Tag Archives: gujarat

રણકાર Rankaar for 19 08 2010

રણકાર

આત્મવિશ્વાસ. એક અત્યંત ગજબ છતાં ગેબી ગુણ. સૌની પાસે વિશ્વાસ હોય છે પણ સૌની પાસે આત્મવિશ્વાસ હોવો અઘરો. અભિનેતા ઘણા હોય પણ દિલીપ કુમાર કે આમિર ખાનની જેમ સૌ અભિનય કરી શકતા નથી. આવડતું હોવાનો વિશ્વાસ અને આવડતાને ઉચ્ચતમ શિખરે લઈ જવાનો આત્મવિશ્વાસ, એમાં ફરક છે. વિશ્વાસમાં આત્મા ભળતી હશે તો આત્મવિશ્વાસ સર્જાતો હશે. કે પછી આત્મામાં વિશ્વાસ હોય તો આત્મવિશ્વાસનો સંચાર થતો હશે. ચોથા ધોરણમાં ભણતાં અનેક બાળકોમાંથી એક જ પ્રથમ નંબરે આવે તો એ નૈસર્ગિક બુદ્ધિ અને વિશ્વાસનું ફળ.

એક જ ઉદ્યોગમાં હજારો બિઝનેસમેન હોય અને એક જ જણ ક્યાંનો ક્યાં નીકળી જાય તો એ ગણતરીબદ્ધ બુદ્ધિ અને આત્મવિશ્વાસનું ફળ. જો કે આત્મવિશ્વાસનું પણ સાકર જેવું છે. એ જેટલો હોવો જોઈએ તેટલો જ શોભે. આવડે છે એટલે આગળ વધીશ જ એ વધુ પડતો આત્મવિશ્વાસ છે. તમને આવડે છે તો બીજાને ક્યાં નથી આવડતું? તમારાથી ઓછું આવડતું હશે, કે વધુ આવડતું હશે, પણ આવડે તો છે. એટલે વાત આવે છે આવડવા સાથે કરી બતાવવાની. એના માટે એકધારો રિયાઝ કરવો પડે, શીખ્યાનો સદુપયોગ કરવો પડે. આત્મવિશ્વાસ સપ્રમાણ હશે તો સફળતા પ્રમાણ બહરની મળશે. વધુ પડતો હશે તો લોચો થવાની શક્યતા રહેશે. વિશ્વાસ કાર્ય કરવા પર રાખો અને આત્મવિશ્વાસ એને બીજા બધા કરતાં સારી રીતે કરી બતાવવનો રાખો. લો, આત્મવિશ્વાસ રાખ્યો જ છે તો ને સાચો પાડવા હવે જાત ઘસવા માંડો. એમાં જ તો સર્વસ્વ સમાયેલું છે.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://bit.ly/cdOP5s)

.

રણકાર * Rankaar for 19 08 2010

રક્તદાન કરવા જઈએ ત્યારે સૌથી પહેલું કામ બ્લડ ગ્રુપ ચેક કરવાનું થાય. પણ કોઈને પૈસા આપીએ તો ક્યારેય કોઈએ એનું ગ્રુપ ચેક કર્યાનું ક્યાંય સાંભળ્યું નથી. પૈસા સારા કામના છે, કે ખરાબ કામના? હાયના છે કે ન્યાયના છે? સતના છે કે અસતના? આ બે-ચાર વાક્યો હાલમાં જ વાચ્યા અને મન ચકરાવે ચડ્યું. ધનને બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે જીવન સાથે. પૈસા વિના ગાડું ચલાવવું અશક્ય જ. પણ પૈસા કેવી રીતે કમાયા છીએ એના પર મનોમંથન થવું જ જોઈએ. એટલી હદે કે હરામના સો રૂપિયા પણ ઘરમાં આવવા જોઈએ નહીં. લોકો ખોટાં કામ કરતા હોય તો કરવા દો. ઇમાનદાર હોવાથી પાછળ રહી ગયા છો તોય અફસોસ નહીં કરો. યાદ રાખજો કે પૈસા ખરેખર તો એટલા જ ખપતા હોય છે જેટલાથી નિરાંતે સમય વીતે. એ પછી ઝાઝા આવશે તો પણ પૈસા મહત્ત્વના નથી. હિસાબની બહાર સંપત્તિ ભેગી કરવાની દડમજલમાં હિસાબની બહાર હેરાન થવાનો શો ફાયદો? અને ખરાબ પૈસો કમાઈને અંતરાત્મા ડંખે તો કમાયાનો અર્થ શો?

વીસ વરસની ઉંમરે સિકંદર ગ્રીસનો રાજા બન્યો, અને ૩૧ વરસનો થયો ત્યાં સુધીમાં સિરિયા, બેબીલૉન, ઇરાન, અફઘાનિસ્તાન… કેટલાય દેશ એણે કબ્જે કર્યા. તો શું? એનાથી એ અમર નહીં થયો અને સો માણસનું ભોજન ખાતો નહીં થયો. સાચું કમાઈને સાચું રહી શકાશે તો પથારી મખમલની હશે કે કંતાનની ઊંઘ તો મીઠી જ આવશે. સુખેથી જાગવા અને સંતોષથી ઊંઘવા ઘરમાં આવતા પૈસાનું ગ્રુપ ચેક કરી લેજો હવેથી.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://www.markchurms.com/index-military-art-prints.html)

રણકાર * Rankaar for 18 08 2010

શ્રાવણ મહિનો છે. શોખને કાજે કેટલાય લોકો પાનાં ટીચતા હોય છે આ માસમાં ક્યાંક તીન પત્તી રમાય તો ક્યાંક રમી. ઠેક છે ભાઈ, જેને જે શોખ અને જેને જે રમત ગમી. રમતના અમુક નિયમ જો પાળી શકાય તો રમતમાં હારવાની શક્યતા ઓછી થઈ જાય. અને આ વાત પત્તાંની નથી, પ્રિય જિંદગીની છે. નિયમ એ છે કે રમત એ શરૂ કરવાની જે રમવાની હોંશ મનમાંથી છલકે. તન સાથે મન જે રમતમાં જોડાય છે એ રમત જ ખરો આનંદ બની જાય છે.

