Tag Archives: poem

rankaar for 30 07 2010

રણકાર

સમય સે પહલે ઔર ભાગ્ય સે અધિક કિસી કો કુછ નહીં મિલતા. આ વાક્ય બહુ જાણીતું છે અને એ વાક્ય માટે સૌ એક અવાજે કદાચ કહેશે, “એકદમ સાચી વાત છે.” આ વાક્યને હવે જરા જુદી રીતે જોઈએ અને મૂલવીએ તો કેવું? એમાં થોડી તોડફોડ કરીને આવું કંઈક વાક્ય બનાવી જોઈએ, “સમય કે કારણ ઔર ભાગ્ય કી ગલતી સે કભી કિસી કા કુછ નહીં ગયા.” મતલબ એ કે સમય તો સાવ મૌન છે અને એની આવનજાવન નિરંતર છે, અફર છે. સમય ક્યારેય એવી રીતે આવતો જ નથી કે કોઈ ચોક્કસ માણસને એ જાણી કરીને પરેશાન કરી મૂકે. રહી વાત ભાગ્યની તો એના ઘડવૈયા કોણ? આપણે પોતે જ તો. ભાગ્ય એટલે કર્મોનો ચોપડો. જેવું કરશો તેવું મેળવશો. સમય સે પહલે જો ડરી જશો, હારી જશો કે નબળું ભાગ્ય સ્વીકારી લેશો તો પછી સમય આવે અને જાય એનાથી વળી કયો ચમત્કાર થવાનો? ભાગ્યના ભાગાકાર માટે જવાબદાર જાતે સ્વીકારેલી હારથી વિશેષ કોઈ નથી.

ગઇકાલે જ એક સરસ વાક્ય વાચ્યું કે સચીન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયો અને આજે, ભાગ્યનો ખેલ જુઓ કે એ સચીન વિશે જ હવે દસમા ધોરણમાં પાઠ ભણાવાય છે. તો શું નાપાસ થયેલા સચીને, “હવે મારું કાંઈ નહીં આવે,” એમ કરીને બેઠા રહેવાનું મુનાસિબ માન્યું હોત તો આજે સચીન જે છે એ બની શકત ખરો? અંગ્રેજો ભારતમાં આવ્યા પછી એમણે પગપેસારો કરતાં અને છેવટે આખો દેશ કબ્જે કરતાં ખાસ્સો સમય લાગ્યો હતો. શરૂઆતમાં એમણે જો, “આ દેશ આપણે જીતી શકીએ તેમ નથી,” કહીને ઉચાળા ભરી દીધા હોત તો શું થાત? પહેલા પ્રયત્ને કે પ્રારંભિક તબક્કે ઓછું મળે કે ના મળે એનાથી કાયમી પરાજય થોડો માની લેવાય? કોઇક હારમાં આવનાર વિજયના ભણકારા પણ વાગતા હોય છે એને સાંભળો તો ખરા. જે ગુમાવ્યું એના કરતાં કશુંક મોટું, મહાન અને અપાર મળવાનું છે એ ભરોસો રાખો તો ખરા. નીકળી પડો મેદાને અને હાકલ પાડો પોતાને. સમયને એનું કામ કરવા દો પણ ભાગ્યને પોતાની ઇચ્છા પ્રમાણે લખવા માટે જાત ઘસતા રહો. બાકીનું બધું આપોઆપ ગોઠવાતું જશે.

– કલ્પના જોશી

rankaar for 27 07 2010

રણકાર


કોણ સૌથી વધુ ભરોસાપાત્ર છે? દેશ ચલાવવા માટે વૉટ આપવો પડે અને દરેક જણે કોઈકના પર ભરોસો મૂકીને વિચારવું પડે, “આ એક ભરોસાપાત્ર નેતા છે.” અનેક કલાકારો ફિલ્મમાં દેખાય પણ કોઈક એવો હોય જેના પર આપણને ભરોસો હોય અને એથી એની ફિલ્મ આપણે જોવા જઈએ. ઘર પાસે ઘણી ડિસ્પેન્સરી હોય પણ જેના પર આપણો ભરોસો હોય એવો ડૉક્ટર તો એક જ. બધા પર ભરોસો રાખો ત્યારે ગાડું ગબડે. પોતાના પર ભરોસો રાખો તો ભવ સુધરે. કેટલો ભરોસો છે પોતાના પર? કઈ હદે એવું માનો છો કે જેવા છો તેવા જ બરાબર છો અને ધારો તો ઘણું કરી શકો છો? જેઓ પોતાના વિશે સ્પષ્ટ નથી, જેમને પોતાના પર ભરોસો નથી એમનું શું થઈ શકે? કશું જ નહીં. દૈનિક ઘટનાઓમાં એવી અનેક બાબતો થતી હોય છે જેમાં જાત પરના ભરોસાની બરાબર પરીક્ષા થતી હોય છે. ખાસ કરીને જ્યારે ક્યાંક ચડસાચડસી થાય, ક્યાંક વાદ થાય અને ક્યાંક પોતાની ક્ષમતા બે-પાંચ મિનિટમાં સામે આવી જાય. જે ક્ષણ ઘણું બધું ઠરાવતી હોય છે એ ક્ષણમાં ઠરી જાવ તો પૂરું. એ ક્ષણમાં તો જાત પર એવો ભરોસો રાખવો પડે કે ના પૂછો વાત. મનમાં ભય કે શંકા નહીં, માત્ર એક જ વિચાર આવવો જોઈએ આવી ક્ષણે, “હમણાં પુરવાર નહીં કરું તો ક્યારેય પુરવાર નહીં કરી શકું.” આવડત કે ખામી, બુદ્ધિ કે મૂર્ખામી, હિંમત કે ડર અને પહેલ કે નિષ્ફળતા, એ બધાની ઐસીતૈસી કરો તો જરા. પોતાના પર ભરોસો રાખો અને આ પાર કે પેલે પાર એવી અંતિમવાદી તૈયારી સાથે દરરોજ એ કસોટીઓનો સામનો કરો જે જિંદગીને સુંદર પૂતળાની જેમ ઝીણા ઝીણા કોતરકામથી તરાશે છે. આત્મશ્રદ્ધા અને બેધડકપણા વિના કોઈનાથી કશું જ થઈ શક્યું નથી તો આપણાથી કેમ થવાનું? અંદરખાને જ થરથર કાંપશો તો સફળતા કે સિદ્ધિ સુધીનો માર્ગ ભલા કંઈ રીતે કાપશો? ચાલો, ઊભા થાવ અને યાદ રાખો, સૌથી સારા નેતા, અભિનેતા, દોસ્ત અને દુશ્મન, એ બધું તમે પોતે જ પોતાના માટે છો. પોતાનો ભરોસો જીવી બતાવો તો બધું થઈ રહેવાનું. ઑલવેઝ.

