોસી તો અમુક નવી વાતો જાણવા મળી. એ વાતોને વહેંચવી છે. કારણ કે નોરતા હવે તહેવાર નથી. નોરતા હવે અલગ અલગ ટાઈપના લોકો માટે અલગ અલગ પ્રસંગ-બાબત છે. જેમ કે:

થનગનતા ટીનઍજર્સ માટે નોરતા ફૅશન શૉ છે. આપણા બાપા આપણને દિવાળીમાં નવાં કપડાં અપાવતા, હવે આપણે બાપા થયા ત્યારે આપણાં બચ્ચાં આપણા બાપા હોય એમ નક્કી કરી લે છે કે નોરતામાં કેટલાં નવાં કપડાં લેવાં છે, ક્યાંથી લેવા છે અને કયા નોરતે પહેરવાં છે. બારેમાસ આમ તો એ બધા કાબરચીતરાં કપડાં જ પહેરતા હોય છે પણ નોરતામાં વધુ ઍક્સપરિમૅન્ટલ થઈ જાય છે. અને હા, ફૅશન કાજે ટીનઍજર્સ આ દિવસોમાં દેશી કપડાં પહેરે એ જોઈને આંખ્યું ઠરે છેય ખરી હોં! મારા બેટાવ, સાવ કેવા લાગતા હોય છે કાં! આપણા ગામની શેરીએથી ફગાવીને મૂકી દીધા હોયને મુંબૈમાં એવા… વા વા!

કમર્શિયલ ઑર્ગેનાઈઝર્સ માટે નોરતા એક પરીક્ષા છે. નવ દિવસ ચાલતી આ પરીક્ષામાં ઍક્ઝામનો ટાઈમિંગ રોજ સાંજે સાતથી દસ છે. પૅપર ઑર્ગેનાઈઝર્સનું હોવા છતાં એમાં માર્કસ આપતા જવાબ લખે છે પોલીસ (અર્થાત કાયદો) , વરસાદ, નસીબ, ઍન્ટરટૅઈનમૅન્ટ ટૅક્સ (અર્થાત સરકાર), સ્વાઈન ફ્લુ કે બૉમ્બ બ્લાસ્ટ જેવાં કાયમી-હંગામી પરિબળો. ઑર્ગેનાઈઝર્સે ખાલી એવી આશા રાખવાની કે ક્યાંકથી કૉપી કરવા મળી જશે (અર્થાતઃ સારા સ્પૉન્સરનો સાથ, તગડું બ્લૉક બૂકિંગ કે અણધાર્યું જોરદાર કરન્ટ બૂકિંગ) અને બે છેડા ભેગા થઈ જશે તો… ખેર, માતાજીને નડતા હતા એ અસુરોના પાપે, કહેવાતા કમર્શિયલ  નોરતાવાળામાંથી મોટાભાગનાઓનો, નોરતા પછી, નુકસાનીનું ભૂત વળગ્યે ધૂણવાનો વારો આવે છે. બેશક એમાં અપવાદો છે, સૌ જાણતા જ હશે.

પરંપરાગત આયોજકો માટે નોરતા બાણશૈય્યા છે. એક જમાનામાં વડીલોએ શરૂ કરેલા સદકાર્યને એમણે સમય, પૈસા ખર્ચીને, મગજની નસો ખેંચાય એટલી ખેંચીને ટકાવી રાખવાની છે. તમાચો મારીને ગાલ લાલ રાખવો એ કહેવત ક્યારેક કોઈકની આવી હાલત જોઈને જ સર્જાઈ હશે. એક તો ઢોલ-શરણાઈ સાથે, માતાજીનું માન રાખે એવા નોરતા એ લોકો યોજે અને એક) કોઈ રમવા જ આવે નહીં, બે) ડૅઈલી પાસના બીજે પાંચસો આવા નોરતામાં બસોએકાવનનો ફાળોય આપે નહીં ત્રણ) કમર્શિયલ ઑર્ગેનાઈઝર્સને લખો દેનારા સ્પૉન્સર્સ એમને હજારો આપવાય રાજી થાય નહીં અને ચાર) આ બધા પછી પણ પોલીસનો દંડૂકો તો એમને પણ એટલો જ કચકચાવીને પડે. બોલો, અંબે માત કી જય.

વડીલો માટે નોરતા ઑપેરા હાઉસ છે. સહેલા શબ્દોમાં કહીએ તો એમણે મેદાન પર જવાનું, દીકરો-વહુ જે ફાસ્ટ ફૂડનું પડીકું કે પછી સૉફ્ટ ડ્રિન્કની બૉટલ પકડાવી દે એ લઈ લેવાની અને પછી, ખુરશી પર ખોડાઈ જવાનું. બેઠા બેઠા જોયા કરવાનું, સંભળાય છતાં ન સમજાય એ બધું સાંભળ્યા કરવાનું. નોરતા એટલે, ટૂંકમાં, બુઢ્ઢાઓ માટેનું મ્યુઝિકલ નાટક. આ નાટક ઍન્જોય કરવું હોય છે નવી પેઢીને પણ જોવું પડે છે જૂની પેઢીને. બાકી એમને પૂછો તો કહેશે, “અમારા જમાનામાં તો આમ ખુરશી-બુરશી રાખવાનો સવાલ જ ઊભો થતો નો’તો…”

