Tag Archives: ગુજરાતી

રણકાર * Rankaar (13 07 2010)

રણકાર

ગરીબ માણસના ભોજનમાં હોય એવી કેટલીયે ચીજોનાં નામ અમીરોને ખબર સુધ્ધાં હોતાં નથી. અને અમીરો જે ખાય એમાંની ઘણી ચીજોની તો ગરીબોએ કલ્પના પણ કરી હોતી નથી. કમાલ નહીં તો શું છે આ? હજાર હાથવાળાએ બનાવેલી વસ્તુઓમાંથી જ બને છે જાતજાતનાં ભોજન, પણ બે હાથવાળાને લીધ એનાં રૂપ, રંગ અને એના ખાનાર વચ્ચે કેટલો મોટો તફાવત આવી જાય છે. ભોજમાં ભોજ છે અને જન પણ છે પણ કયો જણ ભોજ અને કયો ગંગુ તેલી એ કોને ખબર છે? આ શી કરામત છે અને આ વળી શી આફત છે? આ કેવો ભેદ છે અને આ કેવો ખેલ છે? ભોજન વિશે એક સાદી સમજ હોવી જરૂરી છે કે જે માણસને જે મળ્યું છે એ ઉત્તમ છે અને યોગ્ય છે. લગભગ આપણે સૌને બીજાના ભોજન વિશે ઇચ્છા કે અનિચ્છાએ, સમજણથી કે મૂર્ખામીથી, ક્યારેક અયોગ્ય બોલતા સાંભળીએ છીએ. એવું બોલીને મળે છે શું? અને બીજાના અન્નને હલકું લેખાવીને પેટમાં પડે છે શું? હશે, જેને જે સંસ્કાર મળ્યા, જેને જે જીવન મળ્યું, એના આધારે નક્કી થયું કે એ ખાશે શું અને કેવી રીતે ખાશે. કોઈકને ચમચી-કાંટો ફાવે તો કોઈક મુઠ્ઠી ભરી ભરીને પેટમાં ઠાલવે. કોઈક રોજેરોજ માંસાહાર કરે અને કોઈક વળી કાંદા-લસણથી પણ દૂર ભાગે. બધું જ એના સ્થાને છે અને એટલે જ યોગ્ય છે. ભૂ, ભોજન અને ભગવાન તો જેને જેમ ફાવે એમ અપનાવે. હા, પોતાના સ્વાસ્થ્ય અને પોતાની બુદ્ધિ મુજબ પોતે ભલે ખાણીપીણીની રીત બદલાવીએ. એટલું કેમ ના માની લઈએ કે જેવું આપ્યું તેવું ભોજન આપીને આપનારે કેવો ઉપકાર કર્યો છે આપણા માથે. અને બધાને આગવી રીત આપીને એણે દુનિયા સંતુલિત રહે એની પણ વગર કીધે કાળજી રાખી લીધી છે. આટલું કરીને એણે જાદુ કર્યો છે એ વાત નક્કી. હવે પછી આ જાદુનું અપમાન કરવું નહીં અને બીજાને ખાતા જોઈને સોગિયું મોઢું કરવું નહીં એ હવે કરો નક્કી.

– કલ્પના જોશી

(photo courtesy – http://www.le-sacre-bleu.co.uk/images/great_food_1.jpg)

rankaar for 16 09 2009

રણકાર

હું ગમે તેનો પક્ષ લઈશ, પણ હું સારી રીતે જાણું છું કે દોષ તો મારો જ નીકળશે.