જ્યાં આનંદ હોય ત્યાં હાર પહેલાં તો ખમવી પડતી નથી અને હારવું પડે તો હાર આકરી થતી નથી. પછીનો નિયમ એ છે કે રમતમાં ત્યાં સુધી ટકી રહેવું જ્યાં સુધી છેલ્લી ક્ષણ બાકી હોય. અધવચ્ચે રમત છોડવી, આશાને નિરાશા બનાવી નાખવી એ યોગ્ય નથી. મેદાનમાં ટકી રહેશો તો વિજયનું વરદાન મળે. રમતનો એક આકરો નિયમ એ પણ છે કે પોતાની મર્યાદા અને ક્ષમતા, બેઉને બરાબર ધ્યાનમાં રાખીને જ રમત રમવી. કોઈ ગમે તે કહે અને મન ગમે તેટલું ઉછળે, આપણે હદમાં રહેવાનું. બેહદ થવું એ બરબાદી નોતરવાની નિશાની છે. રમતનો હજી એક સુંદર નિયમ છે. રમત કોઈપણ હોય, આજે એ ના આવડતી હોય અને રમવાની ઇચ્છા થતી હોય તો એ શીખી શકાય છે. પછી મેદાનમાં ઉતરતા કોણ રોકે છે? આ બધી જ વાત હવે કામકાજ, વહેવાર, સંબંધ અને દરેક અનુસંધાનમાં મૂલવી અને સમજી જુઓ. શક્ય છે કે બધી જ રમતમાં કાબેલ ખેલાડી થવાનો માર્ગ મળી આવે.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://picturemyworld.cafod.org.uk/2009/08/26/2876/)

rankaar for 31 07 2010

રણકાર

પોતાનો મૉબાઇલ ફ્રેન્ડને આપતા રાજુલે કહ્યું, “આને કહી દે કે હું ફોન ભૂલી ગઈ છું તારે ત્યાં… અને જે મેસેજ હોય તે લઈ લે.” અને ફ્રેન્ડ બિચારીએ રાજુલના કહેવા પર અમલ કર્યો. મૉબાઇલ જ્યારે વસ્ત્રોની જેમ શરીર સાથે વળગી ગયા છે ત્યારે એ દિવસો યાદ આવે છે જ્યારે કોઈકનો કૉલ રિસિવ કરવા નિયત સમયે રાહ જોતા ઊભા રહેવું પડતું. કે પછી બહારગામ વાત કરવા ટ્રંક કૉલ બૂક કરાવવો પડતો કે પૉસ્ટ ઑફિસ જવું પડતું. હવે માણસો ઑલવેઝ એક્સેસીબલ છે. દસ નંબરની દુનિયાએ દુનિયાના દરેક માણસને સંપર્કેબલ અર્થાત્ ઇચ્છો ત્યારે વાતચીત કરવા ઉપલબ્ધ કરી દીધા છે. પણ મૉબાઇલ લીધા પછી અને હોંશે હોંશે પોતાનો નંબર પ્રસાદીની જેમ બધાને વહેંચતા ફર્યા પછી એવા કૉલ્સ પણ આવે જે રિસિવ કરવાની ઇચ્છા ના થાય. કોઈક માથું ખાતું હોય તો કોઈક એવા સમયે કૉલ કરે જ્યારે મગજ ચોક્ક્સ ધૂનમાં ખોવાયેલું હોય. પણ એનો અર્થ એવો નથી કે કોઈની ઉપેક્ષા કરવી.

મૉબાઇલ વસાવ્યા પછી એનો ઉપયોગ સાચી રીતે કરતાય આવડવો રહ્યો. નિયમ સાદા છે. જેને આપવો ના હોય એને આપણો નંબર ક્યારેય નહીં આપવાનો. ખોટા સમયે ફૉન કરનારને પણ કમ સે કમ એસએમએસ કરીને જવાબ દેવો કે હમણાં વાત કરવી શક્ય નથી. અણગમતા માણસને ટાળવાથી બહેતર છે કહી દેવું, તમે મને ફૉન ના કરો તો શ્રીફળ વધેરીશ. અને સૌથી અગત્યનો નિયમ કે આપણે પણ કોઈને જસ્ટ ટાઇમ પાસ માટે ફૉન કરવો નહીં. જેની પાસે મૉબાઇલ છે એ સૌ આપણી બૈરી કે આપણો બૉયફ્રેન્ડ કે આપણું અંગત માણસ નથી હોં. વાતચીત કરતી વખતે, સિવાય કે વાતચીત થતી જ હોય અમસ્તી, કોઈ દિવસ અમસ્તી વાતો નહીં કરવાની. ખપ પૂરતી વાત એ ખરી કળા છે. અને જે સમયે કામઢા હોઈએ કે ધૂનમાં ખોવાયેલા હોઈએ ત્યારે મૉબાઇલ સ્વિચ ઑફ્ફ કરતા કોણ રો઼એ છે? સાધનને સાધન તરીકે વાપરો તો એ સગવડ છે, બાકી સંતાપ. ચાલો, આ મૉબાઇલ વાગ્યો… હવે કાલે વાત.

– કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

(Photo courtesy – http://symbianv3.com/ways-to-protect-yourself-from-bad-effects-of-phone/)