Tag Archives: સંતોષ

રણકાર * Rankaar (31 08 2010)

મહિનાની છેલ્લી તારીખે ઘણાના મનમાં પહેલો વિચાર એ આવે કે હવે પગાર મળશે ત્યાં સુધી દિવસો કેવી રીતે નીકળશે. સાત કે દસ તારીખે પગાર મળ્યા પછી શહેનશાહ જેવું ફીલ કરનારા પગારદાર લોકો માટે આખર તારીખ અને નવા પગાર વચ્ચેના દિવસો રાંક થઈ ગયાની લાગણી કરાવનારા હોય છે. ખર્ચા ઓછા કરો કે વધારે કરો પણ પૈસાની તો તાસીર જ એવી છે કે એ હાથમાંથી સરી જાય. ક્યારેક તહેવારનો ખર્ચ આવી પડે તો ક્યારેક આવી ચડે અણધાર્યા મહેમાન. શું થાય, પ્રસંગ અને સમયની નજાકત જાળવવા ખર્ચા તો કરવા જ પડે. બચત કરો, પૈસા બચાવો, ભવિષ્યની ચિંતા કરો એવું બધું તો શું કહેવાનું, કેમ કે એ બધું સહેલાઈથી અમલમાં મૂકી શકાતું હોત તો જોઈએ શું?

પૈસા ઓછા, તોય સંતોષ વધારે!

એટલું જો કે કહી શકાય કે માથે પડેલી આ હાલતને એન્જૉય કરો. દિલથી માણો જે સમય છે અને રાહ જુઓ આવનારા પગારની. પૈસા હોય તો માણવા માટે જ હોય છે અને નથી હોતા તો એનો મીઠો ઇંતજાર કરવો એ શ્રેષ્ઠ રસ્તો હોય છે. પગાર ઓછો કે વધારે નથી હોતો પણ હાથમાં આવતો પૈસો ચોક્કસ ઓછો જ હોય છે. અને એ ઓછો રહે ત્યારે એને માણવાની મજા પણ સાવ નોખી હોય છે. પગાર આવે ત્યારે પરિવાર સાથે હૉટેલમાં ઇટિંગ આઉટની મજા છે તો પગારની રાહ જોતી વખતે કટિંગ ચા માણીને ગાડું ગબડાવવું એની પણ આગવી ખુશી છે. પીડાવાનું ચા માટે? ચાલો ચાલો, મોજ કરો ભાઈ. ઓછા પૈસામાં દુનિયાના બહુમતી માણસોની જિંદગી નભે જ છે તો આપણી પણ નભી જશે. જય રામજી!

કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
Photo courtesy – http://forex-trading-strategies.info/index.php?itemid=6)

રણકાર * Rankaar for 19 08 2010

રક્તદાન કરવા જઈએ ત્યારે સૌથી પહેલું કામ બ્લડ ગ્રુપ ચેક કરવાનું થાય. પણ કોઈને પૈસા આપીએ તો ક્યારેય કોઈએ એનું ગ્રુપ ચેક કર્યાનું ક્યાંય સાંભળ્યું નથી. પૈસા સારા કામના છે, કે ખરાબ કામના? હાયના છે કે ન્યાયના છે? સતના છે કે અસતના? આ બે-ચાર વાક્યો હાલમાં જ વાચ્યા અને મન ચકરાવે ચડ્યું. ધનને બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે જીવન સાથે. પૈસા વિના ગાડું ચલાવવું અશક્ય જ. પણ પૈસા કેવી રીતે કમાયા છીએ એના પર મનોમંથન થવું જ જોઈએ. એટલી હદે કે હરામના સો રૂપિયા પણ ઘરમાં આવવા જોઈએ નહીં. લોકો ખોટાં કામ કરતા હોય તો કરવા દો. ઇમાનદાર હોવાથી પાછળ રહી ગયા છો તોય અફસોસ નહીં કરો. યાદ રાખજો કે પૈસા ખરેખર તો એટલા જ ખપતા હોય છે જેટલાથી નિરાંતે સમય વીતે. એ પછી ઝાઝા આવશે તો પણ પૈસા મહત્ત્વના નથી. હિસાબની બહાર સંપત્તિ ભેગી કરવાની દડમજલમાં હિસાબની બહાર હેરાન થવાનો શો ફાયદો? અને ખરાબ પૈસો કમાઈને અંતરાત્મા ડંખે તો કમાયાનો અર્થ શો?

