Tag Archives: રણકાર

રણકાર * Rankaar (11 09 2010)

મિચ્છામિ દુક્કડમ * Michchhami Dukkadam

સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે,

ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ,

પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન,

માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન,

તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ,

મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ…

– શર્મિલ

મિચ્છામિ દુક્કડમ. આખા વરસની બધી ભૂલોને ભૂલી જઈને નવેસરથી સંબંધોને મીઠા અને માણવાલાયક બનાવવાની જાદુઈ ચાવી છે આ. વધુ તો શું કહેવું આ વિશે, સૌ જ્ઞાની છે, સમજદાર છે. સ્કૂલમાં ભણતા ત્યારે પાટી આપણે વાપરતા. પાટીનો અર્થ જ એ થતો કે ભૂલો કરી તો ડરવું નહીં, એને સુધારીને ફરી લખવું. આપણા સ્વજનો સાથે પણ બિલકુલ આવી રીતે વર્તવામાં તો પછી શાની શરમ? એક આખું વરસ વીતે એમાં અનેકવાર જાણ્યે-અજાણ્યે એવું વર્તન તો સહુથી થઈ જ જાય જે પહેલી જ ક્ષણે સામેવાળાને અજુગતું લાગે અને મોડું કે વહેલું પોતાને પણ ખોટું લાગે. પછી ગુમાન અને જિદ આડાં આવે, વાતને વાળી લેવામાં. “હું શા માટે નમું? “થઈ ગયું એ થઈ ગયું.” આવા ભાવમાં ભવિષ્યમાં જે સોહામણું સુખ બે જણ વચ્ચે શક્ય બનતું હોય છે એ માણવાથી ચૂકી જવાય છે. હૈયું કહેતું હોય કે જવા દે, ગઈ-ગુજરી ભૂલી જા પણ સ્વભાવ અને મન સ્પીડબ્રૅકર બને. એને વટાવી જવાનો અવસર આજે આવ્યો છે. જેની સાથે બગડ્યું કે બગાડ્યું છે એમને મળો, ફૉન કરો, વાત કરો અને સાચા હ્રદયથી કહી દો, “મિચ્છામિ દુક્કડમ.” ખૂબ સારું લાગશે. સાચે શાતા અનુભવશો. ઓછામાં પૂરું, એ એક જ પળ પછી જેને ખોઈ બેઠા હશો એ સ્વજનો સાથે ફરીવાર સુંદર પળો માણવાનો મોકો મળશે. સૌથી સારી વાત એ થશે કે હૈયા પરથી એક બોજ કાયમ માટે ઊતરી જશે. આજના આ પાવન પ્રસંગનો હેતુ આવું થાય તો પાર પડે. હવે શાના વિચાર કરો છો, કહી સો સૌને મિચ્છામિ દુક્કડમ.

– કલ્પના જોશી

એક મિત્રનો હમણાં એસએમએસ આવ્યો જે અહીં શબ્દશઃ ટાંકવા જેવો છે: “કોણ કહે છે સંગ તેવો રંગ? માનવી શિયાળ સાથે નથી રહેતો તોય લુચ્ચો છે, વાઘ સાથે નથી રહેતો તોય ક્રુર છે અને કૂતરાંઓ સાથે રહે છે તોય વફાદાર નથી.” થોડાક જ શબ્દો પણ જાણે આખી માણસ જાતનું પરફૅક્ટ માપતોલ. કેમ આવા થઈ ગયા છે માણસો? કેમ કે બધાને બીજા કશાયથી પહેલાં પોતાનો જ વિચાર આવે છે. નવાઈ પણ નથી. જે પ્રકૃતિએ માણસને સર્વસ્વ આપ્યું એનો જ કચ્ચરઘાણ કાઢવામાં માણસને શેહ-શરમ નડતી નથી તો બીજા શા દાખલા આપવા?
અમુક પ્રાકૃતિક લક્ષણો જે સમય સાથે, ઉંમર સાથે અને અનુભવ સાથે વ્યક્તિત્ત્વમાં વણાઈ જાય છે એનાથી જો કે બચવું સારું. પાટણના પટોળાને જાપાનના પૉલિસ્ટરથી બનાવો તો પટોળું પણ નઠારું લાગે. જે વાત જેમ થતી હોય તેમ જ થાય અને માણસ જો અંદરખાનેથી સાચો, સારો અને નિષ્પાપ રહે તો જ માણસનો જન્મારો સાર્થક થાય. એવું ના થયું તો મળ્યું એ બધું નકામું અને કર્યું એ બધું કચરામાં. તવારીખે કાયમ ઉમદા માણસોને યાદ રાખ્યા છે. ક્રુરતા, લુચ્ચાઈ અને બેઇમાનીવાળા લોકોનો એમાં ઉલ્લેખ છે તો એ નવી પેઢીને ચેતવવા માટે કે બધું બનજો પણ આવા નહીં બનતા. તવારીખની અસર વળી યોગ્ય જ પડતી હશે એટલે આજે પણ લાખો લોકોને ગાંધીજીના માર્ગે ચાલવું છે પણ એવું એકપણ માણસને બોલતા સાંભળ્યો નથી કે મારે હિટલર બનવું છે. હવે બોલો, કેવા માણસ બનવું છે અને કેવી છાપ ઊભી કરવી છે?

