Tag Archives: આત્મવિશ્વાસ

સુંદર કોણ છે, કેટલું છે? (સન્ડે રણકાર * Sunday Rankaar 22 08 2010)

સંજય વિ. શાહ

મહેમૂદની ૧૯૭૧ની ફિલ્મનું ટાઇટલ હતું, મૈં સુંદર હૂં. એમાં મહેમૂદને મસ્ત કદરૂપો બતાવાયો હતો. છતાં એ સુંદર હતો અને પછી દેખાવડો થાય છે. બહ્હુ ફરક છે સુંદર હોવામાં અને દેખાવડા હોવામાં. રૂપની સમજણ જિંદગી પર જુવાનીની ધૂપ ચડે પછી આવે. બાળપણમાં રૂપ વિશે બેફિકરાઈ હોય એટલે દરેક બાળક રૂપાળું હોય છે. કિશોરાવસ્થામાં કુતૂહલ હોય એટલે રૂપાળામાંથી દેખાવડા થવાના ધખારા શરૂ થાય. જુવાની આવે કે અસ્તિત્વ અને અપીરિયન્સ વચ્ચે રૅસ શરૂ થઈ જાય. એના પછી શૃંગારસુખ અને અરીસાવેડા આદત બનતી જાય.

રૂપનું એક ઔર રહસ્ય છે. વધતી ઉંમરે એમાં ઝાંખપ આવે તો પણ પોતાને તો એમ જ લાગ્યા કરે કે હું હજી સરસ દેખાઉં છું. ચાલીસીથી આ દોર શરૂ થતો હોય છે. વીસી-ત્રીસીમાં રૂપાળા દેખાવાને ધમપછાડા થાય, ચાલીસીથી દેખાવડા થવાના પ્રયત્નો થવા માંડે. રૂપ આખરે છે શું? દસ ટકા રૂપ અને નેવું ટકા એ રોફ જે હ્રદયમાંથી જન્મે અને આખી પર્સનાલિટી પર લેપની જેમ ફરી વળે. સુંદર દેખાવા માટે સુંદર હોવું જરૂરી નથી, સુંદર ફીલ કરવું જરૂરી છે. ફિલ્મી પડદે દેખાતા દરેક જણ હૅન્ડસમ કે ગૉર્જિયસ કે બ્યુટીફુલ હોતા નથી. એક તો મૅક-અપ અને બીજો આત્મવિશ્વાસ એમને ગમતીલા બનાવે છે. બાકી અમિતાભ બચ્ચન તાડમાં ખપી જ ગયો હતો અને શાહરુખ ખાનના કેશ શાહુડીના કાંટા જેવા કહેવાઈ જ ગયા હતા.

અરીસો જોઈને પોતાના રૂપનું મૂંલ્યાંકન કરવાની ભદ્દી ટેવનો શિકાર બની ગયા છો તમે? એવું હોય તો ચેતી જજો. રાધર, ચૅન્જ થઈ જજો. સૌંદર્યનું સર્જન એ પણ એક કળા છે. પોતાના ચહેરા પ્રત્યે સારો ભાવ હશે તો ક્યાંય કોઈ અભાવ નહીં વર્તાય. પોતાને સુંદર ફીલ કરવું એ સુખી થવાની માસ્ટર કી છે. શરીરે સુંદર દેખાવાનું માત્ર હોય છે પણ એને સુંદર કરવાનું કામ તો હ્રદયે કરવાનું હોય છે. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ સે સફેદ કૈસે એવું રૂપ કે વ્યક્તિત્વની બાબતમાં ચાલે જ નહીં. પોતાની પર્સનાલિટી વિશે જ ઓછું ધારનાર પોતાની જિંદગી વિશે ઝાઝું કાંઈ સારું કરી શકતા નથી. સુંદર છું હું, એ વાત અરીસાના કે દોસ્ત-યારના સર્ટિફિકેટ વિના સાચી છે એ મનમાં ઠસાવી દો. દુનિયામાં કોઈ કદરૂપું નથી હોતું, બસ થોડા ખુશનસીબ લોકોને બીજા લોકો રૂપાળા ગણવા માંડે છે.

સુંદર દેખાવા માટે વર્ક કરવું જ હોય તો એટિટ્યુડ પર કરો. કેમ બોલશો, કેમ ઊભા રહેશો અને કેમ વર્તશો એ નક્કી કરો. દૂધમાં લીંબુના રસનું એક ટીપું પણ ગરબડ કરી શકે છે અને સુંદર હોવા વિશેની લેશમાત્ર શંકા તમને કદરૂપા બનાવી શકે છે. જોનારની આંખમાં સૌંદર્યનું બૅરોમીટર છે તો દેખાનારના હાથમાં સુંદર જ દેખાવાને જિદનું રિમોટ કંટ્રોલ છે. એનો રાઇટ ઉપયોગ કરવાથી રાઉન્ડ ધ ક્લૉક રૂપાળા રહી શકાય છે. તો પછી પ્રૉબ્લેમ ક્યા છે?

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

રણકાર Rankaar for 19 08 2010

રણકાર

આત્મવિશ્વાસ. એક અત્યંત ગજબ છતાં ગેબી ગુણ. સૌની પાસે વિશ્વાસ હોય છે પણ સૌની પાસે આત્મવિશ્વાસ હોવો અઘરો. અભિનેતા ઘણા હોય પણ દિલીપ કુમાર કે આમિર ખાનની જેમ સૌ અભિનય કરી શકતા નથી. આવડતું હોવાનો વિશ્વાસ અને આવડતાને ઉચ્ચતમ શિખરે લઈ જવાનો આત્મવિશ્વાસ, એમાં ફરક છે. વિશ્વાસમાં આત્મા ભળતી હશે તો આત્મવિશ્વાસ સર્જાતો હશે. કે પછી આત્મામાં વિશ્વાસ હોય તો આત્મવિશ્વાસનો સંચાર થતો હશે. ચોથા ધોરણમાં ભણતાં અનેક બાળકોમાંથી એક જ પ્રથમ નંબરે આવે તો એ નૈસર્ગિક બુદ્ધિ અને વિશ્વાસનું ફળ.

એક જ ઉદ્યોગમાં હજારો બિઝનેસમેન હોય અને એક જ જણ ક્યાંનો ક્યાં નીકળી જાય તો એ ગણતરીબદ્ધ બુદ્ધિ અને આત્મવિશ્વાસનું ફળ. જો કે આત્મવિશ્વાસનું પણ સાકર જેવું છે. એ જેટલો હોવો જોઈએ તેટલો જ શોભે. આવડે છે એટલે આગળ વધીશ જ એ વધુ પડતો આત્મવિશ્વાસ છે. તમને આવડે છે તો બીજાને ક્યાં નથી આવડતું? તમારાથી ઓછું આવડતું હશે, કે વધુ આવડતું હશે, પણ આવડે તો છે. એટલે વાત આવે છે આવડવા સાથે કરી બતાવવાની. એના માટે એકધારો રિયાઝ કરવો પડે, શીખ્યાનો સદુપયોગ કરવો પડે. આત્મવિશ્વાસ સપ્રમાણ હશે તો સફળતા પ્રમાણ બહરની મળશે. વધુ પડતો હશે તો લોચો થવાની શક્યતા રહેશે. વિશ્વાસ કાર્ય કરવા પર રાખો અને આત્મવિશ્વાસ એને બીજા બધા કરતાં સારી રીતે કરી બતાવવનો રાખો. લો, આત્મવિશ્વાસ રાખ્યો જ છે તો ને સાચો પાડવા હવે જાત ઘસવા માંડો. એમાં જ તો સર્વસ્વ સમાયેલું છે.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/cdOP5s)

.

સુવિચાર (નવા)

મારા બ્લૉગ પરના સુવિચાર વિભાગની લોકપ્રિયતા જોઈને મેં હવેથી આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરવાનું ઠરાવ્યું છે. સાથે જ, માત્ર લખાણ મૂકે રાખવાને બદલે એમાં સૌંદર્ય ઉમેરવા માટે જેમના સુવિચાર ટાંકીશ તેમની તસવીર મૂકવાની પણ પૂરતી કોશિશ કરીશ. આ વિભાગમાં નિયમિતપણે નવા સુવિચાર ઉમેરાશે તેથી આપ સૌ એની વારંવાર મુલાકાત લેતા રહેજો. તો પ્રસ્તુત છે નવા સુવિચારનો પહેલો મણકો, બુધવાર ૧૮ ઑગસ્ટ ૨૦૧૦ના રોજ…

(સુવિચારના અને સુવાક્યના રસિયાઓને એક જ વિનંતી: આ વિભાગની મુલાકાત લઈને અને એને માણીને તમારી કમૅન્ટ્સ અચૂકપણે લખતા જજો. તમારો પ્રતિભાવ મારા માટે નવું લખવાની ચાનક ચડાવતું ટૉનિક છે. )

________________________

નૈસર્ગિક આવડત વિનાના શિક્ષણ કરતાં શિક્ષણ વિનાની નૈસર્ગિક આવડતે માણસને કીર્તિ અને ગુણના ઉચ્ચ મુકામે ઘણી વધારે વાર પહોંચાડ્યો છે.

– માર્કસ સિસરૉ (રૉમન વક્તા, રાજનીતિજ્ઞ)

________________________

ખરેખરા દુ:ખી લોકો એ છે જેઓ પોતે જે કરી શકતા હોય તે કામ કર્યા અધૂરાં છોડી દે છે. અને એ કામ શરૂ કરી દે છે જે તેઓને સમજાતાં નથી. નવાઈની વાત નથી કે તેઓને છેવટે છેવટે દુ:ખ જ મળે છે.

– જોહાન ગૅર્ટા (જર્મન કવિ, નાટ્યકાર)

________________________

વહીવટી (એક્ઝિક્યુટિવ) આવડત એટલે શું કરવું છે એ ફટાફટ નક્કી કરવું અને પછી એ કામ કરવાને એટલી જ જલ્દી કોઇકને શોધી કાઢવું.

– જૉન પૉલાર્ડ (અમેરિકન રાજકારણી)

________________________

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ.

– બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ)

________________________

બે પ્રકારના માણસો હોય છે, એક જેઓ (ક્યાં જવું તેનું) માર્ગદર્શન પૂછશે અને બીજા, જેઓ (પોતાની મેળે) પોતાનો રસ્તો શોધી લેશે. બન્ને જણ એમની મંજિલ સુધી પહોંચશે ખરા પણ )પહોંચવાનો) સંતોષ બીજા પ્રકારમાં ઘણો વધારે છે.

ડૉમિનિક સ્લાઇવર (લેખક)

________________________

રણકાર * rankaar (19 07 2010)

રણકાર


આમ જુઓ તો બધા માણસો એકસરખા પણ બધા નોખા નોખા. શરીર એકસરખું પણ અદાઓ નોખી નોખી અને અંદાજ નોખા નોખા. ઉંમરની સાથે સાથે માણસમાં ફેરફાર આવતા જાય. અને પછી ક્યારેક એવું પણ થાય કે ઘણાને પોતાના કરતાં બીજાની પર્સનાલિટી વધુ આકર્ષક લાગવા માંડે. કોઈકને પોતાના ચહેરાથી, કોઈકને કદથી, કોઈકન વધેલા પેટથી તો કોઈકને પાતળી કમરથી વાંધો હોય. જેને વજન વધારે છે એ ઘટાડવા મથે છે અને જેનું ઓછું છે એ વધારવા ધમપછાડા કરે છે. કરો કરો, દેખાવડા થવા અને ખાસ તો કાયમ તંદુરસ્ત રહેવા માટે શરીરને યોગ્ય ઘાટમાં રાખવું પણ જરૂરી છે. એવું કરતી વખતે પણ પોતાના પ્રત્યે અભાવ કે અણગમો ના થાય એની બસ કાળજી રાખો. પર્સનાલિટી જેવી છે એ સારી જ છે. પોતાને જેવા હોઈએ તેવા સ્વીકારી લેવામાં બહુ મોટું સુખ છે. એમ કરવાથી પોતાના દરેક કાર્યમાં જુસ્સો અને આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે. મગજનો એક મોટો ભાગ જો, “કેવો લાગું છું” અને “લોકો શું વિચારતા હશે” એવા વિચારમાં અટવાયેલો રહે તો એણે જે કામ કરવાનાં છે એ કામ એ કેવી રીતે કરી શકે? દેખાવડા થવા માટે મથો પણ દેખાવ વિશે નહીં. પોતાને નિખારો પણ પહેલાં કાર્યથી અને સિદ્ધિઓથી. એનાથી જ સાચી ઓળખ છે અને એનાથી જ જીવનની સાર્થકતા પણ છે. રામ કેવા દેખાતા હતા એ આપણે નથી જાણતા પણ રામે જે સિદ્ધાંતો સર્જ્યા એ આજે પણ આપણને પ્રિય છે. જેનાથી આપણે અને આપણું જીવન પ્રભાવિત છે એવા કેટલાય લોકો કેવા દેખાતા હતા એ આપણે ક્યાં જાણીએ છીએ? તો પછી વધારે મહત્ત્વનું શું છે એ સમજવા કોઈ ડિગ્રીની જરૂર છે ખરી? નથી, જરૂર છે માત્ર સાચી સમજની અને એ તો છે જ સૌની પાસે. રાઇટ?
– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR on 19 July 2010)
(Photo courtesy – http://www.revolutionhealth.com/groups/borderline-world/icon/index/)