Posted by: egujarati on: તારીખ મહિનો, વર્ષ
રણકાર
પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવવાની તમને આદત છે? સાંભળો તો ખરા, અને સાથે સાથે સમજો પણ ખરા. બધાને અહીં સફળતાનો શ્રેય એકલા લેવાની અને નિષ્ફળ થયે દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવાની વૄત્તિ માફક આવી ગઈ છે. સફળતાના ભાગે નકરી પ્રશ્સ્તિ અને વાહવાહી આવવાનું અને નિષ્ફળતાના ભાગે માત્ર તિરસ્કાર આવવાનું આ એક મુખ્ય કારણ છે. વાસ્તવમાં, કોઈ અહીં કોઈને સફળ કરી શકતું નથી અને કોઈ કોઈને નિષ્ફળ પણ નથી જ કરી શકતું. તમામ પરિબળોને ધ્યાનમાં રાખો તો વાત સમજાઈ જશે. સફળતા મેળવનારને મદદરૂપ થનાર લોકો, સંજોગો અને કારણો હશે એ ખરું, તો પણ જેણે સફળતા મેળવી છે એને ક્યારેય તુચ્છ તો ગણી શકાય નહીં. વ્યક્તિમાં પોતાનામાં એક શક્તિ હોવી જોઈએ, એ ખાસ આવડત હોવી જોઈએ જે એને એટલી સક્ષમ કરે કે મળતી તક, ઉજળા સંજોગ, કોઈકની મદદ અને નસીબની યારી, એ બધાનો લાભ એને મળે. આવો લાભ પાછો માત્ર સારી શરૂઆત જ કરાવી શકે, સાતત્ય અને નિયમિતતા માટે તો વ્યક્તિએ પોતે જ સતર્ક અને સક્ષમ થવું પડે. નિષ્ફળતા મળ્યા પછી સફળ થનારને ઉતારી પાડવાનું કામ મૂર્ખ કરે, જેને નવેસરથી સફળ થવા પ્રયત્નશીલ નથી થવું એ કરે. તમારે શું કરવું છે? આજ સુધી મળેલી નિષ્ફળતા માટે બીજાને દોષી ઠરાવીને છો ત્યાંના ત્યાં રહી જવું છે? યાદ રાખજો, એક, બે કે પચાસ નિષ્ફળતા મહત્ત્વની નથી, સફળ થવા માટેનો વધુ એક દ્રઢ નિર્ધાર જ મહત્ત્વનો છે. એ નિર્ધાર માત્ર એવા લોકો કરી શકે જે બીજાને આરોપ આપવામાં અને પોતાની નિષ્ફળતાનાં રોદણાં રડવા સિવાયનાં કાર્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી જાણે છે. શું કરવું છે હવે? કાયમી નિષ્ફળતા સ્વીકારવી છે કે નવી સફળતા માટે સજ્જ થવું છે?
- કલ્પના જોશી
Posted by: egujarati on: તારીખ મહિનો, વર્ષ
બિઝનેસમાં ઘણાને એક કહેતા અને અમલમાં મૂકતા જોયા છે. સૌ કહે છે કે બિઝનેસમાં કોઈ કાયમી મિત્ર નથી હોતો અને કોઈ કાયમી શત્રુ નથી હોતો. એનો એક અર્થ એવો પણ થાય કે બિઝનેસમાં પોતાના લાભ ખાતર માણસ ગમે ત્યારે, ગમે તેને પોતાનો કરી શકે છે અને ગમે ત્યારે, ગમે તેને પારકો કરી શકે છે. ચાલ્યા કરે, બિઝનેસનો મતલબ જ પોતાની પ્રગતિને સૌથી વધુ પ્રાધાન્ય આપવું એવો થાય. પરિવારમાં કેમ માણસો એવું નથી કહેતા અને અમલમાં મૂકતા કે પરિવારમાં કોઈ ક્યારેય આપણો શત્રુ નથી હોતો? વેપારમાં પોતાના મતલબથી મળતાવડા થઈ જવું એ જાણે કે સમજાય એવી વાત છે પણ પરિવારમાં મન ખાટાં થાય પછી બધુ પૂર્વવત્ કરવા માટે કેમ ઝટ કોઈ પહેલ કરતું નથી? કેમ કોઈ એ વાત સમજતું નથી કે પારકા તો પારકા રહી શકે છે આખી જિંદગી પણ પરિવાર ગમે તેટલો પારકો કરી નાખો તો પણ એ પોતાનો જ રહે છે. દુનિયામાં જેમ દરેક માણસ એકમેકથી જુદા હોય છે એમ પરિવારમાં પણ બે માણસો એકસરખા હોઈ શકવાના નથી. પારકાને મદદ કરવામાં કશું ખોટું નથી હોતું પણ યાદ રહે કે એ મદદ અનેકવાર છેવટે તો નિરર્થક અને નકામી સાબિત થાય છે. બહુ ઓછી વાર એવું બને છે કે માણસ પારકો હોવા છતાં સાચા મનથી આપણો થઈ જાય છે. પરિવારમાં માણસને ગમે તેટલો પારકો કરો તો પણ એ અંદરખાને, સાચા દિલથી તો પોતાનો જ રહે છે. પરિવાર માટે કરેલું લાભદાયી બને કે ના બને પણ નુકસાનકારી નથી બનતું. કદાચ પૈસેટકે એમ લાગે કે આમાં નુકસાન થયું તો યાદ રાખવું રહ્યું કે પૈસાથી ક્યાંય વધુ મહત્ત્વનો છે સંબંધ. પરિવાર માટે ઘસાવાથી માણસ કંચન બને છે. એને પોતાના આયખાને લેખે લગાડવાનો મોકો મળે છે. એટલે, બિઝનેસમાં ભલે કાયમી મિત્રતા-શત્રુતાના જૂના પાઠ યાદ રાખો, પરિવારમાં તો આ નવો નિયમ જ અફર રાખીએ. – કલ્પના જોશી
Posted by: egujarati on: તારીખ મહિનો, વર્ષ
રણકાર
માત્ર એ માણસ ભૂલ કરતો નથી જે ક્યારેય કશું પણ કામ કરતો નથી.
- રૂઝવૅલ્ટ
ભૂલ કરનારને કોણ અહીં સારો માણસ ગણે છે? કોઈ નહીં. સિદ્ધિ, સફળતા, નામના અને પ્રતિષ્ઠાની પૂજારી છે આ દુનિયા. એ બધું મેળવવા માટે જો કે ઘણા પાપડ વણવા પડે છે. સહેલાઈથી જે આંબી શકાય એ સીમાચિહન કેવી રીતે સીમાચિહન હોવાનાં? મહેનતપૂર્વક આંબી શકાતાં સીમાચિહન માટે એકલી મહેનત નહીં પણ નિષ્ફળ જવાની પૂરેપૂરી તૈયારી રાખવી પડે. ટ્રાયલ ઍન્ડ ઍરર અર્થાત્ અખતરો કરો અને ભૂલ કરો એ નિયમથી ડરવાનું નથી, એનાથી પ્રેરણા મેળવવાની છે. ભૂલ વિના ભવનો ઉદ્ધાર નથી. ભૂલ વિના ભવ્યતા નથી કે નથી સફળતા. સૄષ્ટિ જેવી સૄષ્ટિ પણ ભૂલ કરે છે. ક્યારેક એ ઓછો તો ક્યારેક વધુ પડતો વરસાદ મોકલી નથી દેતી? ભગવાને પણ ક્યાં ભૂલ નથી કરી? ભૂલ થવી એ સ્વભાવિક બાબત છે, ભૂલ કર્યા પછી એનો સ્વીકાર નહીં કરવો અને નાસીપાસ થવું એ બેઉ ચિંતાજનક બાબત છે. બાળક જેટલી ભૂલ પુખ્ત માણસો નથી કરતા એટલે જ બાળકો શીખે છે. એટલે જ બાળકોને એમની ઉંમર કરતાં વધુ જ્ઞાન મળી રહે છે. પ્રવૄત્તિ એ પ્રગતિનો પાયો છે. ભૂલ થવાથી ડરશો તો જિંદગી અણધાર્યા આનંદ આપવાથી ડરશે. ભૂલ નહીં કરો તો સત્ય અને અસત્ય, ઉત્તમ અને કનિષ્ઠ વચ્ચેનો ભેદ સમજાશે નહીં. આગળ વધવા માટે કોઈક દિવસે પાછીપાની થાય તો પણ અડીખમ ઊભા રહેવાનું. એમાંથી શું શીખ મળે એના પર ધ્યાન રાખવાનું, દુનિયા શું કહે છે એના પર નહીં. આટલું કરનાર જ કશુંક અનોખું અને અત્યંત ઉચ્ચ કક્ષાનું કાર્ય કરી શકે છે.
- કલ્પના જોશી
Posted by: egujarati on: તારીખ મહિનો, વર્ષ
રણકાર
માણસને માણસ બનતા બહુ સમય લગે છે પણ માણસને શેતાન બનતા જરા પણ સમય લાગતો નથી.
- અજ્ઞાત
“ના, પેલાની સાથે એણે ક્યાંય જવાનું નથી…” માએ પોતાના દીકરા વિશે નિર્ણય જાહેર કરી દીધો. પિતા એ સાંભળી રહ્યા. એમનો દીકરો પંદરેક વરસનો. બાળપણનો દેશ છોડી એ જુવાનીના જગત તરફ ડગ માંડી રહ્યો હતો. દીકરાની જેટલી ચિંતા માને અત્યારે થતી હતી તેટલી પહેલાં ક્યારેય થઈ નહોતી. સ્વભાવિક પણ હતું. બાળક તરીકે દીકરાએ જે કર્યું એ બધું નિર્દોષતામાં ખપી ગયું. કિશોરાવસ્થામાં એણે કકળાટ કર્યો હતો તો પણ એમાં બુદ્ધિ કરતાં નાસમજદારી વધુ હતી. સંજોગ હવે બદલાવાના હતા. હવે દીકરો જે કરશે એના પર માબાપનો કડપ રહે એ સહેલું નહોતું અને એ પોતાની ઈચ્છાએ જે કરે તેમાં ગરબડ થવાનો ભય પણ વધારે હતો. એટલે જ તો સાચવવાનું હતું. જો કે મોટા થયા પછી પણ માણસમાંથી જુવાનીનો એ જોશ, અચાનક જ કશુંક અળવીતરું કરી બેસવાની તાલાવેલી ક્યાં જતી રહે છે? તક મળે ત્યારે વિચક્ષણ વ્યક્તિ પણ થોડીક નાદાની, થોડું જોખમ અને થોડી મનમાની કરવાનું ક્યાં છોડે છે? જિંદગી તો ડગલે ને પગલે જાત પર અંકુશ મારવાની ફરજ નિભાવ્યા વિના સારી રહેતી નથી. સારા સૌ હોય છે પણ સારા રહેવું સૌ માટે અઘરું હોય છે. સારા રહેવા માટે ગઈકાલનાં કર્મનું પ્રમાણપત્ર પૂરતું નથી. એના માટે આજનો દેખાવ અને આવતીકાલની સ્પષ્ટતા પણ આવશ્યક છે. પુખ્ત થયા પછી અંદરખાને બાળક રહેવા છતાં પોતાનાં જ માબાપ થઈ વર્તવું પડે છે. ધ્યાન રાખો. સંયમ રાખો. નિયમ રાખો. આપોઆપ જીવન સુખમય થઈ જશે.
- કલ્પના જોશી
તાજા પ્રતિભાવ