મિડિયા માટે (ખાસ કરીને ટૅલિવિઝન મિડિયા માટે) નોરતા નવ દિવસનું ગૅરન્ટૅડ ફિલર છે. એકની એક ઘટનાને માર માર વારંવાર દેખાડ દેખાડ કરવાની ટીવીની ખાસિયત નોરતામાં સોળે કળાએ ખીલે છે, માતાજીની મે’રબાનીથી. વળી, વાસાવડ કે ભાણવડ કે કેશોદના ગુજરાતીને, જેને બાપ જન્મારે ફાલ્ગુની પાઠકના હાકોટા કે ઠુમકામાં રસ નથી એનેય ટીવીવાળા ફાલ્ગુની બતાવી બતાવીને અધમુઓ કરી નાખે છે. કેમ જાણે ફાલ્ગુની જન્મી ના હોત અને ગાતી ના હોત તો નોરતાનો દાટ ના વળી ગયો હોત! અરે બૉસ, ટીવીવાળાને કો’ક દા’ડો કો’ક બુદ્ધિવાળો માલિક કે ઍડિટર મોકલે કાઠિયાવાડ કે કચ્છ કે ઉત્તર ગુજરાત કે… ગુજરાતમાં ગમે ત્યાં, સાત ભવ સુધી એ બધા ફાલ્ગુનીનું નામ ના ભૂલી જાય તો ફટ કહેજો. પ્રિન્ટ મિડિયા માટે, વૅલ, નોરતા હવે જસ્ટ અનધર ડૅઝ છે. ના પહેલાં જેવી લખલૂટ જહેરખબરો છે, ના ડૅડલાઈન સામે ગર્જનારા કિરિટ સોમૈયા કે પ્રકાશ મહેતા કે બીજા કોઈ છે, ના કોઈ જબરદસ્ત સ્ટૉરી બનાવી શકાય એવો ટિપિકલ ગુજરાતી ઍન્ગલ છે. જવા દોને યાર, બીજા પાને બે-ચાર ફકરા છાપીને પતાવી નાખો…

બિનગુજરાતીઓ માટે નોરતા હવે મૅગા ડાન્સ શૉ છે. ઈન ફૅક્ટ, ઘણા દોઢડાહ્યા (ઍકચ્યુલી અક્કલમઠ્ઠા) ગુજરાતીઓ પણ હવે નોરતાને દુનિયાનો સૌથી મોટો ડાન્સ ફૅસ્ટિવલ કહેવા માંડ્યા છે. છૂટો દાંડિયો મારો એમના માથામાં જેમ ગણેશોત્સવને કોઈ રીતે મૂર્તિના ઍક્ઝિબિશનનો મૅગા ફૅસ્ટિવલ ના કહેવાય એમ નોરતાને પણ કોઈ કાળે ડાન્સ ફૅસ્ટિવલ ના કહેવાય. હાઉ ડૅઅર યુ?! એટલું ચોક્કસ કે બિનગુજરાતીઓ પણ ગરબે ઘૂમે, આપણી પાસેથી રાસ-ગરબાની સંસ્કૄતિ મેળવે અને રાજી થાય તો એ આપણા માટે પોરસની વાત. આપણનેય ભાંગડા, ભરતનાટ્યમ નથી ગમતાં? બિનગુજરાતીઓમાં નોરતા માટેનું માન વધે એ માટે ગુજરાતીઓ પોતે નોરતાનું મહાત્મ્ય સમજે, સ્વીકારે અને નવેસરથી વધારે એ ઈચ્છનીય છે. જુઓ હવે, જેવી તમારી ઈચ્છા.

અને આ લખનાર માટે, નોરતા એ રોચક ભૂતકાળની અપાર સ્મૄતિઓ લઈ આવતો તહેવાર છે. બહુ મજાના હતા એ દિવસો. બે-ત્રણ વાગ્યા પહેલાં તો ક્યારેય રાસ-ગરબાની રમઝટ શમતી નહીં. રાતના દસેક વાગ્યાથી છેક પરોઢ સુધી રસ્તા પર ખેલૈયા, ખેલૈયા અને માત્ર ખેલૈયા સિવાય કોઈ દેખાતું નહીં. ગમે તે દિશામાં જતી છેલ્લી છેલ્લી અને સવારની પહેલી પહેલી બધી લૉકલ ટ્રૅનમાં પણ ખેલૈયાઓનું જ રાજ. ગમે તે વિસ્તારમાં ચાલ્યા જાવ, ઢોલ-શરણાઈવાળી દેશી ગરબી અને નવતર ઑર્કૅસ્ટ્રા બૅન્ડવાળા ગરબા એકાદ તો અચૂક હોય જ. પાછું ક્યાંય પાસ ખરીદીને ઍન્ટ્રી મળે એવું તો સાંભળેલું પણ નહીં! પોલીસ કાયદાનું પાલન કરવા આવે, ઘડીક બધું બંધ કરાવે પણ પછી આયોજકો સાથે નાનીમોટી પતાવટ કરી બધું ચાલવ દે. ત્યારે ક્યાં નોરતા પર ગુજરાતીઓને તહેવાર એવું લૅબલ લાગેલું હતું? ત્યારે રમતા આવડતું નહીં છતાં પગ ઉપડતા અને અટકતા નહીં અને આજે, રમતા આવડે છે તોય રમવા જવાનું છે એવો વિચાર આવતા પગ ઉપડતા નથી અને હૈયું પૂછી બેસે છે: આ… આ.. નોરતા જ છે?! હા, આ મુંબઈ છે અને આ છે મુંબઈના નોરતા! એટલે જ તો, હવે રમવા-જોવા-યોજવા અને અટકાવવાનું કામ કરનારાને કરવા દઈ આપણે એકલપંડે ગણગણતા રહેવાનું: સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા…