Category Archives: વિન્ટેજ રણકાર * Vintage Rankaar

વિન્ટેજ રણકાર * Vintage Rankaar

પ્રયાણ એટલે શું? ચાલવા માટે પગ હોવા તે, અંત એટલે શું? ફરી શરૂ કરવા કંઈ ન હોવું અને કોઈ ઈચ્છા ન હોવી તે.

– લૉરા રાઇડિંગ

ઘણીવાર સમસ્યાઓ બટાલિયનમાં આવતી હોય છે. અસ્ખલિત ગતિએ દોડ્યા કરવું એ વસ્તુ તો જીવનની ગાડીના સ્વભાવમાં છે જ નહીં. આખા વર્ષમાં એક વિદ્યાર્થી વધુમાં વધુ ચાર વાર પરીક્ષા આપતો હોય છે. જીવનની શાળામાં આવું શકય નથી. અહીંયા તો રોજ પરીક્ષા છે અને રોજ પાંત્રીસ માર્કની મોકાણ છે. સતત આગળ વધવાનું નામ જીવન છે. સાચ્ચું કહેજો, તમારી જિંદગીમાં તમને એવું કેટલીવાર લાગ્યું છે કે હવે તો ગયા, આ મુશ્કેલીમાંથી પાર આવવાની કોઈ શકયતા જ નથી? અને આશ્ચર્ય, દરેક પરિસ્થિતિને કૂદાવતી તમારી જિંદગી દર વખતે આગળ વધતી રહી છે!

હવેથી, જીવનની આગામી તકલીફો વખતે, યાદ રાખજો કે જેમ દર વખતે કોઈક અજાણી દિશામાંથી રસ્તો ખુલ્યો છે તેમ આ વખતે પણ રસ્તો નીકળવાનો છે. મગજ પર બરફની પાંચ-દસ લાદી કાયમ માટે મૂકી દો. આનો સીધો લાભ એ થશે કે સમસ્યા વહેલી પોબારા ગણી જશે. ફરી શરૂ કરવા કંઈ ન હોવું એ, કોઈ ઈચ્છા ન હોવી એ સત્ય તો જીવનની ચોપડીમાં રોજેરોજની વાર્તા લખતી વખતે ક્યાંય કરતાં ક્યાંય આવવી જ જોઈએ નહીં. લૉરા રાઇડિંગની આ કવિતામાં આગળ આવી કંઈક પંક્તિ છે. અને જનમવું એટલે શું? જાતશત્રુ પાસેથી અશક્યનો મુકાબલો કરતાં શીખવું તે.

– કલ્પના જોશી

(Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper on Thursday 05 February 1998)
(Photo courtesy – http://nawiderahman.blogspot.com)

વિન્ટેજ રણકાર * Vintage Rankaar

લઘુતાગ્રંથિથી પીડાવું એટલે જીવનમાં કયારેય આગળ નથી આવવું એવો અયોગ્ય નિર્ણય લેવો. લઘુતાગ્રંથિ એટલે પોતે જ કારણ વિના ધારી લેવું કે મારામાં ક્ષમતા ઓછી છે. માણસ ધારે તો પોતાની લઘુતાગ્રંથિ પોતે જ દૂર કરી શકે છે. માતૃભાષામાં દસમા ધોરણ સુધી ભાણ્યા પછી અને પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ઘણા જણ અંગ્રેજી બોલી, લખી કે વાચી શકતા નથી. મધ્યમવર્ગના માણસ ઘણી વાર, ઘણી જગ્યાએ પામતા-પહોંચતા લોકો સાથે હળીભળી શકતા નથી. આ બાબતો ઉદાહરણ માત્ર છે. આવી ઘણી બાબતો વ્યક્તિના મનમાં લઘુતાગ્રંથિનું નિર્માણ કરતી હોય છે. એ જવા દો, રસ્તે ચાલતા કેળાની છાલ પર પગ પડતાં લપસી જઇએ કે પથ્થરનો ઠેબો લાગે ત્યારે શરીરમાંથી જે ઝણઝણાટી પસાર થઇ જાય એ પણ લઘુતાગ્રંથિનું પરિણામ હોય છે. આવું ન ચાલે.