– લુઈસ તેરમો

દોષરહિત રહેવું એ લગભગ અશક્ય બાબત છે. જીવન એટલે પ્રવૃત્તિઓથી છલકાતી ગાથા. કાર્યરત રહેવું એ જ કાર્ય નથી, નવરા બેસવામાં પણ અણદીઠ્યું કાર્ય તો છે જ. અને જીવનની એ કરુણા છે કે દોષનો ટોપલો સામે ચાલીને સ્વીકારી લેનારા કરતાં બીજા પર દોષનો ટોપલો ઢોળી દેનારા અહીં ઘણા વધારે છે. ભૂલ કરવી કોઈને ગમતી નથી અને કરેલી ભૂલ સ્વીકારવી તો એનાથી પણ ઓછા લોકોને ફાવે છે. એમાં હેરાન એ લોકો વધુ થાય છે જે પ્રમાણમાં ભોળા છે, શાંત છે અને જે-જ્યારે બોલવાનું હોય ત્યારે બોલી શકતા નથી. એમના ભાગે એટલે જ ગાળો ખાવાની આવે, બધાનો રોષ વહોરી લેવાનું આવે અને છેવટે વારો આવે એકાંતમાં પોતાને જ ખીજાવાનો, “શું કામ મારો સ્વભાવ આવો છે? શા માટે હું તડ ને ફડ કરીને બધાની બોલતી બંધ કરવામાં અસમર્થ છું?” હશે, સ્વભાવ જેવો હોય તેવો માન્ય કરવો પડે. પોતાના પર થતા દોષારોપણને ઓછો કરવા કે શક્ય તેટલો ટાળવા અમુક પગલાં લેવા વિશે વિચારી શકાય. જે માણસો સત્યનિષ્ઠ નથી, જે વ્યક્તિ તરીકે તમારું સન્માન જાળવતા નથી એમનાથી બને તેટલા આઘા રહેવાનું નક્કી કરી લો. એવા માણસોથી આઘા ન રહી શકાય એવા સંજોગ હોય તો એમની સાથે વાત-વ્યવહાર કરતી વખતે બમણી સાવચેતી રાખો. સત્ય સામે આવે તે માટે યોગ્ય સમયે જ બોલવાની કળા ધીમે ધીમે પણ શીખવા માંડો. એવાં કાર્યમાં ભાગીદાર બનો નહીં જે ફાવતા નથી, કરવા નથી અથવા કર્યા પછી દોષ માથે આવવાનો ભય વર્તાતો હોય.  અઘરું હશે, અટપટું હશે પણ આ બધું શીખવું તો પડશે જ. કેમ કે પોતે જ પોતાના સલાહકાર અને રક્ષક બન્યા વિના દુનિયામાં ચાલે જ નહીં. કરવા માંડો પ્રયત્ન.

– કલ્પના જોશી

rankaar for 15 10 2009

રણકાર

વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય

વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય

– અજ્ઞાત

જ્ઞાનની મહતા કેટલી? વિશ્વના સૌથી સુખી દેશોમાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે છે. સાક્ષરતાએ એમને માત્ર આર્થિક પ્રગતો નથી આપી. એની સાથે સંબંધોની સારી સમજણ આપી છે. તકલીફો સામે બાથ ભીડવાની ત્રેવડ પણ વધારે આપી છે. ઓછા જ્ઞાનીઓ જ્યાં નાની અમથી વાતને સમજવામાં અને ઉકેલવામાં દિવસો અને મહિનાઓ કાઢી નાખે ત્યાં સાક્ષરો મોટી સમસ્યાઓનો ઈલાજ પણ ઓછા સમયમાં કાઢી લે છે. વીસમી સદીમાં જગતની પ્રગતિ પાછળ જ્ઞાનના મોરચે થયેલો વિકાસ જ રહ્યો અને હવે એકવીસમી સદીમાં પણ પરિસ્થિતિ એવી જ છે અને એનાથી વધુ જ્ઞાનલક્ષી થશે. જ્ઞાનની મહત્તા આપણે ત્યાં લોકો સમજે છે ખરા? સમજવા તો જોઈએ જ. આખરે જ્ઞાનના ભંડાર જેવા કેટલાય ગ્રંથ આપણી ધરતીએ ત્યારે આ વિશ્વને આપ્યા હતા જ્યારે કેટલાય ખંડ પછાતપણામાં સબડતા હતા. આપણે ત્યાં પણ દરેક માબાપે એવી જ આશા રાખી છે કે એમના કરતાં એમનાં સંતાન વધુ ભણે, જ્ઞાની બને. જ્ઞાનની મહત્તા આપણે પણ સમજીએ છીએ એ વાત આના પરથી સિદ્ધ થઈ જાય છે. છતાં મુશ્કેલી ક્યાં છે? આપણે જ્ઞાન અર્જિત કરીએ છીએ થોડાં વરસ અને એના આધારે કાઢવા મથીએ છીએ આખું જીવન. આપણામાં અપગ્રૅડ થવાની લાલસા કદાચ ઓછી છે. સાથે જ, પોતાના જ્ઞાન માટે અહીં સૌ પોરસાય છે, દામ માગે છે પણ બીજાના જ્ઞાન માટે વિચારે છે, “હવે એમાં વળી શું? આ તો સાવ મામૂલી વાત છે…” જ્ઞાન પામનારા કેટલાય લોકો, ખાસ તો સ્ત્રીઓ, આ દેશમાં રસોડું સંભાળવાથી વધુ અગત્યની ગણાતી નથી. ટેવ તો બદલવી જ પડશે આ બધી. જ્ઞાનને માન, જ્ઞાનને પ્રસાર, જ્ઞાનનું સન્માન અને જ્ઞાન થકી વિકાસ, આટલું કરી શક્યા તો ભયો ભયો!