વીસ વરસની ઉંમરે સિકંદર ગ્રીસનો રાજા બન્યો, અને ૩૧ વરસનો થયો ત્યાં સુધીમાં સિરિયા, બેબીલૉન, ઇરાન, અફઘાનિસ્તાન… કેટલાય દેશ એણે કબ્જે કર્યા. તો શું? એનાથી એ અમર નહીં થયો અને સો માણસનું ભોજન ખાતો નહીં થયો. સાચું કમાઈને સાચું રહી શકાશે તો પથારી મખમલની હશે કે કંતાનની ઊંઘ તો મીઠી જ આવશે. સુખેથી જાગવા અને સંતોષથી ઊંઘવા ઘરમાં આવતા પૈસાનું ગ્રુપ ચેક કરી લેજો હવેથી.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://www.markchurms.com/index-military-art-prints.html)

સુવિચાર (નવા)

મારા બ્લૉગ પરના સુવિચાર વિભાગની લોકપ્રિયતા જોઈને મેં હવેથી આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરવાનું ઠરાવ્યું છે. સાથે જ, માત્ર લખાણ મૂકે રાખવાને બદલે એમાં સૌંદર્ય ઉમેરવા માટે જેમના સુવિચાર ટાંકીશ તેમની તસવીર મૂકવાની પણ પૂરતી કોશિશ કરીશ. આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરાશે તેથી આપ સૌ એની વારંવાર મુલાકાત લેતા રહેજો. તો પ્રસ્તુત છે નવા સુવિચારનો પહેલો મણકો, બુધવાર ૧૮ ઑગસ્ટ ૨૦૧૦ના રોજ…

(સુવિચારના અને સુવાક્યના રસિયાઓને એક જ વિનંતી: આ વિભાગની મુલાકાત લઈને અને એને માણીને તમારી કમૅન્ટ્સ અચૂકપણે લખતા જજો. તમારો પ્રતિભાવ મારા માટે નવું લખવાની ચાનક ચડાવતું ટૉનિક છે. )

________________________

નૈસર્ગિક આવડત વિનાના શિક્ષણ કરતાં શિક્ષણ વિનાની નૈસર્ગિક આવડતે માણસને કીર્તિ અને ગુણના ઉચ્ચ મુકામે ઘણી વધારે વાર પહોંચાડ્યો છે.

– માર્કસ સિસરૉ (રૉમન વક્તા, રાજનીતિજ્ઞ)

________________________

ખરેખરા દુ:ખી લોકો એ છે જેઓ પોતે જે કરી શકતા હોય તે કામ કર્યા અધૂરાં છોડી દે છે. અને એ કામ શરૂ કરી દે છે જે તેઓને સમજાતાં નથી. નવાઈની વાત નથી કે તેઓને છેવટે છેવટે દુ:ખ જ મળે છે.

– જોહાન ગૅર્ટા (જર્મન કવિ, નાટ્યકાર)

________________________

વહીવટી (એક્ઝિક્યુટિવ) આવડત એટલે શું કરવું છે એ ફટાફટ નક્કી કરવું અને પછી એ કામ કરવાને એટલી જ જલ્દી કોઇકને શોધી કાઢવું.

– જૉન પૉલાર્ડ (અમેરિકન રાજકારણી)

________________________

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ.

– બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ)

________________________

બે પ્રકારના માણસો હોય છે, એક જેઓ (ક્યાં જવું તેનું) માર્ગદર્શન પૂછશે અને બીજા, જેઓ (પોતાની મેળે) પોતાનો રસ્તો શોધી લેશે. બન્ને જણ એમની મંજિલ સુધી પહોંચશે ખરા પણ )પહોંચવાનો) સંતોષ બીજા પ્રકારમાં ઘણો વધારે છે.

ડૉમિનિક સ્લાઇવર (લેખક)

________________________