Daily Archives: તારીખ મહિનો, વર્ષ

યમરાજાએ યાદ કર્યા છે!

ચાલો, સંકેલો બધો પથારો, તમારો વારો પૂરો થયો,

યમરાજાએ યાદ કર્યા છે!

રમવા માટે એણે તમને, વરસ નામના સુંદર થોડા,

પાચીકાઓ દીધા’તા,

ઉંમર નામની નાજૂક-નમણી, એક થેલીમાં દઈ-સજાવી,

તમને રમતા કીધા’તા,

રમતા રમતા શું રમ્યા ને શું હાર્યા તમે શું જીત્યા?

પાપ નામની અંચઈઓ ને પુણ્ય નામની બધી જીતો,

ચાલો હવે હીસાબ માંડો, તમારો ખેલો પૂરો થયો,

યમરાજાએ યાદ કર્યા છે!

પહેલાં તો થોડા પાચીકા, નિર્દોષ થઈને તમે જગતના,

મેદાન ઉપર વેરી નાખ્યા,

પછી તમારી થેલીમાંના, સૌથી સુંદર પાચીકાઓ,

મસ્તીમાં ખંખેરી નાખ્યા,

બાકી રહ્યા’તા જે દિવસે કૄષકાય ને નબળા પાચીકા,

તમે કરી ફરિયાદ પ્રભુને, મારો દાવ વધારી આપો,

ચાલો હવે એ હદને મૂકો, તમારો થેલો પૂરો થયો,

યમરાજાએ યાદ કર્યા છે…

તમારી પાસે પરભુના, ઉપકારની સામે દેવા જેવું

કાંઈ નથી શું ઉત્તર દેશો?

વ્યાજની વાતને પડતી મેલો, મુદ્દલની ઉધાર ફીટવવા,

કાંઈ નથી શું પોરસ કરશો?

જીવનના મેદાન ઉપર જે, આડીઅવળી ચાલ્યા ચાલો,

તમારે રહેવું સ્વર્ગમાં પણ, સામાન ભર્યો છે નર્કનો ઠાલો,

ચાલો હવે બહાના શોધો, તમારો રેલો પૂરો થયો,

યમરાજાએ યાદ કર્યા છે…

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

(જુન ૧૯૯૫માં લખેલી મારી કૄતિ)