Daily Archives: તારીખ મહિનો, વર્ષ

અમથું અમથું

અમથું અમથું લખીએ ચાલો,
શબ્દો ભાગ્યા પકડો-ઝાલો!
કેટકેટલા સંબંધો છે!
સંબંધો કે નરી બબાલો?
જવાબમાં દેવા છે જો તો,
સૌને નર્યા ખેલ-સવાલો!
મને ઘણી છે મારી પીડા,
તમે તમારી રાવ સંભાલો!
અટકે ત્યારે જોરથી અટકે,
જીવન કેવું દિવસો-સાલો!
ઋષિમુનિ ભટકી ગ્યા જેવા
ધરમ થઈ ગયો ધંધો સાલો!
હવે તો મળશે રાહત સાચી
મળી કબર લ્યો પોઢું ચાલો
– સંજય વિ. શાહ ‘શર્મિલ

રણકાર 28 08 2009

રણકાર

જીવન એક બહુ મોટું કૅનવાસ છે. એનાં પર એ બધાં ચિત્રો દોરો જે તમે દોરી શકો છો.

– ડૅની કેય

ઘણા પ્યાલા કાયમ અડધા જ ભરાયેલા રહે છે. આખા ભરાઈ જવાની અને છલકાઈ જવાની ઈચ્છા કાં તો કળા હોવી પણ જોઈએને, એવું કરવા માટે? વિરાટને ફિલ્મો જોવી બહુ ગમે પણ લગ્ન પછી, એના પોતાના શબ્દોમાં કહીએ તો, “બસ યાર, ટૅન્શન એટલાં બધાં છે કે ફિલ્મ જોવાનો સમય જ નથી મળતો.” હકીકત એવી છે કે સમય, પૈસા સહિત બધું જ વિરાટ પાસે છે, જો કંઈ નથી તો એ છે ભરપૂર જીવવાની હોંશ. રસોઈકળામાં જેના દાખલા એક જમાનામાં સૌ આપતા એવાં વીણાબહેનનો દાખલો પણ કંઈક આવો જ હોં. “કાંઈ નહીં હવે, બે ટાઈમ રાંધી નાખવાનું… મારી તો જિંદગી જ રસોડામાં ભરાઈ રહેવા માટે સર્જાઈ છે…” એવું બોલી તેઓ રોજેરોજ લોકોને ખવડાવે પણ પોતે ક્યારેય સંતોષનો ઓડકાર ખાઈ શકતાં નથી. મંદિરના પૂજારીને ભગવાનમાં જ રસ ન રહે તો વિચારો શું થાય? જીવનમાં જે કાર્ય કરવાનો સમય હોય, જે ઓછી ઈચ્છાએ પણ કરવું પડે એવું કામ હોય એ ભગવાનથી ઓછું કશું જ ન હોય. રોજ કંઈક અનોખું, સાવ અલાયદું અથવા અળવીતરું પણ નહીં કર્યું તો ભલા શું કર્યું ચોવીસ કલાકમાં? મૂળ રંગોની જેમ, સાત સુરોની જેમ જીવનની અણગમતી પરિસ્થિતિ પણ કાયમ માથા પર અફળાતી રહેશે. પચાસ લાખની કાર અને પાંચ કરોડનો બંગલો હશે તો પણ. માથા પર હજારોનું દેવું રહેશે તો પણ. ક્યાં જશો અણધારી આવનારી વાતોથી બચીને? કંટાળાજનક લાગતી જવાબદારીઓથી બચીને? એટલે જ સુધરી જવું પડે. છલકતો પ્યાલો બની જવું પડે. આત્મીય સુખ તો પોતાના આત્માને  રાજી રાખીને જ સર્જાય. એમાં બીજા કોઈ મદદરૂપ થઈ શકે નહીં. ક્યાં છે પેલી પીંછી જેનું નામ ઉત્સાહ છે અને એ કાગળ જેનું નામ કાર્ય છે? બેઉનો સરસ સમન્વય સાધી લો પછી જુઓ, કેટલા નવા રંગ ભરાવા માંડે છે જીવનમાં!

– કલ્પના જોશી