– કલ્પના જોશી

rankaar for 13 10 2009

રણકાર

જેટલા ઓછા બરાડા પાડશો એટલો તમારો ચહેરો વધારે ખીલશે.

– શર્મિલ

મીઠો મજાનો કંઠ ધરાવતી કોયલ પણ જો આખો દહાડો ઘરની બારીએ બેસીને કુહૂકુહૂ કર્યા કરે તો કેવો પિત્તો જાય? વહેલી સવારે જેની બાંગ સાંભળીને આંખ ઉઘડે એ કૂકડો મગજ ખૂલી અને ધમધમતું થઈ ગયા પછી પણ કૂકડેકૂક કર્યા કરે તો કેવો માઠો લાગે? અવાજનો તો સ્વભાજ છે કે એ પ્રમાણમાં, યોગ્ય જગ્યાએ હોય તો એ અર્થ બને, સાર્થક બને. અયોગ્ય જગ્યાએ અને બિનજરૂરી પ્રમાણમાં થતો કોઈપણ અવાજ નિરર્થક અને નકામો. માણસની જાત જો કે બોલકી છે. બીજા કોઈ પ્રાણીને જે આદત નથી એ એકલા માણસને પડી છે: જરૂર ન હોય છતાં બોલવાની. હજી એક નવાઈ છે. કાગડાનો કકળાટ અને સિંહની ત્રાડમાં અવાજ ગમે તેટલો હોય, પણ એ અવાજ હોય છે સદંતર સાહજિક, ઉત્સ્ફુર્ત અને નૈસર્ગિક. કાગડો ક્યારેય કબૂતર જેવું બોલતો નથી. માણસ વિચિત્ર છે. એ મંદ બોલી જાણે છે, મીઠું બોલી શકે છે છતાં એને તેજ, તીખું, કડવું અને અકર્ણપ્રિય બોલવું પણ ફાવે છે. ચહેરાની સૌમ્યતા કે સ્વભાવની મૄદુતા, માણસ બેઉનો અવાજની અનિષ્ટતા થકી દાટ વાળી શકે છે. માણસે સર્જેલાં અવાજના જ્વાળામુખી જેવાં સાધનો તો વળી અલગ. જે શબ્દ સચોટ નથી એ શબ્દ અગત્યનો નથી. જે વાત શાંતિ ફેલાવતી નથી, પોતાની જવાબદારી સુખરૂપ નિભાવતી નથી એ વાત ઝંઝાવાત કે જંજાળ સિવાય કશું નથી. શું કામ બોલો છો? શું બોલો છો? કેવી રીતે બોલો છો? અને કોને કહો છો? આ ચાર પ્રશ્નનો વાજબી જવાબ મેળવ્યા વિના બોલ્યા તો પણ શું અને બરાડ્યા તો પણ શું? અને જવાબ મેળવીને બોલ્યા તો બીજું જોઈએ પણ શું?

– કલ્પના જોશી