– કલ્પના જોશી

(As published in Mumbai Samachar, Asia’s oldest newspaper)
(Photo courtesy – http://cathlawson.com/blog/wp-content/uploads/2008/10/2305014100_cc97d5760b.jpg)

સાવ અમસ્તી…

હવે પછી જે કાગળ લખીએ કોરાં કોરાં લખીએ?

દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ?

સાવ અમસ્તી ઇચ્છાઓ ને સાવ અમસ્તી ઇર્ષ્યા…

સાવ છલોછલ મનનો દરિયો સુર વિના તીરકીટધા…

સાવ અમસ્તાં વાદળ વરસે તોય બને છપ્પનિયો,

સૂકી ધરતી જેવું હૈયું નિંદામણથી હૈયો?

કાલુંઘેલું અપનાવીને મેલું મેલી દઈએ?

દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ?

હોઠ પલાણે શબ્દોને પણ નહીં લાગણી ભોળી

ખોલી ઊભી રહી જાશે એ મતલબની સૌ ઝોળી

પરમ પૂજ્યથી પૂગે લિખિતંગ કેટકેટલા વાંધા

વરસ વરસની તરસની વચ્ચે કેમ કરીશું સાંધા?

સાચા-ખોટા, મારા-તારા, મૂકી મોજથી તરીએ?

દાયણ, ચંદનના દરવાજા અમથી વાતો કરીએ?

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

rankaar for 02 01 2010



રણકાર

“અરે પણ હું તમારી સાથે આટલો મોટો વેપાર કેમ કરી શકું? બૉસ, હું તમને બરાબર જાણતો નથી અને…” એવું કહેનાર એક વેપારીને બરાબર થોડા દિવસ પછી એમ પણ કહેતા સાંભળવા મળ્યું, “અરે યાર, એની વાત જ રહેવા દો, હું એને એકદમ બરાબર ઓળખું છું…” બેઉ મામલામાં એણે ભલે અલગ-અલગ માણસ માટે મંતવ્ય આપ્યું હતું પણ એની વાતો પરથી એક સરસ પ્રશ્ન થયો: આપણે સૌ માણસને ઓળખવામાં મહેનત કરીએ પછી એને સારી રીતે ઓળખી લઈએ ત્યારે, મોટેભાગે એના પર અવિશ્વાસ કરવામાંથી કે એના વિશે ઘસાતું બોલવામાંથી ઊંચા આવીએ છીએ ખરા? પાકી ઓળખાણનું સૌથી મોટું ઉદાહરણ એટલે ઘરના સંબંધો અને શાળા-કૉલેજના મિત્રો. છતાં નવાઈ એ કહેવાય કે માણસ સૌથી વધુ અવિશ્વાસ અને ઉપેક્ષા કરવાના શ્રીગણેશ પણ ઘરમાંથી કરે છે. એમ ના હોત તો સંયુક્તમાંઠથી વિભક્ત થનારા મોટાભાગના પરિવાર હસતા મોઢે નોખા થયા હોત. પાકી ઓળખાણ વાસ્તવમાં તો વિકાસ અને અરસપરસ ઉપયોગી થવા કામ આવવી જોઈએ. જેમ કામકાજમાં અનુભવ જેટલો વધે એટલી વ્યક્તિની મહત્તા વધે તેમ, સંબંધમાં પણ વ્યક્તિને જેટલી સારી રીતે જાણો એટલી સારી રીતે એને સાચવી લેવા અને એના સાથી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી કોઈને વ્યવસ્થિત ઓળખી લીધા પછી શું કરવાનું? એને પડતો મૂકી બીજા સાથે સંબંધ બાંધવા અને નવેસરથી કોઈકને ઓળખવા પાછળ દોડ્યે રાખવાનું? વળી નવાને ઓળખીએ એટલે એની સાથે પણ જૂનો વહેવાર કરવાનો? ખૂબ મનન કરજો આ મુદ્દા પર. જીવનમાં જે પામવું છે, જે સંતોષ અને વિશ્વસનિયતા પ્રાપ્ત કરવી છે એ માટે કદાચ જેટલા લોકો મળ્યા છે એટલા જ પર્યાપ્ત થઈ જશે.

– કલ્પના જોશી