Tag Archives: abhiyan

રણકાર * Rankaar (11 09 2010)

મિચ્છામિ દુક્કડમ * Michchhami Dukkadam

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

– શર્મિલ

મિચ્છામિ દુક્કડમ. આખા વરસની બધી ભૂલોને ભૂલી જઈને નવેસરથી સંબંધોને મીઠા અને માણવાલાયક બનાવવાની જાદુઈ ચાવી છે આ. વધુ તો શું કહેવું આ વિશે, સૌ જ્ઞાની છે, સમજદાર છે. સ્કૂલમાં ભણતા ત્યારે પાટી આપણે વાપરતા. પાટીનો અર્થ જ એ થતો કે ભૂલો કરી તો ડરવું નહીં, એને સુધારીને ફરી લખવું. આપણા સ્વજનો સાથે પણ બિલકુલ આવી રીતે વર્તવામાં તો પછી શાની શરમ? એક આખું વરસ વીતે એમાં અનેકવાર જાણ્યે-અજાણ્યે એવું વર્તન તો સહુથી થઈ જ જાય જે પહેલી જ ક્ષણે સામેવાળાને અજુગતું લાગે અને મોડું કે વહેલું પોતાને પણ ખોટું લાગે. પછી ગુમાન અને જિદ આડાં આવે, વાતને વાળી લેવામાં. “હું શા માટે નમું? “થઈ ગયું એ થઈ ગયું.” આવા ભાવમાં ભવિષ્યમાં જે સોહામણું સુખ બે જણ વચ્ચે શક્ય બનતું હોય છે એ માણવાથી ચૂકી જવાય છે. હૈયું કહેતું હોય કે જવા દે, ગઈ-ગુજરી ભૂલી જા પણ સ્વભાવ અને મન સ્પીડબ્રૅકર બને. એને વટાવી જવાનો અવસર આજે આવ્યો છે. જેની સાથે બગડ્યું કે બગાડ્યું છે એમને મળો, ફૉન કરો, વાત કરો અને સાચા હ્રદયથી કહી દો, “મિચ્છામિ દુક્કડમ.” ખૂબ સારું લાગશે. સાચે શાતા અનુભવશો. ઓછામાં પૂરું, એ એક જ પળ પછી જેને ખોઈ બેઠા હશો એ સ્વજનો સાથે ફરીવાર સુંદર પળો માણવાનો મોકો મળશે. સૌથી સારી વાત એ થશે કે હૈયા પરથી એક બોજ કાયમ માટે ઊતરી જશે. આજના આ પાવન પ્રસંગનો હેતુ આવું થાય તો પાર પડે. હવે શાના વિચાર કરો છો, કહી સો સૌને મિચ્છામિ દુક્કડમ.

– કલ્પના જોશી

રણકાર * Rankaar (02 09 2010)

“આજે જરાક મહેમાન આવવાના છે ઘરે… એક કલાક વહેલા ઘરે જવા મળે તો…” મહિનામાં બે-ત્રણ વખત જો વજુભાઈ વહેલા ઘરે જાય નહીં તો જ નવાઈ. એમના બૉસ વળી એવા કે એ આવી ફૅવરની ના પાડતા ખચકાય, એમ વિચારીને કે બધાએ કામકાજની સાથે ઘર અને વહેવાર પણ સાચવવાનાં હોય. બધી ઑફિસમાં ભલે આવા બૉસ ના હોય પણ બધી ઑફિસમાં આવા વજુભાઈ તો ચોક્કસ હોય છે. એમનું કામ હોય છે પોતાનું કામ અને પોતાની જરૂરિયાતો પહેલાં સંતોષવાનું. બીજાનું કામ પછી અને વ્યવસાયિક જવાબદારી છેલ્લે.

મહેનતથી ખીલે છે નસીબ

એની સામે દરેક ઑફિસમાં એવા જણ પણ સાવ ઓછા જેઓ કામનો બોજ વધી જાય તો સામે ચાલીને વધુ કલાક કામ કરી નાખે. માન, સન્માન અને સફળતા આ ઓછા લોકોને ઝટ મળે છે અને પછી, વજુભાઈ જેવા લોકોને એમની ઇર્ષ્યા પણ થાય કે જો, પેલાને બધું મળે છે પણ મારા ભાગે તો… કરોને એવી મહેનત કે તમને ઓછું આપતા નસીબ તો નસીબ, માણસોને પણ ક્ષોભ થાય. જવાબદારીનું ગાડું આવક કે પગારના પોટલાના વજન પ્રમાણે જ હાંઅક્શો તો છેવટે યાદ રાખજો, ગાડું તમારું પોતાનું છે અને એ મોડું પડશે એમાં ખોવાનું તમારે જ છે. ક્રિકેટમાં પહેલી અને છેલ્લી ઓવરમાં એકસરખા છ બૉલ જ રમવાના હોય છે. જેમાં જેટલા રન થાય એટલા કરવાના. જિંદગીની મેચમાં પણ ઓછા પગારે વધુ બોજ ઉઠાવી લેવાના ચોકા-છગ્ગા ફટકારશો તો સ્કૉર તમારો જ વધશે અને ફાયદો પણ તમારો જ થશે. એટલે દિલથી રમો, ભરપૂર રમો તો જીતી જશો.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/9O9Nms)