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

રણકાર * Rankaar 26 08 2010


(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

રણકાર * Rankaar (25 08 2010)

સફળ થવામાં મોડું થાય તો જરાય નાસીપાસ નહીં થતા, કેમ કે અદભુત સ્થાપત્યને ઊભું થતા કાયમ બધુ સમય લાગે છે.

– અજ્ઞાત

આસાનીથી જેને સફળતા મળી છે એ લોકોને સલામ. ભગવાન પોતે અનેક રૂપધારી છે, અનેક ધર્મધારી છે તો એણે માણસોને પણ અનેક પ્રારબ્ધધારી બનાવ્યા એમાં નવાઈ શી? ધર્મની ધજા ફરકાવનાર ઇશ્વર જેવા ઇશ્વરને પણ એની ધારણા કે ઇચ્છા મુજબ ક્યાં સમયસર સફળતા મળી છે? એમ થાત તો રાવણ થોડો સીતાહરણ કરી શકત? કે મહમ્મદ પયગંબરે એમના ગામેથી હિજરત કરવી પડત? અને ઇશુ ખ્રિસ્તને આવી રીતે હડધૂત થવું પડત?

જે થાય છે એ બધું જ કશાક ચોકક્સ પરિણામ માટે થાય છે. સુનામીને પણ કદાચ કારણ હશે અને અતિવૃષ્ટિને પણ આશય હશે. સૌથી મહત્ત્વના દાખલા છે વિશાળ દરિયા અને અફાટ રણ. કુદરતે એમનું સર્જન જ આખી ગોઠવણ સારી રીતે ચાલ્યા કરે એ માટે કર્યું છે એમાં બેમત હોઈ શકે નહીં. કોઈકને એની ઇચ્છા કે ઉતાવળ મુજબ સફળ થતા સમય, ભાગ્ય કે ગેબી કારણો રોકે તો એની પાછળ પણ કશુંક પૂર્વયોજિત હશે જ. પાપડ અડધી મિનિટમાં શેકાય અને બાટીને પાકતા ખાસ્સો સમય લાગે. નિંદામણ ગમે ત્યારે ઊગી નીકળે અને આંબાને અંગ અંગમાં ફળથી લચી પડવામાં વરસો લાગે. એટલે જ એ ધ્યાન રહે કે નાસીપાસ થયા વિના, દિશા ખોયા વિના જે સિદ્ધ કરવું છે એ માટે જ સતત પ્રયત્નશીલ રહીએ. વખત એ પણ એક ખત જ છે જેના પરબીડિયામાં શું છે એ યોગ્ય વખત આવ્યે જ ખબર પડે. આવશે, વખત આવશે અને વજૂદ પાછળનાં વિરાટ સપનાં પણ સાકાર થશે. આ શ્રદ્ધા સાથે જ સવારને સલામ કરો અને ચાલો, શરૂ કરી દો દિવસ.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/a2lrYb)