સૌથી પહેલાં એ જાણી લો કે આ દુનિયામાં તમારાથી બુદ્ગિશાળી અને તમારાથી ઓછી અક્કલવાળા એક, બે નહીં, લાખો કરોડો જણ છે. બીજું એ પણ સમજી લો કે તમે ભલે એક આમ આદમી છો પણ તમારો પર્યાય બની શકે એવું કોઇ વ્યક્તિત્વ આ દુનિયામાં નથી જ નથી. આટલું ગળે ઊતારી શકો તો લઘુતાગ્રંથિની તમારી સમસ્યા મહદઅંશે દૂર થઇ ગઇ. બાકીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હવે નિર્ભય બનો, તમે જે કંઈ શીખ્યા, બન્યા એ આ પૃથ્વી પર આવ્યા પછી જ, રાઇટ? યાદ રાખો, કોઇપણ કામ જીવનમાં ક્યારેક તો પહેલીવાર કરવાનું જ છે. દરેક નવો અનુભવ જીવનમાં કશુંક ઉમેરવાનો છે અને નવા અનુભવ માણવા ખેલદિલીપૂર્વક એમાં રત થઇ જાઓ. તમારી ખૂબીઓ જાણો અને ખામીઓ સ્વીકારી એ દૂર કરવાને ખૂબ મહેનત કરો. અંગ્રેજી ભાષા દાખલા તરીકે પંદર વર્ષની શૈક્ષણિક કારકિર્દી પછી પણ ન આવડી એ તમારી ખામી છે અને હવે ‘ટ્રાયલ એન્ડ એરર’ની રમત વડે, ભાષાના સતત ઉપયોગ વડે ભાષા સુધારી શકાય એ તમારામાં છુપાયેલી જન્મજાત શક્તિ, ખૂબી, આવડત છે. લઘુતાગ્રંથિ જો તમારી સમસ્યા હોય તો તમારી ખૂબી એ છે કે તમે આ સમસ્યાની છુટ્ટી કરી શકવા સક્ષમ છો. કોશિશ તો કરી જુઓ.

– કલ્પના જોશી

(Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper on Wednesday 28 April 1998)
(Photo courtesy – http://blogs.voices.com/voxdaily/2007/09)

વિન્ટેજ રણકાર * Vintage Rankaar

“આપણે અનેક કામ એકીસાથે ઉપાડીએ એનો ચોખ્ખો અર્થ એ થયો કે આપણને એમાંથી એકપણ કાર્ય બરાબર કરવું નથી. એકના બહાનાથી બીજાની જવાબદારીમાંથી છટકવા માગીએ છીએ.”
– ફાધર વૉલેસ (જીવનનું વળતર)

સવાર પડી નથી કે મુંબઈગરાએ પાંચ-દસ કરોડ કામના બોજ સાથે ઓફિસ તરફ દોટ મુકી જ સમજો. ઘરની, ઓફિસની ઢગલાબંધ જવાબદારીમાંથી ઊંચા ન આવતા ઘણા લોકોને બીજી અસંખ્ય પારકી પળોજણ ગળે બાંધવામાં વિચિત્ર સંતોષ મળતો હોય છે. મુંબઈની ફૂટપાથો પર દસ-પંદર રૂપિયામાં એક પુસ્તક મળે છે: ડૉન્ટ સૅ યસ વ્હેન યુ વોન્ટ ટુ સૅ નૉ. અર્થાત્ ના પાડવાની ઈચ્છા હોય ત્યારે ખોટેખોટી હા પાડવી નહીં, એવું નથી કે એક માણસ એક સમયે એક કરતાં વધુ કામ ન કરી શકે. પણ ટાઈમ મેનેજમેન્ટની આવડત આત્મસાત્ કરવાનું ગજું જૂજ લોકો પાસે હોય છે એ સત્ય સ્વીકારવું રહ્યું.

એમાં પણ નવથી પાંચની નોકરી અને બે કલાકના ઓવરટાઇમ અને ચાર કલાકના રેલપ્રવાસ અને આઠ કલાકની નીંદર અને પછી બચતા બે કલાકમાં બાવીસસો પારકી પળોજણને ન્યાય આપવો અશક્ય જ છે. એના કરતાં જે કરીએ, જેટલું કરીએ એટલું જ વ્યવસ્થિત કરીએ તો પણ ઘણું. તમને જવાબદારીમાંથી છટકવું હતું એટલે છેલ્લી ઘડીએ તમે પાણીમાં બેસી ગયા એવું કોઈના મોઢે શા માટે સાંભળવું? આજે તમારી પાસે એક જણ એની સોસાયટીની પાણીની અનિયમિતતાની સમસ્યા લઇને આવવાનું છે. “અરે, તમે ચિંતા ન કરતા, આપણી ઓળખાણ…” એવી ડંફાસ તમે મારશો?

– કલ્પના જોશી

(Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper, on 05 April 1998)
(Photo courtesy – http://www.time-management-central.net)