રણકાર * Rankaar (31 08 2010)

મહિનાની છેલ્લી તારીખે ઘણાના મનમાં પહેલો વિચાર એ આવે કે હવે પગાર મળશે ત્યાં સુધી દિવસો કેવી રીતે નીકળશે. સાત કે દસ તારીખે પગાર મળ્યા પછી શહેનશાહ જેવું ફીલ કરનારા પગારદાર લોકો માટે આખર તારીખ અને નવા પગાર વચ્ચેના દિવસો રાંક થઈ ગયાની લાગણી કરાવનારા હોય છે. ખર્ચા ઓછા કરો કે વધારે કરો પણ પૈસાની તો તાસીર જ એવી છે કે એ હાથમાંથી સરી જાય. ક્યારેક તહેવારનો ખર્ચ આવી પડે તો ક્યારેક આવી ચડે અણધાર્યા મહેમાન. શું થાય, પ્રસંગ અને સમયની નજાકત જાળવવા ખર્ચા તો કરવા જ પડે. બચત કરો, પૈસા બચાવો, ભવિષ્યની ચિંતા કરો એવું બધું તો શું કહેવાનું, કેમ કે એ બધું સહેલાઈથી અમલમાં મૂકી શકાતું હોત તો જોઈએ શું?

પૈસા ઓછા, તોય સંતોષ વધારે!

એટલું જો કે કહી શકાય કે માથે પડેલી આ હાલતને એન્જૉય કરો. દિલથી માણો જે સમય છે અને રાહ જુઓ આવનારા પગારની. પૈસા હોય તો માણવા માટે જ હોય છે અને નથી હોતા તો એનો મીઠો ઇંતજાર કરવો એ શ્રેષ્ઠ રસ્તો હોય છે. પગાર ઓછો કે વધારે નથી હોતો પણ હાથમાં આવતો પૈસો ચોક્કસ ઓછો જ હોય છે. અને એ ઓછો રહે ત્યારે એને માણવાની મજા પણ સાવ નોખી હોય છે. પગાર આવે ત્યારે પરિવાર સાથે હૉટેલમાં ઇટિંગ આઉટની મજા છે તો પગારની રાહ જોતી વખતે કટિંગ ચા માણીને ગાડું ગબડાવવું એની પણ આગવી ખુશી છે. પીડાવાનું ચા માટે? ચાલો ચાલો, મોજ કરો ભાઈ. ઓછા પૈસામાં દુનિયાના બહુમતી માણસોની જિંદગી નભે જ છે તો આપણી પણ નભી જશે. જય રામજી!

કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
Photo courtesy – http://forex-trading-strategies.info/index.php?itemid=6)

રણકાર * Rankaar (30 08 2010)

રણકાર

બીજા કોઈપણ જખમ કરતાં મોટો જખમ અપમાન છે.

– અજ્ઞાત

કોઈકનું અપમાન કર્યું છે તમે? કોઈકને એવી પીડા આપી છે જે એ કોઈ કાળે ભૂલી શકે નહીં? વિચારજો જરા આ વાત વિશે. બે વ્યક્તિ વચ્ચે કંકાસ થવાના જે ત્રણ કારણ શાસ્ત્રોમાં જણાવાયા છે એનાથી વિશેષ મોટું કારણ છે અપમાન. બધું સહન થાય, અપમાન સહન ના થાય. માણસ નાનો હોય કે મોટો પણ જો એનું અપમાન થયૂમ તો એ જે દાઝ લઈને જીવશે એ દાઝ હિમાલય કરતાં ઊંચી અને અગાધ દરિયા કરતાં ઊંડી હશે. એટલે જ સંબંધના તંગ દોરડા પર નર્તન કરતી વખતે સલૂકાઈ અને શબ્દોની ભલમનસાઈ સદા જાળવવી. માણસ થઈને માણસ સાથે એવું વર્તન કરી બેસવું નહીં જે એને એટલી હદે ડંખી જાય કે ક્યારેક એ પોતાનું અને ક્યારેક બીજાનું નુકસાન કરી બેસે.

માન આપો, માયા પામો

માન આપતા રહેવું અને અપમાન કરવું જ નહીં એ અફર સિદ્ધાંત યાદ રાખવાનો. જે સંજોગમાં મગજ પર કાબૂ રહે નહીં એ સંજોગમાંથી એક જ ક્ષણમાં બાદ થઈ જવાનું. ઘડીકવાર માટે જે ગુસ્સો આવ્યો હોય એનાથી અઘટિત થતું રોકવાનો આ સૌથી અકસીર ઇલાજ છે. જેણે કોઈનું અપમાન કર્યું નથી એ માણસના શત્રુ કોઈ નથી હોતા. જેણે અપમાન કર્યું છે એના માટે એનો એક શત્રુ સો જણને એના શત્રુ બનાવી નાખવા માટે પૂરતો છે. સારું બોલનારાનું સારું ગમે ત્યાંથી થઈ રહે છે એ પણ યાદ રાખજો. કેમ કે માન એ તો સંબંધનો જાન છે.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://editorial.autos.msn.com/article.aspx?cp-documentid=726147)